શ્રીનગરથી પ્રકાશિત થતા અખબાર રાઈઝિંગ કશ્મીરના સંપાદક શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી….

0
859

જમ્મુ- કાશ્મીરની રાજધાની શ્રીનગરથી પ્રગટ કરવામાં આવતા અખબાર રાઈઝિંગ કશ્મીરના એડિટર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની માહિતી સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી. આ હત્યા-કાંડમાં શુજાત બુખારીના બોડીગાર્ડનું પણ મૃત્યુ થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. તેમનો બીજો બોડીગાર્ડ પણ ઘાયલ થયો હતો. બુખારી પર હુમલો શ્રીનગરની પ્રેસ કોલોનીમાં કરવામાં આવ્યો હતો. આ હુમલો કોણે કર્યો અને કયા કારણે કર્યો તે અંગે કશી જ અધિકૃત માહિતી મળી શકી નહોતી.હુમલો થયા બાદ બુખારીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, ત્યાં સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. બુખારીની હત્યાને કારણે મિડિયા -વિશ્વ શોકની લાગણી અનુભવી રહ્યું છે. જમ્મુ- કાશ્મીરના  મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ આ હુમલાની સખત ટીકા કરી હતી.તેમણે પોતાના ટવીટર લખ્યું હતું કે, શુજાત બુખારીના અચાનક થયેલા મૃત્યુથી મને ખૂબ દુખ થયું છે. ઈદની પૂર્વસંધ્યાના સમયે આતંકવાદનો ઘૃણાસ્પદ ચહેરો સહુની સામે પ્રગટ થયો છે. હું આ હિંસાભરી ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરું છું અને શુજાત બુખારીના આત્માની શાંતિ માટે કામના કરું છું,પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરું છું.