શ્રીરામે સદીઓ પહેલાં રાવણનો વધ કર્યો હતો, આપણે હજી એનાં પૂતળાં બાળીએ છીએ!

0
1343

સદીઓ પહેલાં શ્રીરામે જે રાવણનો સંહાર કર્યો હતો એ રાવણને હજી આજે પણ આપણે દર વર્ષે બાળી રહ્યા છીએ! રાવણદહનનો આપણે જે ઉત્સવ ઊજવીએ છીએ એ ભલે પ્રતીકાત્મક જ માત્ર હોય, છતાં એના વિશેષ અર્થ સુધી જવાની મથામણ કરીએ તો આઘાત લાગે એવું એક સત્ય આપણને એમાંથી જડે છે. એ સત્ય એ છે કે દર વર્ષે પહેલાં તો આપણે રાવણને બનાવીએ છીએ અને પછી એને બાળીએ છીએ!
રાવણ આપણા સમાજમાં ક્યાંય બહારથી આવતો નથી હોતો. આપણા સમાજમાંથી જ એ પેદા થતો હોય છે! નવા પેદા થતા રાવણને શરૂઆતથી જ અટકાવવાનું સાહસ આપણે કરતા નથી, ઊલટાનું એને પોષવાનું પાપ ઇનડાયરેક્ટલી આપણે કરતા હોઈએ છીએ. શરૂઆતમાં રાવણને આપણે ઇગ્નોર કરીએ છીએ. પાતળો નાનોઅમથો રાવણ આપણું શું બગાડી લેવાનો છે એવી બેફિકરાઈ અથવા તો ‘જે વ્યક્તિ જેવું કરશે તેવું ભરશે’ એવી વાહિયાત ફિલસૂફીનો પાલવ પકડીને એ રાવણને આપણે ધીમેધીમે મોટો થવા દઈએ છીએ.
રાવણ થોડો મોટો થઈ જાય એટલે આપણે એનાથી ડરવા લાગીએ છીએ. આપણને ડરતા જોઈને રાવણને પોતાની દુરુપયોગ કરવાની પ્રેરણા મળે છે અને એ સમાજમાંથી જ પોતાને અનુકૂળ આવે એવા લોકોની એક આખી ટીમ બનાવે છે. રામરાજ્યની ભવ્ય કલ્પના કરતાં-કરતાં, પરોક્ષ રીતે આપણે રાવણરાજ્યને મૂક અનુમતિ આપતાં રહીએ છીએ!
સવાલ તો એ છે કે સમાજમાં અત્યારે સાચા રાવણો અગણિત છે છતાં આપણે તેમનો વધ કે સંહાર કરવાનું સાહસ કરી શકતા નથી એટલે છેવટે ગાભા-ડૂચાના રાવણ બનાવીને એને બાળવાનાં ત્રાગાં કરીકરીને સંતોષ માનતા રહીએ છીએ! પરંતુ આમ ખોટા રાવણનાં પૂતળાં બાળવાથી સમાજમાંથી સાચા રાવણો – સમાજનાં અનિષ્ટો કંઈ ટળી જતાં નથી!
