શ્રી ગિરધરભાઈ બાળ સંગ્રહાલયઃ કલા, સંસ્કૃતિ તેમજ ઐતિહાસિક વારસાની સાચવણી

0
2085

અમેરિકા અને યુરોપમાં જ્યારે સંગ્રહાલય પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે તેના પાયાના હેતુઓમાં શિક્ષણ મુખ્ય હતું. કલા, સંસ્કૃતિ તેમ જ ઐતિહાસિક વારસાની સાચવણીના નમૂનાઓનાં પ્રત્યક્ષ દર્શનથી અમૂલ્ય શિક્ષણ મળે છે. ખાસ કરીને બાળકોને સંગ્રહાલયમાં મૂકવામાં આવેલા નમૂનાઓના પ્રત્યક્ષ નિદર્શનથી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય છે. અમેરિકામાં આ વિચારથી ઉદ્ભવેલાં સંગ્રહાલયોનો વિચાર અમલમાં મૂકવા અમરેલીના રત્ન પદ્મશ્રી તાપરાય મહેતાએ પહેલ કરી. ઈ. સ. 1953માં દિલ્હીમાં બાળ સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું અને પછી પ્રાયોગિક ધોરણે શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા અમરેલીમાં પણ તે શરૂ કરવામાં આવ્યું. અમરેલી વડોદરા રાજ્યનો ભાગ હતો, આથી વડોદરાની જેમ જ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને મહત્ત્વ અપાતું અને આ રીતે બાળસંગ્રહાલયની આ યોજના અમરેલીમાં ખૂબ ઝડપથી અમલમાં મુકાઈ.
સ્થાપનાઃ 1934માં વડોદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ અમરેલીની ઠેબી અને વડી નદીઓ પાસેના ટીંબાઓનું ઉત્ખનન કર્યું. અહીંથી મળેલા અવશેષો સ્થાનિક પુસ્તકાલયના એક ખંડમાં સંગ્રહિત કર્યા અને સંગ્રહાલયની શરૂઆત થઈ. ઈ. સ. 1955માં શ્રી તાપભાઈ મહેતાએ સંગ્રહમાં મોટો ભાગ આપી સંગ્રહાલયની શરૂઆત કરી તેથી તેમના પિતાજીના નામ પરથી સંગ્રહાલયનું નામ  શ્રી ગિરધરભાઈ બાળ સંગ્રહાલય રાખવામાં આવ્યું. 1958માં આ સંગ્રહાલય બોમ્બે પબ્લિક ટ્રસ્ટ હેઠળ રજિસ્ટર્ડ થયું. સંગ્રહાલય શહેરની મધ્યમાં 1835માં બનેલા રંગમહેલમાં સ્થાન પામ્યું છે.
સંગ્રહઃ અહીં પ્રદર્શિત સંગ્રહનો મુખ્ય હેતુ બાળકો-કિશોરોને જ્ઞાન આપવાનો છે. બાળકોની આંતરિક શક્તિ ખીલવી તેમને જ્ઞાનપિપાસુ બનાવવાનો છે. અહીં પ્રદર્શિત કોઈ પણ પ્રતિકૃતિ એક શૈક્ષણિક સાધનની ગરજ સારે છે. આ સંગ્રહાલયમાં કુલ 5,058 નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જોકે તમામ પ્રદર્શિત કરવામાં આવ્યા નથી.
સંગ્રહાલય 14 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. મુખ્ય વિભાગો નીચે મુજબ છેઃ
(1) પુરાતત્ત્વ દર્શન ખંડઃ આ વિભાગમાં અમરેલી અને વેણીવદરમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો, તામ્રપત્ર, ક્ષત્રપ સમય અને ગુપ્ત સમયના સિક્કાઓ, ચિનાઈ તેમ જ પકવેલી માટીની વસ્તુઓ, જૈન શિલ્પો, હિન્દુ શિલ્પો વગેરે મુખ્ય છે.
