સંજય દત્તની ફિલ્મ ‘તોરબાઝ’થી અભિનયમાં ઝંપલાવતી ગાયિકા લીઝા મલિક


ગાયિકા લીઝા મલિક બોલીવુડમાં સંજય દત્તની આગામી ફિલ્મ ‘તોરબાઝ’થી અભિનેત્રી તરીકેની કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે. અભિનેત્રી આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે. લીઝા મલિક કહે છે કે, ‘આ સંજયસરની ફિલ્મ છે અને હું તેમની મોટી પ્રશંસક છું. મને ચરિત્ર ભૂમિકાઓ અદા કરવામાં કશો ફરક પડશે નહિ, પરંતુ હું વધુ સારી ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરીશ. તે સૌથી વિનમ્ર વ્યક્તિ છે.
પોતાની પ્રથમ ફિલ્મમાં લીઝાને કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો છે. અભિનેત્રી અફઘાની યુવતીની ભૂમિકા અદા કરી રહી છે, આથી લીઝાએ અફઘાની ભાષા બોલવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. લીઝા કહે છે, આ ભાષા અલગ છે. તેમની ભાષા અને તે જે રીતે વાત કરે છે તે ખૂબ અલગ છે. મને મૂળ ભાષા શીખવા માટે ટ્યુશન ટીચર પાસે મોકલવામાં આવતી હતી.
લીઝા કહે છે કે દર્શકોએ હંમેશાં મને ગ્લેમરસ ભૂમિકાઓમાં જોઈ છે. જોકે આ ફિલ્મમાં મારી ભૂમિકા માટે મેં કોઈ પણ મેકઅપનો ઉપયોગ કર્યો નથી, કારણ કે મને ખબર છે કે આ મારા પાત્રને અનુરૂપ લાગશે નહિ અને શક્ય તેટલી વાસ્તવિક બનવા માગતી હતી.
આ ફિલ્મ અફઘાનિસ્તાન પર આધારિત ફિલ્મ છે અને અફઘાનિસ્તાનના બાળ આત્મઘાતી હુમલાખોરો વિશેની વાર્તા છે.