શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની રજત જયંતીનો આરંભ

0
1005

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે તેના રજતજયંતી વર્ષના પ્રારંભ નિમિત્તે ચારુસેટ હોસ્પિટલ, ચાંગામાં હર્ષાબહેન એન્ડ નગીનભાઈ એમ. પટેલ ઓબ્સ્ટ્રેટિકસ એન્ડ ગાયનેકોલોજી ઓપરેશન થિયેટર અને ચમોસ માતૃસંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ પેથોલોજીનું નામાભિધાન તથા રૂ. એક કરોડનું દાન આપનારાં દાતા હર્ષાબહેન પટેલ (ચકલાસી/યુએસએ)ને દાન ભાસ્કર એવોર્ડ એનાયત થયો હતો. (જમણે) આ પ્રસંગે ચરોતર ગેસ સહકારી મંડળી તરફથી રૂપિયા 15 લાખનો ચેક મંડળીના ચેરમેન (ડાબે) કિરણભાઈ પટેલે (વચ્ચે) નગીનભાઈ પટેલને અર્પણ કર્યો હતો. તસવીરમાં (જમણે) દીપકભાઈ સાથી નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ચરોતર ગેસ સહકારી મંડળીએ ચારુસેટ હોસ્પિટલ માટે સત્તર લાખ પચાસ હજારનું દાન આપ્યું છે. (બન્ને ફોટોઃ અશ્વિન પટેલ, આણંદ)

ચાંગાઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે તેના રજતજયંતી વર્ષ (1994 2019)ના ભવ્ય પ્રારંભ નિમિત્તે ચારુસેટ હોસ્પિટલ, ચાંગામાં હર્ષાબહેન એન્ડ નગીનભાઈ એમ. પટેલ ઓબ્સ્ટ્રેટિક્સ એન્ડ ગાયનેકોલોજી ઓપરેશન થિયેટર અને ચમોસ માતૃસંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ પેથોલોજીનું નામાભિધાન તથા દાતા હર્ષાબહેન પટેલ (ચકલાસી/યુએસએ)ને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કાર્યકમ યોજાયો હતો.
દાતા દંપતી હર્ષાબહેન અને માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલના હસ્તે ઓબ્સ્ટ્રેટિક્સ એન્ડ ગાયનેકોલોજી ઓપરેશન થિયેટરનું તકતી અનાવરણ થકી નામાભિધાન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આ ઓપરેશન થિયેટર માટે દાતા હર્ષાબહેન નગીનભાઈ પટેલ તરફથી રૂ. 1 કરોડનું માતબર દાન પ્રાપ્ત થયેલ છે.
આ પ્રસંગે સીએચઆરએફના ઉપપ્રમુખ અને કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્ર પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. સીએચઆરએફના ખજાનચી અને કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલે મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે હર્ષાબહેન પટેલનું જીવન હંમેશાં ત્યાગ, સેવા અને ઉદારતા જેવા ઉમદા ગુણોથી ભરપૂર અને પ્રેરણાદાયી રહ્યું છે. ચારુસેટ હોસ્પિટલને રૂ. એક કરોડના માતબર દાન બદલ હર્ષાબહેન અને નગીનભાઈ પટેલને ચારુસેટ કેમ્પસમાં કેળવણી મંડળની આગવી પરંપરા અનુસાર સન્માન પુષ્પ અને દાનભાસ્કર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
મંત્રી ડો. એમ. સી. પટેલ દ્વારા પુષ્પગુચ્છથી અને કેળવણી મંડળ અને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ દ્વારા દાતા હર્ષા પટેલનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. ચારુસેટ હોસ્પિટલનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમા પટેલ દ્વારા ચારુસેટ હોસ્પિટલની રૂપરેખા આપવામાં આવી હતી.
હર્ષાબહેન પટેલના પુત્ર અમરીશ અને પુત્રવધૂ માલા તથા બહેન-બનેવી હંસાબહેન અને રાવજી દાસ અને તેમનાં સગાં-સ્નેહીઓ તથા સમગ્ર પરિવાર દ્વારા આ સન્માનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અગ્રણી દાતા દેવાંગ પટેલ (ઇપ્કોવાળા) અને મુંબઈના પૂર્વ શેરીફ અને અગ્રણી ઉદ્યોગપતિ ડો. એમ. આઇ. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેળવણી મંડળ, માતૃસંસ્થા અને સીએચઆરએફના સ્થાપક મંત્રી ડો. એમ. સી. પટેલ કેળવણી મંડળ અને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ડો. એ. સી. પટેલ સહિત કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ (કમ્ફી ફર્નિચર), જોઇન્ટ સેક્રેટરી ધીરુભાઈ પટેલ, મધુબહેન પટેલ, ગિરીશભાઈ પટેલ સાથે ડો. વાય સી પટેલ, વિષ્ણુભાઈ પટેલ, અન્ય લગ્ન ગોળના વડીલો, ખૂબ મોટી સંખ્યામાં કેળવણી મંડળ, માતૃસંસ્થા અને સીએચઆરએફના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો અને દાતા પરિવારના સભ્યો, ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ડો. એમ. આઇ. પટેલે તેમની નગીનભાઈ પટેલ અને હર્ષાબહેનના પરિવાર સાથેની અને સંસ્થા સાથેની જૂની મિત્રતાનાં સ્મરણો વાગોળ્યાં હતાં.
દાતા પરિવાર વતી અમેરિકાસ્થિત પુત્રવધૂ માલાબહેનએ મહાદાન પરત્વે સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. ચકલાસી ગામ વતી હર્ષાબહેન પટેલનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું. સુરેન્દ્ર પટેલનાં ધર્મપત્ની અને ડો. એમ. સી. પટેલના ધર્મપત્ની શારદાબહેનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ડો. એમ. સી. પટેલે કેળવણી મંડળની વિસ્તૃત વિકાસગાથાની માહિતી આપી સંસ્થાઓ અને દાતાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ તબક્કે રજત જયંતી ઉજવણીનો પ્રારંભ કરતાં સંગીત સાથે મહાનુભાવોએ અને શ્રોતાજનો દ્વારા ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા. સરોજબહેન વી. એમ. પટેલ તરફથી તેમના લગ્નજીવનનાં 50 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં હોસ્પિટલ માટે 1 લાખ રૂપિયાનો ચેક તથા ચરોતર ગેસ સહકારી મંડળી તરફથી રૂપિયા 15 લાખનો ચેક કિરણભાઈ પટેલે અર્પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ ચરોતર ગેસ સહકારી મંડળીએ ચારુસેટ હોસ્પિટલ માટે સત્તર લાખ પચાસ હજારનું દાન આપેલું છે. અમરીશભાઈ તરફથી ચારુસેટમાં હર્ષાબહેનની સ્મૃતિમાં રૂપિયા પાંચ લાખના ગોલ્ડ મેડલ માટેની જાહેરાત કરાઈ હતી.
નગીનભાઈ પટેલે જણાવ્યું કે સમાજે મને ઘણું આપ્યું છે, હવે મારે તે ઋણ ચૂકવવાનું છે. પાટીદારો જન્મે અને વ્યવસાયથી ખેડૂત છે. મારા ગામ ચકલાસીમાં 1995માં સ્થપાયેલો સમાજ યુનિવર્સિટી અને હોસ્પિટલ નિર્માણ સુધી આગળ વધ્યા છીએ, જેનું મને ગૌરવ છે. ચાંગાની આસપાસનાં ચરોતરનાં 35થી 45 ગામોને સ્વાસ્થ્ય સેવાનો જીવાદોરીરૂપ આધાર ચારુસેટ હોસ્પિટલ થકી સ્થાપિત થયો છે. ચારુસેટ હોસ્પિટલનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમા પટેલ અને તેમની ટીમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. (ગુજરાત ટાઇમ્સ સંકલન)