સંગીત થકી જ મને મોક્ષ મળેઃ આશિત દેસાઈ

0
1122

વર્ષો પહેલાંનો નારગોળનો તોફાની દરિયો યાદ આવે છે. ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત સંગીત શિબિર આ દરિયાકિનારે યોજાયેલી, જેમાં નિમંત્રિત વિજેતા ગાયકોના સંવર્ધિત માર્ગદર્શન માટે સંગીતજગતની નીવડેલી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી હતી. દસ દિવસીય આ શિબિરમાં એક દિવસ એક કાચો કુંવારો હેન્ડ્સમ સૂરનો આસામી ઉપસ્થિત થાય છે. ગુજરાતી સંગીતમાં ખૂબ ખ્યાતિ પામેલું નામ એ બીજું કોઈ નહિ, પણ આશિત દેસાઈ હતા. અડધા દિવસની ટૂંકી મુલાકાત દરમિયાન એમણે એમનું જ સ્વરાંકન ‘કાગળના કોડિયાનો લીધો અવતાર; પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ’ (કવિ રવીન્દ્ર પારેખ) અમને શીખવાડેલું. અદ્ભુત અનુભવ હતો એ! ગુજરાતી સંગીતને આ યશસ્વાન અને પ્રતિભાશાળી કલાધરે એકથી એક સુંદર ગીતો આપ્યાં છે. એમનાં અર્ધાંગિની હેમાંગિની દેસાઈના સ્વરસાયુજ્ય થકી આશિતભાઈનાં સ્વરાંકનોને એક અલાયદો ઓપ મળ્યો. 1985 પછીના દાયકાઓમાં ગુજરાતી સંગીતના જીવંત કાર્યક્રમોને વિભિન્ન મલાજો અને દરજ્જો મળ્યો એમાં આશિત-હેમાનું ઘણું મોટું યોગદાન છે. આશિતભાઈની ઉત્કૃષ્ટ સ્વર-સન્નિવેશની કુનેહથી ગુજરાતી સંગીતને એક ભિન્ન નાદ મળ્યો. પંડિત રવિશંકર જેવા દિગ્ગજ કસબી પણ આશિતભાઈની નિપુણતાથી પ્રભાવિત હતા.

એક ગીતને મ્યુઝિક એરેન્જમેન્ટ દ્વારા સજાવવામાં વાદ્યોનો સમુચિત નિયોગ અને સ્વરસમૂહોનું સમયોચિત અને સપ્રમાણ ઉપયોગ કરવાનું તો કોઈ આશિતભાઈ પાસેથી શીખે. ઘણાં વર્ષો એમની સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું હોવાથી એમના સંગીતને ખૂબ નજીકથી માણ્યું છે. અઢળક ગીતોની સૂરસજાવટ કરતાં જોઈ એમની પાસેથી ઘણું શીખવાનો લહાવો મળ્યો છે. આશિતભાઈના સુંદર અવાજ અને ઉત્કૃષ્ટ ગાયકીમાં ‘ટોળાંની શૂન્યતા છું, જવા દો કશું નથી’ (કવિ ડો. જવાહર બક્ષી, સ્વરકારઃ પુરુષોત્તમ ઉપાધ્યાય) વારંવાર સાંભળીને આખી કેસેટ ઘસી કાઢેલી એ હજી યાદ છે. દેસાઈ ‘ઇમોશન’ના માણસ છે, જેમની સંવેદનશીલતા એમના ગાયનમાં જોવા મળે છે. કારકિર્દીની શરૂઆતમાં એમણે તબલાં ઉપર હાથ જમાવ્યો હતો, જેને કારણે એમના સ્વર-નિયોજનમાં તાલની વિવિધ રમતો, ઠેકાઓ અને તિહાઈઓ સહજ રીતે સાંભળવા મળે.
આશિતભાઈને સતત સંગીત પરિયોજનાઓમાં વ્યસ્ત અને ખુશ જ જોયાં છે. એમને મન સંગીત એટલે જીવન અને જીવન એ જ સંગીત. સંગીત થકી એમનું વ્યક્તિત્વ ઉત્ક્રાન્તિત થયું છે એમ માનનારા આશિતભાઈ કહે છે કે સતત સર્જનાત્મકતામાં જ રચ્યાપચ્યા રહેવું એ જ એમને શક્તિ આપે છે. સંગીત થકી જ મોક્ષ મળે એવી એમની ખેવના છે. સ્વરાંકન અને સ્વરનિયોજન કરતી વખતે આશિતભાઈ સાતમા આસમાન પર હોય છે, કારણ કે એ એમને અપાર આનંદ આપે છે.
ચલતે ચલતેઃ
એક જમાનામાં દર બીજે ત્રીજે દિવસે અમે મળતા. કોઈ રેકોર્ડિંગ કે કાર્યક્રમના રિહર્સલ અથવા તો કોઈ નવું સ્વરાંકન શેર કરવા માટે. આશિતભાઈ જ્યારે એમનું કોઈ ગમતું તાજું સ્વરાંકન ઉમળકાથી સંભળાવે ત્યારે એમના ચહેરા પર એક અલગ જ પ્રકારનું તેજ જોવા મળતું. કોઈ પ્રયોજન વગર રચેલાં સ્વરાંકનોની મજા જ અલગ હોય છે. સૂર સત્સંગમાં કલાકો ક્યાં નીકળી જાય એનું ભાન ન રહે અને હેમાબહેનની સ્વાદિષ્ટ રસોઈનો લાભ પણ મળી જાય એવા દિવસો ખૂબ યાદ આવે છે. આમ તો સ્વરકારને પોતાના દરેક સર્જન પ્રત્યે સમભાવ હોય એ છતાં આશિતભાઈને એમનાં અઢળક સ્વરાંકનોમાંથી અમુક એમના હૃદયની ખૂબ જ નજીક છે અને જે ગાવાની એમને ખૂબ મજા આવે છેઃ અણગમતું આયખું (જગદીશ જોશી), સાંજ પહેલાંની સાંજ, મોરપિચ્છની રજાઈ, મનના મેવાડમાં એક રાણો વસે છે (ડો. સુરેશ દલાલ), હાથને ચીરો તો ગંગા નીકળે, કે કાગળ હરિ લખે તો બને, તારી ચૂંટી ખણીને (રમેશ પારેખ), શુષ્ક થઈને એમને, જરા અંધારનાબૂદીનો દસ્તાવેજ (શોભિત દેસાઈ), માણસ ઉર્ફે રેતી ઉર્ફે (નયન દેસાઈ). માનીતાં હેમાબહેનના સંગાથ, સહકાર અને યજ્ઞબલિ વગર આશિતભાઈ કદાચ આટલી ઊંચાઈએ ન પહોંચી શક્યા હોત. કુંજબિહારીસુત અને મયૂરીપુત્ર એવા આશિતભાઈ એક સચોટ સ્વરકાર ગુજરાત અને સમગ્ર ભારત પાસે છે એનું અમને બધાને તો ગૌરવ છે જ, પણ સરકારની નજર કોણ જાણે ક્યાં છે! સમયોચિત રાષ્ટ્રીય સન્માનના હકદાર એવા આ મહારથીને નવાજવાનો સમય પાકી ગયો છે, મિત્રો!

આશિત દેસાઈનાં સર્જનો આપણા સૌના મનના મેવાડમાં હંમેશાં રાજ કરતાં રહે એવી અભ્યર્થના સાથે!… અસ્તુ.

લેખક મુંબઈસ્થિત જાણીતા સંગીતજ્ઞ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here