શ્રી સંતરામ મંદિર દ્વારા જરૂરિયાતમંદોને ૨૦ કિલોની ૫૦૦૦ કીટનું વિતરણ કરાયું

 

નડિયાદઃ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસને કારણે અસરગ્રસ્ત છે અને લોકડાઉનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે પ્રજાજનોને વિવિધ હાડમારીઓથી બચાવવા માટે રાજ્યની ધાર્મિક સંસ્થાઓ અને દાતાઓ તરફથી દાનનો અવિરત ધોધ વહી રહ્યો છે. નડીયાદના શ્રી સંતરામ મંદિર સેવાધર્મને વરેલું છે. તેના દ્વારા દરરોજ ૩૦૦૦થી વધુની ટિફિનની સેવાઓ આપતા સંતરામ મંદિર દ્વારા જિલ્લા કલેકટર આઇ. કે. પટેલની અપીલને ધ્યાને રાખી લોકોની અવરજવર ઉપર કાબુ રાખી શકાય તે માટે પ્રજાજનોને ૨૦ કિલોની વિવિધ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ૫૦૦૦ જેટલી કીટનું વિતરણ વોર્ડવાઇઝ કરવામાં આવ્યું. માનવીય ભાવનાઓને મૂર્તિમંત કરવા મહંત પ.પૂ. રામદાસજી મહારાજશ્રીની આજ્ઞાથી સંતરામ મંદિરના સેવકો, મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ નગરપાલિકાના સભ્યો, અને અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી કીટ વિતરણ પૂર્વે પાસ સીસ્ટમની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જે મુજબ સૌ પાસ ધારકોને પ.પૂ. પ્રાતઃસ્મરણીય મહંતશ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેકટર આઇ. કે. પટેલ, મંદિરના સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ, ગુરૂચરણદાસજી, ક્રૃષ્ણદાસજી સહિત સંતો-મહંતો, નડિયાદના ભામાષા ઇપ્કોવાલા દેવાંગભાઇ પટેલ, અગ્રણી હસીતભાઇ મહેતા સહિત નગરપાલિકા સદસ્યોઓએ કીટનું વિતરણ કર્યુ હતું. 

આ કીટમાં સંતરામ મંદિરના મહંત પ.પૂ. રામદાસજી મહારાજના આર્શીવાદથી તૈયાર થયેલ પ્રસાદી સ્વરૂપ ઘઉંનો લોટ, દાળ, ચોખા, કઠોળ અને તેલ સહિતની જરૂરી ચીજવસ્તુઓ (૨૦ કિલોની માત્રામાં) સૌને ઘર આંગણે પહોંચાડવામાં આવી હતી.

આજદિન સુધી દરરોજ મંદિર તરફથી ટિફિનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આમ છતાં કોરોના વાઇરસની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા વહીવટીતંત્રની  સલાહના સથવારે સોશીયલ ડીસ્ટન્સ જાળવવાના ભાગરૂપે ૨૦ કિલોની જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરવાનું સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું છે. મહંત પ.પૂ. રામદાસજી મહારાજશ્રીની આજ્ઞા મુજબ નડીઆદ શહેરના તમામ વિસ્તારોમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ સિવાય તમામ જરૂરિયાતમંદ પરિવારોને આ કીટ સુલભ રીતે પ્રાપ્ત થાય તે માટે ખાસ સલાહની સાથેનું આયોજન કરવા મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ આ કામ સરસ રીતે થાય તે રીતે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સૌ જરૂરિયાત મંદોને ઘરે બેઠા કીટ મળવાથી  તા. ૧૪મી સુધીના લોકડાઉન સમયમાં ઘરની બહાર નિકળવા માટેની કોઇ ખાસ જરૂરીયાત રહેશે નહીં. જિલ્લા કલેકટર આઇ. કે. પટેલે મંદિરના મહંત પ.પૂ. રામદાસજી મહારાજ, પંકજભાઇ દેસાઇ તેમજ સૌ દાનવીરોનો આભાર વ્યક્ત કર્યો હતો.