શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં મંદિર બાંધશે, રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના

 

નવી દિલ્હીઃ મોદી કેબિનેટ દ્વારા બુધવારેે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના ટ્રસ્ટના ગઠનનો પ્રસ્તાવ રખાયો છે. કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણય લીધો છે. 

લોકસભામાં મોદીએ આ સાથે અયોધ્યામાં સરકાર દ્વારા હસ્તગત કરાયેલી ૬૭ એકર જમીન પણ ટ્રસ્ટને આપવા અંગેની વાત જણાવી હતી. જ્યારે બાબરી મસ્જિદ માટે યોગીસરકારે અયોધ્યાના ધનીપુરમાં પાંચ એકર જમીન આપવાનો નિર્ણય લીધો છે. આ જમીન સુન્ની વકફ બોર્ડને અપાશે. અયોધ્યાના સોહાવલ ગામના ધનીપુરમાં આ જમીન આપવામાં આવશે. 

૧૯૯૨માં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડ્યા બાદ વિવાદ થયો હતો, ત્યાર બાદ ૧૯૯૩માં અયોધ્યામાં વિવાદિત સ્થળ સહિત આસપાસની અંદાજે ૬૭ એકર જમીન કેન્દ્ર સરકાર દ્વારા હસ્તગત કરાઈ હતી. ત્યારથી આ જમીન કેન્દ્ર સરકાર પાસે હતી, પરંતુ હવે સરકાર દ્વારા આ રામ મંદિર ટ્રસ્ટને સોંપી દેવાઈ છે. આમ, હવે ૬૭ એકર ગેર-વિવાદિત જમીન અને ૨.૫ એકર વિવાદિત જમીન બંને રામ મંદિર ટ્રસ્ટની પાસે છે. મોદીએ કહ્યું હતું કે ‘શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર’ જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને એને સંબંધિત નિર્ણયો લેશે. આ અંગેનું એલાન સંસદમાં મોદીએ કર્યું હતું. સૂત્રોથી મળતી જાણકારી મુજબ મોદી ટ્રસ્ટના સભ્યોનાં નામની જાહેરાત કરે એવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ૮૭ દિવસે આ અંગેની રૂપરેખા તૈયાર થઈ ચૂકી છે. લોકસભામાં સંબોધન શરૂ કરતાં તેમણે કહ્યું હતું કે રામ જન્મભૂમિ મુદ્દો મારા દિલની પાસે છે. રામ મંદિર બનાવવા પર યોજના તૈયાર થઈ ગઈ છે. પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને અપાશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ૧૫ ટ્રસ્ટી હશે, જેમાં એક ટ્રસ્ટી હંમેશાં દલિત સમાજનો રહેશે. આનું એલાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. અમિત શાહે આની જાણકારી ટ્વિટરના માધ્યમથી કરતાં કહ્યું હતું કે સામાજિક સોહાર્દને મજબૂત કરનાર આ મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું. પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ઘાના પ્રતીક ભગવાન શ્રીરામ મંદિર પ્રતિ મોદીની કટિબદ્ઘતા માટે હું તેમને કોટિ-કોટિ અભિંનદન કરું છું. આજનો આ દિવસ સમગ્ર ભારત માટે અત્યંત હર્ષ-ગૌરવનો છે. શ્રીરામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આજે ભારત સરકારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની દિશામાં પોતાની કટિબદ્ઘતા દર્શાવતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામના ટ્રસ્ટ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. શાહના આ નિવેદન અગાઉ મોદીએ બુધવારના રોજ લોકસભામાં જાણકારી આપી હતી કે કેબિનેટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન કરવાનો પ્રસ્તાવ પાસ કરાયો છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ કરવા અને એની સાથે જોડાયેલા વિષયો પર નિર્ણય લેવા પૂર્ણ રીતે સ્વતંત્ર હશે.