શ્રાવણ માસ દરમિયાન 40 દેશના શિવભક્તોએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાંઃ એક કરોડની આવક વધી

વેરાવળઃ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. 20થી 25 લાખ શિવભક્તો સોમનાથ આવ્યા, અને પ્રત્યક્ષરૂપે મહાદેવને શીશ ઝુકાવ્યું. આ ઉપરાંત દુનિયાભરના 40 દેશોમાં વસતા શિવભક્તો રૂબરૂ સોમનાથ ન આવી શક્યા તો તેઓએ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં મનભરીને સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં છે. માહિતી આપતાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે એકલા ફેસબુકના જ 40 દેશોના 1.5 કરોડ યુઝર્સે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં, જ્યારે ટ્વિટરમાં 13.40 લાખ અને ઇન્સ્ટાગ્રામમાં 6.5 લાખ યુઝર્સે દાદાનાં દર્શન કર્યાં. આ યુઝર્સમાં પાકિસ્તાનમાંથી ત્રણ હજારથી વધુ શિવભક્તોએ પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. આ વર્ષે ગત શ્રાવણ માસ કરતાં એક કરોડની આવક વધી હતી. મંદિરની વાર્ષિક આવક ગત વર્ષે સાડા ચાર કરોડ હતી એ વધીને આ વર્ષે 5.13 કરોડ થઈ છે, જેમાં 2 કરોડની તો પ્રસાદી ભાવિકો આરોગી ગયા છે. ટ્રસ્ટ દ્વારા દર સોમવારે યોજાતી પાલખીયાત્રા, ત્રીસેય દિવસ જુદા જુદા શણગાર, આરતી, પૂજાના ભાવિકોએ દર્શન કર્યાં હતા.