કહેવાય છે કે રાવણ મહાજ્ઞાની હતો. એણે તપ-સાધના દ્વારા અનેક વિશિષ્ટ શક્તિઓ સંપાદિત કરી હતી. એટલે રાવણને પરાજિત કરવાનું સામર્થ્ય સામાન્ય લોકોમાં નહોતું. આ વાતને આજના સંદર્ભમાં પણ આપણે કેમ ન વિચારી શકીએ? તમે માર્ક કરજો, દરેક આતંકવાદી હકીકતમાં ટેક્નોલોજીનું ભરપૂર જ્ઞાન ધરાવતો હોય છે. તેની પાસે લેટેસ્ટ શસ્ત્રો હોય છે, લેટેસ્ટ ડિઝાઇન અને ટેક્નોલોજીવાળાં વાહનો પણ હોય છે. તમે એવું વારંવાર સાંભળ્યું હશે કે તીર્થયાત્રાએ જતી યાત્રિકોની બસ ખાઈ કે ખીણમાં ગબડી પડી અથવા તો એને ગંભીર અકસ્માત થયો, પણ તમે ક્યારેય એવું સાંભળ્યું છે ખરું કે કોઈ આતંકવાદીનું વાહન કોઈ જગ્યાએ બગડીને અટકી પડ્યું અથવા એને કોઈ ગંભીર અકસ્માત થયો? ના, એવું ક્યારેય બનતું નથી! એનું રહસ્ય શું છે? ભક્તો ભગવાન-ભરોસે ચાલી નીકળ્યા હોય છે, અને આતંકવાદીઓ આત્મવિશ્વાસ સાથે સેલ્ફ-ડિપેન્ડન્ટ રહીને પોતાના લક્ષ્ય માટે ચાલી નીકળ્યા હોય છે. તીર્થયાત્રા કરવા નીકળેલા ભક્તોની બસ સસ્તા ભાડાની અને ખખડપંચમ હશે, જ્યારે આતંકવાદીઓનું વાહન અલ્ટ્રા લેટેસ્ટ ટેક્નોલોજીથી સમૃદ્ધ હશે. ભક્તો જોરશોરથી રાગડા તાણતા જતા હશે, જ્યારે પેલા આતંકવાદીઓ ચૂપચાપ જતા હશે. આજના આતંકવાદી રૂપી રાવણો કંઈ ઓછા જ્ઞાની નથી હોતા. આપણે એમને અન્ડરએસ્ટિમેટ ન કરવા જોઈએ.
એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત તરફ પણ મારે આપનું ધ્યાન ખેંચવું છે. તમે જોજો, કોઈ પણ દેશમાં કે સમાજમાં અનિષ્ટ તત્ત્વો કરતાં ઇસ્ટ તત્ત્વોની (સજ્જનોની) સંખ્યા મોટી હોય છે અને છતાં તે મોટી સંખ્યા ડગલે ને પગલે કમજોર પુરવાર થતી હોય છે! આખા ગામમાં કે નગરમાં રખડેલ અને આવારા અથવા તો ત્રાસ પેદા કરનારા લોકોની સંખ્યા માંડ પાંચ-પંદરની જ હોય છે, અને છતાં આખું ગામ કે નગર એ લુખ્ખાં તત્ત્વોને જાણે સરેન્ડર થઈને એનાથી ડરીડરીને જીવતું હોય છે. કોઈ પણ જગ્યાએ આતંકવાદી હુમલો થાય છે ત્યારે માત્ર બે-ચાર આતંકવાદીઓ હાથમાં શસ્ત્રો લઈને કોઈ એક વિસ્તારને ઘેરી વળે છે અને અનેકની હિંસા કરે છે. એ વખતે આસપાસમાં ઊભેલા અથવા ત્યાંથી પસાર થતા સજ્જનોની સંખ્યા પેલા આતંકવાદીઓ કરતાં તો વધારે જ હોય છે. જો તેઓ હિંમત કરીને એ આતંકવાદીઓને ઘેરી વળે તો પોસિબલ છે કે બેચાર સજ્જનોએ પોતાનો જીવ ખોવો પડે પણ આતંકવાદીઓ છટકી ન શકે! આમેય આતંકવાદીઓનાં શસ્ત્રોનો શિકાર તો બનવાનું જ હોય છે ને! તો પછી એમનાં શસ્ત્રોથી ડરવાની શી જરૂર છે? એમનો સામનો શા માટે ન કરવો જોઈએ? પરંતુ સજ્જનોનું ટોળું નાસભાગ મચાવે છે અને આતંકવાદીઓને પોતાનું ધાર્યું કરવાની સગવડ મળી જાય છે. સજ્જનોએ આ બાબતે સાહસિક બનીને વિચારવાની જરૂર છે.
આપણે માની લીધું છે કે ગુનેગારો, બળાત્કારીઓ કે આતંકવાદીઓનો સામનો કરવાનું કામ માત્ર પોલીસ અને સૈનિકનું જ છે. દરેક વખતે અને દરેક સ્થળે સુરક્ષાબળો ત્યાં હાજર હોય જ એ જરૂરી નથી અને એવા વખતે સામાન્ય પ્રજાએ સાહસિક બનીને સામનો કરવાનો સામૂહિક પ્રયત્ન કરવો અનિવાર્ય ગણાય. રાવણનું પૂતળું બાળવાનું હોય ત્યારે સેંકડો માણસો ભેગા થાય છે, પણ કોઈ સાચા રાવણનો સામનો કરવાનો હોય ત્યારે એ સેંકડો માણસો ત્યાંથી ભયભીત થઈને ભાગી જાય છે. શું માત્ર પૂતળાં બાળવાથી જ સમાજ કે રાષ્ટ્ર અનિષ્ટરહિત બની જશે?
