નિર્માતા વિધુ વિનોદ ચોપરા અને ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજુ બે કલાક અને ચાલીસ મિનિટની છે. ફિલ્મમાં સંજુની ભૂમિકા રણબીર કપૂરે બખૂબી અદા કરી છે. આ સિવાય અનુષ્કા શર્મા, વિક્કી કૌશલ, બોમન ઈરાની, પરેશ રાવલ, દિયા મિરઝા, મનીષા કોઇરાલા પણ છે.
ફિલ્મ સંજુ અભિનેતા સંજય દત્તની બાયોપિક મનાય છે. જોકે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે સંજુ એક માસૂમ, લોકોએ ગેરમાર્ગે દોરેલી, ખોટી સમજવામાં આવેલી વ્યક્તિ છે.
ફિલ્મમાં સંજયનું જીવન દર્શાવવાના બદલે એવું દર્શાવાયું છે કે તેના જીવનમાં જે બન્યું છે તે માટે બીજા લોકો જવાબદાર છે. કોઈએ તેને ડ્રગ્સની લત લગાડી તો કોઈએ તેને ઘરમાં એકે-57 રાખવાની સલાહ આપી.
ફિલ્મમાં વાર્તા ઓછી અને ડોક્યુડ્રામા વધારે છે. એક વિદેશી લેખકના સ્વરૂપમાં અનુષ્કા શર્મા અને સંજય દત્તના મિત્ર તરીકે વિક્કી કૌશલ છે. ફિલ્મમાં સંજુ પહેલા ભાગમાં ડ્રગ્સમાં ફસાયેલો અને તેમાંથી ઊગરતો દર્શાવાયો છે. બીજા હિસ્સામાં કેવી રીતે તે 1993ના મુંબઈના બોમ્બવિસ્ફોટમાં ગેરકાયદે હથિયાર રાખવાના મામલામાં ફસાયો, જેલમાં ગયો, કેવી રીતે તેના પિતા સુનીલ દત્ત હેરાન થયા અને છેલ્લે જેલની સજા કાપીને છુટકારો થયો તે દર્શાવાયું છે.
રાજકુમાર હિરાનીની છેલ્લી કેટલીક ફિલ્મોની સરખામણીમાં આ ફિલ્મ નબળી છે અને નિરાશ કરે છે. અત્યાર સુધી પરિવારલાયક ફિલ્મો બનાવ્યા પછી સંજુમાં કેટલાંક એવાં દ્રશ્યો અને સંવાદો છે જે પરિવાર સાથે સાંભળવા-જોવા જેવાં નથી.
ખરેખર આ ફિલ્મ સંજય દત્તના જીવનની કોઈ નવી માહિતી આપતી નથી. માન્યતા અગાઉ તેનાં બે લગ્ન અને ટીના મુનીમ તથા માધુરી દીક્ષિત સાથેના અફેર વિશે ફિલ્મમાં કોઈ માહિતી નથી.
મેક-અપ અને ગેટ-અપમાં રણબીર કપૂર આબેહુબ સંજય દત્ત જેવો જ લાગે છે. સંજય દત્તની તેણે બોડી લેન્ગવેજની બેઠી નકલ કરી છે.
રણબીર કપૂરે સુપર્બ એક્ટિંગ કરી છે. પરેશ રાવલ સુનીલ દત્તની ભૂમિકામાં જામે છે. મનીષા કોઇરાલા નરગિસની ભૂમિકામાં અસરકારક નથી. માન્યતાની ભૂમિકામાં દિયા મિરઝા છે, તો અનુષ્કા શર્માના ભાગે કશું આવ્યું નથી. જો તમે સંજય દત્તના ચાહકો હો તો આ ફિલ્મ જોવાય.