શ્રીનગરના ટ્યુલિપ ગાર્ડનની ૧૧ દિવસમાં રેકોર્ડ બ્રેક ૨.૫૭ લાખ સહેલાણીઓએ મુલાકાત લીધી

 

શ્રીનગરઃ એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન સહેલાણીઓ વચ્ચે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ૧૧ દિવસમાં આ ગાર્ડનની રેકોર્ડ ૨.૫૭ લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. આ સાથે જ સહેલાણીઓના અહીં આવવાના પાછલા તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આ વર્ષે એપ્રિલ સુધી પાંચ લાખથી વધુ લોકો અહીં આવવાની આશા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ટ્યુલિપ ગાર્ડન બંધ હતો. ૨૦૧૯માં ૨૨ દિવસમાં અહીં ૨.૧૦ લાખ લોકો આવ્યા હતા. હાલ અહીં ૬૮ પ્રજાતિના આશરે ૧૫ લાખ ટ્યુલિપ ખીલ્યા છે, જે છેલ્લા અનેક વર્ષોમાં સૌથી વધુ છે. શ્રીનગરમાં રાત્રિનું તાપમાન ૮.૬ ડિગ્રી છે, જે સામાન્યથી બે ડિગ્રી વધુ છે. ગરમીના કારણે ટ્યુલિપ ઝડપથી ખીલ્યા છે. જો આગામી દિવસોમાં વરસાદ નહિ પડે, તો તે ઝડપથી મુરઝાઈ શકે છે. આ સ્થિતિમાં ફૂલો પર સતત પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે. આગામી વર્ષોમાં ટ્યુલિપ ગાર્ડનમાં જાપાનની તર્જ પર સકુરા ફેસ્ટિવલ શરૂ થશે. આ માટે ટ્યુલિપ ગાર્ડનના એક કિનારે લાકડાનું કેફેટેરિયા પણ બનાવાશે. ચેરી અને અન્ય વૃક્ષો માટે ઝડપથી ગ્લોબર ટેન્ડર પણ જારી કરાશે. કાશ્મીર ખીણમાં આ સહેલાણીઓ માટે નવું આકર્ષણ હશે. ભારત ઉપરાંત વિદેશી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આ ટ્યુલિપ ગાર્ડન જોવા માટે ઉમટી પડ્યાં છે. એપ્રિલ મહિનાના અંત સુધીમાં નવો રેકોર્ડ સર્જાશે તેમ વર્તાઈ રહ્યું છે.