શ્રીદેવીની પુત્રી જાહ્ન્વીની પ્રથમ ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ થયું

બોલીવુડની પ્રથમ સુપરસ્ટારના નામથી જાણીતી શ્રીદેવીની દીકરી બોલીવુડમાં પ્રવેશવા માટે તૈયાર છે. અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની પુત્રી જાહ્ન્વી કપૂર અને ઈશાન ખટ્ટરની કારકિર્દીની પહેલી જ હિન્દી ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.
યુવા પ્રેમીઓની આ ફિલ્મના દમદાર ટ્રેલરમાં જાહ્ન્વી અને ઈશાનનો નિર્દોષ રોમાન્સ નજરે પડે છે. એવું કહેવાય છે કે આ ફિલ્મ સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટની સત્તાવાર હિન્દી રીમેક છે. ફિલ્મ ધડક 20મા જુલાઈએ રિલીઝ થવાની છે.
ધડક ફિલ્મ રાજસ્થાનની પશ્ચાદભૂ પર આધારિત છે, જ્યારે મૂળ ફિલ્મ સૈરાટ મરાઠીમાં બની હતી. ધડકનું નિર્માણ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ કરી રહી છે. જાહ્ન્વી અને ઈશાન ઉપરાંત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં આશુતોષ રાણા પણ મુખ્ય ભૂમિકામાં છે.
પોતાની કારકિર્દીની પહેલી જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે લાગણીવશ જાહ્ન્વીએ કહ્યુ હતું, મારી મમ્મીની ઇચ્છા હતી કે હું સૈરાટ જેવી ફિલ્મમાં અભિનય કરું. જાહ્ન્વીએ વધુમાં કહ્યું હતું, મેં અને મારી મમ્મીએ સૈરાટ ફિલ્મ અમારા ઘરમાં બેસીને જોઈ હતી. મને યાદ છે કે મેં એમને કહ્યું હતું કે મારી પહેલી ફિલ્મ આના જેવી જ હશે અને હું આ પ્રકારની એક્ટિંગ કરી શકું એમ છું. ત્યાર પછી કરણ જોહર સાથે વાતચીત થઈ અને ફિલ્મ બનાવવાનું નક્કી થયું. જાહ્ન્વીની આ પ્રથમ ફિલ્મ તેની મમ્મી અને મહાન અભિનેત્રી શ્રીદેવીના નિધનના અમુક મહિના પછી આવી રહી છે. શ્રીદેવીનું ગયા ફેબ્રુઆરી મહિનામાં દુબઈની હોટેલમાં આકસ્મિક નિધન થયું હતું.
ફિલ્મના ટ્રેલરના રિલીઝ વખતે જાહ્ન્વીનો ઉત્સાહ વધારવા માટે એની સાથે એના પિતા બોની કપૂર, બહેન ખુશી, બે કાકા – અનિલ કપૂર અને સંજય કપૂર, પિતરાઈ ભાઈઓ હર્ષવર્ધન કપૂર અને મોહિત મારવાહ ઉપસ્થિત રહ્યાં હતાં. જાહ્ન્વીના ઓરમાન ભાઈ એક્ટર અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બહેન જાહ્ન્વીને પોતાનો સપોર્ટ વ્યક્ત કર્યો છે.
ઈશાનને ટેકો આપવા માટે એનાં માતા નીલિમા અઝીમ હાજર રહ્યાં હતાં. ઈશાન ખટ્ટર અભિનેતા શાહીદ કપૂરનો સાવકો નાનો ભાઈ છે. શાહિદ કપૂરના પિતા અભિનેતા પંકજ કપૂરને પરણીને (1975-1984) છૂટા પડ્યા પછી અભિનેત્રી નીલિમા અઝીમે 1990માં રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યાં હતાં અને 2001માં તેણે રાજેશ ખટ્ટર સાથે પણ છૂટાછેડા લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here