(2) કલા વિભાગઃ અહીં સૌરાષ્ટ્રનાં વિશિષ્ટ કીડિયા મોતીના હસ્તકળાના નમૂનાઓ, ચંદરવા, ચાકળા, તોરણ, મથરાવટી, ઈંઢોણીઓ, બટવાઓ, વીંઝણાઓ, પાટણનાં પટોળાં, સુરતનું જરીકામ, ગુજરાતનાં ધાતુશિલ્પો, તલવાર, ઢાલ વગેરે મુખ્ય છે.
(3) નૃવંશ વિષયક વિભાગઃ અહીં સૌરાષ્ટ્રની મુખ્ય જાતિઓ ભરવાડ, કાઠી, વાધેર, મેર, પસાયતાના પહેરવેશ, જીવનશૈલી, કલાના નમૂનાઓ, પહેરવેશ સાથે તેમનાં પૂતળાંઓ તેમના પરિવેશમાં દર્શાવ્યાં છે.
(4) મહાત્મા ગાંધી વીથિકાઃ અહીં શ્રી ગાંધીજીના જીવનની ઝાંખી વિવિધ રંગીન ચિત્રો દ્વારા કરાવવામાં આવી છે.
(5) આંતરરાષ્ટ્રીય વીથિકામાં વિવિધ દેશોનો પરિચય તેમના નકશા, રાષ્ટ્રીય ધ્વજ, પોશાક, ચલણ, ટપાલટિકિટ સાથે દર્શાવ્યાં છે.
(6) ટપાલટિકિટ વિભાગમાં વિવિધ દેશોની ટિકિટો વિષયવાર, જેમ કે પક્ષીઓ, પોશાક, રમત-ગમત વગેરે રીતે ગોઠવવામાં આવી છે.
(7) તારા-ગંગા વિભાગમાં બાળકો વિજ્ઞાનના સામાન્ય નિયમો જુદાં જુદાં સાધનો દ્વારા આપમેળે શીખે તેવું આયોજન કરેલું છે. અન્ય વિભાગોમાં રમકડાં વિભાગ, તૂફાન રફાઈ (અમરેલીના ચિત્રકાર) કલા વિભાગ, પ્લેનેટોરિયમ વિભાગ તથા નેહરુ વિભાગ મુખ્ય છે. આ સંગ્રહાલયમાં દાખલ થતું કોઈ પણ બાળક કે અન્ય મુલાકાતી ઘણું બધું જ્ઞાન મેળવીને જાય તે રીતે સંગ્રહિત વસ્તુઓ ગોઠવવામાં આવેલી છે.
આ ઉપરાંત આ સંગ્રહાલયમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ, જેવી કે નાટકો, સંગીત, પુસ્તકાલય, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા, નેચર ક્લબ, ઉનાળુ અને શિયાળાની રજાઓના કેમ્પ, આકાશદર્શન વગેરેનું અવારનવાર આયોજન કરવામાં આવે છે. આ સંગ્રહાલયમાં બાળવિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજુબાજુની શાળાઓ તથા સ્થાનિક બાળકો તેનો મોટા પ્રમાણમાં લાભ લે છે.
સંપર્ક ઃ શ્રી ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, ફોન ઃ (02792) 22118, 22367 સમય ઃ 9.00 થી 12.00 3.30 થી 6.30. બુધવારે બંધ.
વડનગર સંગ્રહાલય
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલું ગુજરાતનાં પ્રાચીન સ્થળોમાંનું એક ઐતિહાસિક નગર એટલે વડનગર.
