શ્રીલંકામાં કટોકટીઃ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સિવાય તમામ ૨૬ મંત્રીઓના રાજીનામા

 

શ્રીલંકાઃ શ્રીલંકામાં ઘેરાયેલા આર્થિક સંકટ વચ્ચે દેશની સમગ્ર કેબિનેટે તાત્કાલિક અસરથી રાજીનામા આપી દીધા છે. દેશના શિક્ષણ મંત્રી અને સદનના નેતા દિનેશ ગુણવર્ધને જણાવ્યું કે કેબિનેટે આની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને વડાપ્રધાન મહિંદા રાજપક્ષેને બાદ કરતાં ૨૬ મંત્રીઓએ શ્રીલંકાના વડાપ્રધાનને રાજીનામુ સોંપી દીધું. જોકે તેમણે કેબિનેટના આ રાજીનામું કોઇ કારણ જણાવ્યું નથી.

સમગ્ર કેબિનેટ ઉપરાંત કેન્દ્રીય બેન્ક ગવર્નર અજિત નિવાર્ડ કાબરાલે રાજીનામુ આપી દીધું. તેમણે કહ્યું કે આ રાજીનામુ તમામ કેબિનેટ મંત્રીઓના રાજીનામા સાથે જોડાયેલ છે. કાબરાલે ટ્વિટર દ્વારા રાજીનામાની જાહેરાત કરી હતી. કિબનેટના રાજીનામા પહેલા દેશના રમત મંત્રી અને વડાપ્રધાન રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષેએ પોતાના તમામ વિભાગોમાંથી રાજીનામુ આપી દીધું. તેના લગભગ એક કલાક બાદ અન્ય મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દીધા.