શ્રધ્ધાંજલિ : બહુમુખી પ્રતિભાસંપન્ન સર્જક ચન્દ્રકાન્ત શાહનું દુખદ નિધન

ગુજરાતી ભાષાનાં પ્રતિષ્ઠિત કવિ-નાટયકાર, નાટ્ય-દિગ્દર્શક, અભિનેતા, નિર્માતા તેમજ ઉત્કૃષ્ટ વક્તા અને ખ્યાતનામ આઈટી કંપનીનાં સંચાલક ચંદ્રકાન્ત શાહનું 4 નવેમ્બરે અમદાવાદમાં દુખદ અવસાન થયું હતું. સદગત 67 વર્ષના હતા. અમેરિકામાં વસતા સાહિત્યરસિકોમાં તેઓ ખૂબજ લોકપ્રિય હતા. વ્યસ્ત વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન પણ તેમની સાહિત્ય-સર્જનની અને રંગભૂમિની પ્રવૃત્તિ અવિરત ચાલતી રહી હતી. -અને થોડાક સપનાં અને બ્લુ જિન્સ – નામના તેમના બન્ને કાવ્યસંગ્રહો ખૂબજ લોકપ્રિય બન્યા હતા. તેમના પ્રથમ કાવ્યસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનો પુરસ્કાર એનાયત કરાયો હતો. તેમનાં કાવ્યસંગ્રહો મુંબઈની એસએનડીટી યુિનવર્સિટીમાં એમએનાં અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામ્યા છે. છેલ્લા ત્રણ દાયકાથી તેઓ બોસ્ટનમાં વસવાટ કરતા હતા. અમેરિકામાં રહેતા ભારતીયોના જીવનની ગતિવિધિને માર્મિકતાથી વ્યક્ત કરતાં તેમના સંવેદનાભીનાં બ્લુ જિન્સ કાવ્યો – આપણા આધુનિક કાવ્યજગતની એક વીરલ ઘટના છે.
મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર ખેલૈૈયાનું સર્જન કરીને તેમણે ચમત્કાર સર્જ્યો હતો. ગીત- સંગીતસભર ખેલૈયાએ મુંબઈની આધુનિક રંગભૂિમની આબોહવાને મહેકતી કરી દીધી હતી. દિગ્દર્શક મહેન્દ્ર જોષી, અભિનેતા પરેશ રાવલ અને નાટ્ય- લેખક ચંદ્રકાન્ત શાહનું ખેલૈયા – એ ગુજરાતી રંગભૂમિની ઐતિહાસિક શકવર્તી તેજોજ્જવલ ઘટના છે. ચંદ્રકાન્ત શાહના અન્ય નાટ્ય- સર્જનોમાં એવા મુંબઈમાં ચાલ જઈએ, માસ્ટર ફૂલમણિ, કાબરો, એક હતી રૂપલીનો સમાવેશ થાય છે. સ્વભાવે ઋજુ, સૌજન્યશીલ અને મિલનસાર ચંદ્રકાન્ત શાહ તેમના વિશાળ મિત્ર સમુદાયમાં ચંદુ શાહના હુલામણા નામે જાણીતા હતા. ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા તેમજ ગુજરાતી એસો.ઓફ ન્યુ ઈંગ્લેન્ડ સાથે તેઓ સંકળાયેલા હતા. તેમના અવસાનથી અમેરિકા અને ભારતના નાટ્યરસિકો તેમજ સાહિત્યપ્રેમીઓ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. તેમના પરિવારજનો – ધર્મપત્ની ઈશાની શાહ, પુત્ર કુશાન અને પુત્રી શૈલીનાં દુઃખમાં અમે સહભાગી છીએ.
કવિ ચંદ્રકાન્ત!હવે ફૂલ,પતંગિયાં,રંગો અને પ્રેમનાં ગીતો મુગ્ધ અભિનિવેશથી કોેણ ગાશે ?નક્કી ,પતંગિયાની પાંખો બ્લેક એન્ડ વાઈટ થઈ જવાની…!!
મિત્ર, દાયકાઓ પહેલાંની એ ઘટના… મુંબઈની ચોપાટીના દરિયાકિનારે, મધરાતે ધીમું ધીમું ગુંજન કરતા સાગરની સાક્ષીએ વહેલી સવાર સુધી તમે સ્વમુખે સંભળાવેલાં ગીતોનો કેફ આજે છાતીમાં ડૂમો બનીને કણસી રહ્યો છે…. ગુજરાત ટાઈમ્સ સર્જક ચંદ્રકાન્ત શાહને બા અદબ શ્રધ્ધાંજલિ અર્પે છે… ઓમ શાંતિ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here