શ્રીલંકામાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ – સરકારે 10 દિવસ માટે  કેન્ડી જિલ્લામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

0
726

શ્રીલંકામાં બૌધ્ધધર્મીઓ  ઈસ્લામના અનુયાયીઓ વચ્ચે હિંસક અથડામણોની ઘટનાઓ થયા બાદ શ્રીલંકાની સરકારે દેશમાં 10 દિવસ માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. મળેલી માહિતી અનુસાર, હિંદ મહાસાગરના ક્ષેત્રમાં આવેલા કેન્ડી જિલ્લાના વિસ્તારોમાં સાંપ્રદાયિક અથડામણોની પરિસ્થિતિ ઊભી થવાના કારણે સરકારને કટોકટી જાહેર કરવાની ફરજ પડી હતી. છેલ્લા એક વરસથી બૌધ્ધ કટ્ટરપંથીઓ અને મુસલમાનો વચ્ચે તંગદિલીનો માહોલ છે. બૌધ્ધપંથીઓ એનું કારણ આપતાં કહે છેકે, મુસલમાનો જબરદસ્તી કરીને અમારા સંપ્રદાયના લોકોનું ધર્મ પરિવર્તન કરાવીને તેમને મુસ્લિમ બનાવે છે. એ સાથે સાથે ઈસ્લામના પ્રચારકો અમારા ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના પ્રતીકો અને ઈમારતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. શ્રીલંકાએ મોટી સંખ્યામાં રોહિંગ્યા  મુસલમાનોને આશ્રય આપ્યો છે એ બાબત અહીં વસનારા બૌધ્ધ ધર્મીઓને ગમી નથી, શ્રીલંકાના સરકારી વહીવટીતંત્રના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સરકારે તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવીને પરિસ્થિતિ વધુ ના વણસે તે માટે કટોકટી લાદવાનો નિર્ણય લીધો હતો. જે લોકો સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરીને હિંસા ફેલાવવાનો પ્રયાસ કરશે તેમની સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે.

 ભારતની ક્રિકેટ ટીમ આ સમયગાળામાં શ્રીલંકાની ટીમ સામે સિરિઝ રમવા માટે ત્યાં ગઈ છે મંગળવારથી જ ભારત અને શ્રીલંકા વચ્ચે  પહેલી મેચ શરૂ થઈ રહી છે. બીસીસીઆઈ દ્વારા કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, મેચ એના નિર્ધારિત સમયે જ શરૂ કરાશે. મેચ કોલંબોમાં રમાઈ રહી છે,  જયારે કટોકટીની સ્થિતિ કેન્ડીમાં છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. જો કે શ્રીલંકાની સરકારે ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા માટે સઘન બંદોબસ્ત કર્યો છે એમ જણાવવામાં આવ્યું હતું.