શ્રીલંકામાં મોંઘવારીનો દાવાનળ દવાઓ મળતી નથી, ખાદ્ય સામગ્રીની કિંમતમાં  ૪ ગણો વધારો

 

શ્રીલંકાઃ ભારતના દક્ષિણમાં આવેલા પાડોશી દેશ શ્રીલંકા તેની સ્વતંત્રતા બાદ અત્યાર સુધીમાં સૌધી ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. મોંઘવારી દર ૧૭ ટકાને પાર થઇ ગયો છે. લોકો પેટ્રોલ, રાંધણ ગેસ, કેરોસિન ખરીદવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. દેશમાં જે સ્થિતિ સર્જાઇ છે તે માટે લોકો સરકારની ભ્રષ્ટ નીતિઓને જવાબદાર માની રહ્યાં છે. લોકોનું કહેવું છે કે બે વર્ષની અંદર સ્થિતિ બગડી ગઇ છે. સ્થિતિ એટલી વિકટ બનેલી છે કે અહીં દવાઓ સરળતાથી મળી રહી નથી અને જે મળે પણ છે તેની કિંમત બમણાથી વધારે હોય છે. દરેક ચીજની કિંમતમાં ચાર ગણો વધારો થયો છે. લોકો માટે એક કપ ચા પીવી પણ મુશ્કેલ બની ગઇ છે. શ્રીલંકા એક ટાપુ દેશ છે જેના અર્થતંત્રનો મોટો આધાર પર્યટન અને વિદેશોમાં કામ કરી રહેલા લોકોના પૈસા મોકલવા ઉપર આધાર રાખે છે. કોવિડ મહામારીએ આ વિસ્તાર ઉપર ગંભીર અસર કરી છે જેને લીધે શ્રીલંકાના અર્થતંત્રની કમર તૂટી ગઇ છે. શ્રીલંકા પાસે અત્યારે વિદેશી હૂંડિયામણ ખતમ થઇ ગયું છે. થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે ઇંધણ નથી જેથી તે દરરોજ પાંચ-પાંચ કલાક સુધી વીજળી કાપ કરી રહી છે. શ્રીલંકા ઉપર ૫૧ અબજ ડોલરનું દેવુ છે અને ક્રેડિટ એજન્સીઓના અંદાજ પ્રમાણે આ દેશ આ દેવુ ચૂકવવા માટે સમર્થ નથી. ભારતના એક રૂપિયામાં શ્રીલંકાના ૩.૮૧ રૂપિયા આવે છે. શ્રીલંકામાં અત્યારે અડધો કિલો મિલ્ક પાઉડર ૮૦૦ સ્થાનિક રૂપિયામાં મળે છે.