ઉત્ખનનમાંથી મળી આવેલા અવશેષોના આધારે આ નગર ઈ. સ. પૂર્વે ત્રીજી-ચોથી સદીનું પ્રાચીન નગર માનવામાં આવે છે. ઇતિહાસ ઉપર નજર નાખતાં મગધની ગાદી પર મહાક્ષત્રપ રુદ્રદામાનું સામ્રાજ્ય હતું ત્યારે ગુજરાતમાં તેનો મંત્રી નહ્યાન હતો અને તેનો જમાઈ ઉસદવત એ વડનગરનો વતની હતો, જે પાછળથી ગુજરાતનો મહામંત્રી બન્યો. લોકોક્તિ મુજબ નહ્યાન નાગર હતો. તેણે ઈ. સ. 141માં વડનગરની સ્થાપના કરી હતી. તે સમયે આ નગર ખૂબ જ સમૃદ્ધ હતું. વડનગરના વિવિધ નામોલ્લેખમાં સત્યુગમાં ચમત્કારપુર, ત્રેતાયુગમાં આનંદપુર, દ્વાપરમાં માનપુર તથા કલિયુગમાં વડનગર તરીકે ઉલ્લેખ જોવા મળે છે.
ઈ. સ.ની પાંચમી સદી દરમિયાન જૈન મુનિ ભદ્રબાહુએ કલ્પસૂત્રની રચના અહીં કરી હતી. મૈત્રક અને સોલંકી કાળ દરમિયાન અહીં શ્રીપાલ જેવા અનેક વિદ્વાનો થઈ ગયા. વડનગરની તાના અને રીરી નામની બે નાગર બહેનો સંગીતમાં ખૂબ જ પ્રવીણ હતી.
ઉત્ખનનમાં મોગલ, હિન્દુ, જૈન, બૌદ્ધ એમ તમામ ધર્મોના અવશેષો મળી આવેલા છે. આ અવશેષો અહીંના મ્યુઝિયમમાં સાચવવામાં આવેલા છે. શહેરની મધ્યમાં દરબારગઢસ્થિત આ મ્યુઝિયમનો વહીવટ સરકાર હસ્તક છે. 1996માં આ મ્યુઝિયમનો પ્રારંભ થયેલો.
સંગ્રહઃ મહેસાણા જિલ્લામાંથી મળી આવેલાં મધ્યકાલીન શિલ્પ, તામ્રપત્રો તથા પ્રાચીન-મધ્યકાલીન સ્થાપત્યનાં ખંડેરોના ફોટોગ્રાફ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત છે. તેમાં પાટણની રાણકી વાવના અને મોઢેરાના સૂર્યમંદિરના ફોટોગ્રાફ, તાંબાના પતરાથી મઢેલા બાજઠો, પાટણનાં પટોળાં અને ઓટીવા કુંભારોએ માટીમાંથી ઘડેલાં વિવિધ પશુપંખીઓનો સમાવેશ થાય છે. બારમી સદીમાં સફેદ આરસમાં કંડારાયેલાં બ્રહ્મા-વિષ્ણુનાં શિલ્પ આ મ્યુઝિયમનું અમૂલ્ય આભૂષણ ગણાય છે. તેમાં બ્રહ્મા અને વિષ્ણુને આગળ-પાછળ એકબીજાની પીઠ જોડાયેલી હોય તેવી રીતે કંડારવામાં આવ્યાં છે. આ ઉપરાંત બુદ્ધ અને શિવની મૂર્તિઓ પણ અહીં છે. તેમાં તારંગામાંથી મળી આવેલી એક બૌદ્ધ પ્રતિમાનો વરદ મુદ્રામાં ખંડિત હાથ, 987માં રાજા મૂળરાજ પહેલાનું પાટણમાંથી મળી આવેલું તામ્રપત્ર, મૈત્રક શાસકનું સાતમી-આઠમી સદીનું એક તામ્રપત્ર તથા વિજાપુર તાલુકામાં લાડોલમાંથી મળી આવેલી અગિયારમી સદીની નૃત્ય કરતી અપ્સરાની મૂર્તિ ખાસ મહત્ત્વનાં છે.
સંપર્કઃ વડનગર સંગ્રહાલય, દરબારગઢ, વડનગર. પિનકોડ- 384355, ફોનઃ 02761-22954. સમયઃ 9.00થી 12.30, 3.00થી 6.00 બુધવારે રજા.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here