શ્રી સ્વામિનારાયણ મંદિર કોલંબિયા – ટેનેસીનો ચોથો પાટોત્સવ ઊજવાયો

વિશ્વના મહાસત્તા તરીકે ગણાતા અમેરિકા રાષ્ટ્રના ટેનેસી સ્ટેટના કોલંબિયા શહેરમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું શ્રી સ્વામિનારાયણ મંદિર અનેક સત્સંગીઓ, ભાવિકો અને સ્થાનિકો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે. યુનાઇટેડ સ્ટેટ્સના સાઉથ વેસ્ટમાં આવેલું ટેનેસી રાજ્ય એ 50 રાજ્યોમાં વિસ્તારમાં 36મું અને 16મું વધુ વસતિ ધરાવતું સ્ટેટ છે. કંટકી, વર્જિનિયા, ઉત્તર કેરોલિના, જ્યોર્જિયા, અલબામા, મિસિસિપી, અરકાનસાસ અને મિઝોરી આ આઠ રાજ્યોની સરહદ ઉપર આવેલું ટેનેસી રાજ્ય છે. ટેનેસી નદી ઉપર વિકાસ સાધતા આ સ્ટેટના કોલંબિયા શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો ચતુર્થ વાર્ષિકોત્સવ દબદબાભેર અને ઉમળકાભેર ઊજવવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ હાલમાં અમેરિકા રાષ્ટ્રમાં પાવન વિચરણ કરી રહ્યા છે. અમેરિકાના ન્યુ જર્સી, ડેલાવર, પેન્સિલવેનિયા, વર્જિનિયા, સાઉથ કેરોલિના આદિ રાજ્યોમાં પુનિત વિચરણ કરી કોલંબિયા ટેનેસી પધાર્યા હતા.
ચતુર્થ વાર્ષિકોત્સવે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા ષોડશોપચારથી પૂજન-અચર્ન, અન્નકૂટોત્સવ, નીરાજન, સદ્ભાવ પર્વ, દાન વિતરણ, પારાયણો, આશીર્વાદ, મેયર વગેરે મહાનુભાવોનું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા હતા.
આ પાવન અવસરે કોલંબિયા શહેરના મેયર ડી. દીકે, ચીફ આસિસ્ટન્ટ ઓફ ફાયર ડિપાર્ટમેન્ટ – ગેરી ડાયર, ટોની સ્કોટ વગેરે મહેમાનોને સંસ્થાન વતી પાઘ, શાલ, મોમેન્ટો, પ્રસાદ આદિથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કોલંબિયા ફાયર ડિપાર્ટમેન્ટને માતબર ડોનેશન આપવામાં આવ્યું હતું. અને કોલંબિયા ફાયર ડિપાર્ટમેન્ટને માતબર દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.