નવી દિલ્હી: સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતને સુપ્રીમ કોર્ટે ભારતમાં ૨૫મી જાન્યુઆરીએ રજૂ કરવાની પરવાનગી આપવા સાથે રાજસ્થાન અને ગુજરાત સરકારે ફિલ્મની રજૂઆત પર લાદેલા પ્રતિબંધ અને આદેશને રદ કર્યા હતા. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ભારતના અન્ય રાજ્યોને પણ આ ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ લાદવાના આદેશ ન આપવાના નિર્દેશ આપ્યા હતા.
દિપક મિશ્રા સહિત જસ્ટિસ એ. એમ. ખાનવીલકર અને ડી. વાય. ચંદ્રચૂડની ખંડપીઠે નોંધ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ રાજ્યોનું છે. સુનાવણી દરમિયાન દિપક મિશ્રાએ નોંધ્યું હતું કે જ્યારે કોઇ ફિલ્મની રજૂઆતને રોકવામાં આવે છે, ત્યારે મને આઘાત લાગે છે.
ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાલી તરફથી હાજર થયેલા વકીલ હરીશ સાળવે અને મુકુલ રોહતગીએ એવી દલીલ કરી હતી કે સીબીએફસીએ રજૂઆત માટે સર્ટિફિકેટ આપ્યા બાદ એ ફિલ્મને અટકાવવાની સત્તા રાજયો પાસે નથી અને એ આ પ્રકારના આદેશ જાહેર ન કરી શકે.
કોર્ટે આ મામલે ઉપરોક્ત વચગાળાના આદેશ આપ્યા બાદ આગામી સુનાવણી માર્ચમાં કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશની રાજ્ય સરકારના ફિલ્મને રજૂ ન થવા દેવાના નિર્ણયને ફિલ્મ નિર્માતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા તરફથી હાજર થયેલા એડીસી તુષાર મેહતાએ કોર્ટને જણાવ્યું હતું કે નોટિફિકેશન્સ ફક્ત ગુજરાત અને રાજસ્થાને જ જાહેર કર્યા છે.
તુષાર મેહતાએ કોર્ટને એવી વિનંતી કરી હતી કે આ મામલાની સુનાવણી ક્યાં તો શુક્રવારે અથવા તો ૨૨મી જાન્યુઆરીએ કરવામાં આવે જેથી રાજ્યો દસ્તાવેજોનું અધ્યયન કરીને પોતાનો બચાવ કરી શકે.
આ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણશે એવી આશંકા ગુપ્તચર વિભાગે દર્શાવી છે અને સીબીએફસીએ સર્ટિફિકેટ ઇસ્યૂ કરતી વખતે આ બાબત પર ધ્યાન નહીં આપ્યું હોય. આપણા દેશમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે ઇતિહાસ ખરડવાનો હક ક્યારેય નથી અપાયો.
આ સામે હરીશ સાળવેએ એવી દલીલ કરી હતી કે એક વખત સીબીએફસીએ રજૂઆત માટે પરવાનગી આપ્યા બાદ રાજ્ય એમ ન કહી શકે કે રાજકીય કારણોસર અમે રજૂઆત થવા નહીં દઇએ. એમની પાસે એ હક નથી. રાજ્યોએ કાયદો અને વ્યવસ્થા જાળવવા પડે. એ એમની જવાબદારી છે. તેઓ સેન્સર બૉર્ડની ઉપરવટ ન જઇ શકે.
કોર્ટે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાને મામલે રાજ્યો અમુક વિસ્તારમાં ફિલ્મ પર પ્રતિબંધ લાદી શકે પણ આખા રાજ્યમાં નહીં. નિર્માતા તરફથી ફિલ્મના નામ અગાઉ પદ્માવતી હતું તેની જગ્યાએ પદ્માવત કરવામાં આવ્યું હોવાની વાતને કોર્ટે માન્ય રાખી હતી.