સાચા રાવણથી આપણે હંમેશાં ડરીએ છીએ. એટલે રાવણનાં પૂતળાં બનાવીને એને બાળવામાં આપણે ભરપૂર આનંદ અને સંતોષનો અનુભવ કરીએ છીએ. રાવણને આપણે જ બનાવીએ છીએ. રાવણને આપણે જ પ્રોત્સાહન આપીએ છીએ અને રાવણ સામે ફરિયાદ પણ આપણે જ કરીએ છીએ! શું આ આપણી કાયરતા અને બેવકૂફી ન કહેવાય?
ફિલ્મ ‘હોલિડેનો એક ડાયલોગ મને ખૂબ પ્રિય છે. તેમાં અક્ષયકુમાર એક વખત કહે છે કે હજારોનો જીવ લેવા ઇચ્છતો આતંકવાદી મરવા માટે તૈયાર થઈ જતો હોય છે, તો શું આપણે હજારો લોકોને બચાવવા માટે આપણો જીવ આપવા તૈયાર ન થઈ શકીએ?
હું હંમેશાં એક વાત વારંવાર કહું છું કે જ્યારે પણ કોઈ પશુનો બલિ ચઢાવવાનો હોય છે ત્યારે હંમેશાં બકરાનો કે નબળા પ્રાણીનો જ ચઢાવાય છે. કદી કોઈ જગ્યાએ સિંહ, વાઘ કે હાથીને બલિ તરીકે ચઢાવ્યા નથી. સમર્થ નહિ બનો તો બલિ જ બનશો. આપણે નબળા બનીશું તો શિકાર જ બનીશું. જંગલમાં પણ એવું જ બને છે કે સિંહને દૂરથી જોઈને જ હરણાં ડરીને ભાગવા માંડે છે. જે ડરીને ભાગી જાય છે તે શિકાર બને છે. જે સામનો કરે છે તેને શિકાર મળે છે અને જે ડરીને ભાગી જાય છે તે શિકાર બની જાય છે! અનિષ્ટથી ડરવાનું આપણને કોઠે પડી ગયું છે, પણ આપણે એ સમજવાની જરૂર છે કે અનિષ્ટથી આપણે જેટલા ડરીશું એટલો જ એને પરોક્ષ સપોર્ટ મળતો રહેશે. શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધમાં અર્જુનને શસ્ત્ર છોડી દેવાનું નથી કહ્યું. સામે સ્વજનો હોય તો પણ જ્યારે ‘યુદ્ધ એ જ ધર્મ’ બની ગયું હોય ત્યારે કાયરતા બતાવવી એ પાપ છે. મારે તો છેલ્લે એક જ વાત કહેવી છે કે સમાજમાંથી કે રાષ્ટ્રમાંથી અનિષ્ટ તત્ત્વોને દૂર કરવા માટે ઉપરથી કોઈ અવતારી આત્મા આવવાનો નથી. અનિષ્ટનો સંહાર કે વધ કરવાનું કામ આપણે પોતે જ કરવાનું છે. ઘણી વખત આપણે હિંસા (હત્યા) અને સંહાર (વધ) વચ્ચેનો તફાવત કરી શકતા નથી. સ્વાર્થ માટે આપણે કોઈને મારી નાખીએ તો એ હિંસા કે હત્યા કરી કહેવાય અને એ ગુનો પણ બને છે, પરંતુ સમાજના કે રાષ્ટ્રના હિત માટે કોઈ અનિષ્ટને ખતમ કરીએ ત્યારે તે વધ કર્યો કહેવાય! વધ કે સંહાર કરનારને જગત દૈવી પુરુષ તરીકે લાઇફ ટાઇમ પૂજે છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ અનિષ્ટનો નાશ કરનારા દિવ્ય પુરુષો હતા. આપણે એમના જેવા સાચા અને સાહસિક ન બનીએ ત્યાં સુધી આપણે એમના સાચા અનુયાયી છીએ એવું કહેવાનો આપણને કોઈ હક નથી.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.