શ્રીદેવીની પુત્રી જાહ્નવીનો પ્રથમ ફિલ્મ ‘ધડક’માં શાનદાર અભિનય


બોલીવુડની અભિનત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરની પ્રથમ ફિલ્મ ‘ધડક’ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શાહીદ કપૂરના ભાઇ ઈશાન ખટ્ટરે આ અગાઉ ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ’માં પોતાની અભિનયક્ષમતા દર્શાવી છે. આના કારણે ફિલ્મની રિલીઝ થતાં અગાઉથી જ આ યુવાન જોડીનો યુવાપેઢીમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. આ ફિલ્મના ડિરક્ટર શશાંક ખેતાનની અગાઉની બે ફિલ્મો ‘હમ્પટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદરીનાથ કી દુલ્હનિયા’ બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી. આથી ‘ધડક’ ફિલ્મથી દર્શકોને વધારે આશા છે. જોકે એ આશામાં કઈક અંશે આ ફિલ્મ ઊણી ઊતરે છે.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કલેક્શન કરનારી સુપરહિટ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રિમેક છે. આ અગાઉ ‘સૈરાટ’ તમિળ અને પંજાબીમાં બનેલી છે અને આ બન્ને ફિલ્મોને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. મરાઠીમાં બનેલી આ ફિલ્મનું બજેટ ચાર કરોડ હતું તો ફિલ્મે બોક્સ ઓફિસ પર 105 કરોડની કમાણી કરી હતી. ડિરેક્ટર શશાંક ખેતાને આ ફિલ્મને પણ લગભગ એવો જ લુક આપ્યો છે, જે મરાઠી ફિલ્મમાં છે. ‘ધડક’ના સંગીતમાં પણ મરાઠી ટચ સંભળાય છે. મલ્ટિપ્લેક્સોમાં આ ફિલ્મના લગભગ દસથી વધુ શો રાખવામાં આવ્યા છે તે આ ફિલ્મનો ક્રેઝ દર્શાવે છે.
બે કલાક અને 18 મિનિટની આ ફિલ્મમાં ડ્રામા અને રોમાન્સ છે. ‘ધડક’ની વાર્તા રાજસ્થાનના ઉદેપુરથી શરૂ થાય છે. રાજ પરિવાર સાથે સંકળાયેલી પાર્થવી (જાહ્નવી કપૂર) પોતાના રાજપરિવારનાં બંધનો-કાયદાઓને દિલથી સ્વીકારે છે અથવા ન તો પોતાની સ્વતંત્રતામાં ભાઈ, કાકા કે પિતાની દખલઅંદાજી પસંદ કરતી નથી. બીજી બાજુ પાર્થવીના પિતા ઠાકુર રતનસિંહ (આશુતોષ રાણા)ને પણ પોતાના નિર્ણયની વિરુદ્ધ કોઈ જાય તે ગમતું નથી. પાર્થવીની કોલેજમાં મધુકર (ઈશાન ખટ્ટર)ને પાર્થવી સાથે પ્રેમ થઈ જાય છે, મધુકરના પિતાને પણ પોતાનો દીકરો પૈસાદાર અને રાજવી પરિવારની યુવતીને મળે તે પસંદ નથી. જોકે મધુકર અને પાર્થવી એકબીજાને સતત મળતાં રહે છે. ઠાકુરસાહેબ ચૂંટણી લડવાની તૈયારી કરે છે અને મતદારોને ખુશ કરવા પડે છે. રતનસિંહને પાર્થવી-મધુકરના પ્રેમ વિશે ખ્યાલ આવે છે અને ગુસ્સે થઈ જાય છે. બન્ને યુવા ઉદેપુર ભાગી જાય છે, પછી શું થાય છે તે જોવા માટે સિનેમાહોલમાં જવું પડશે. જાહ્નવીએ પોતાની પ્રથમ ફિલ્મમાં જ સાબિત કર્યું છે કે કેમેરાનો સામનો કરવા અગાઉ તેણે હોમવર્ક કર્યું છે, જ્યારે ઈશાન ખટ્ટરે સારો અભિનય આપ્યો છે. બન્નેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી સારી લાગે છે. જાહ્નવી ક્લોઝ-અપ દશ્યોમાં ઈશાન કરતાં મોટી લાગે છે.
જાહ્નવી-ઈશાનની શાનદાર કેમિસ્ટ્રી, રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર આકાર લેનારી આ ફિલ્મની વાર્તામાં ભલે કશું નવું નથી, પરંતુ આ ફિલ્મની વાર્તાને એવી રીતે રજૂ કરાઈ છે જેનાથી દર્શકોને કંટાળો આવતો નથી.