શોખીન બિલાડી

0
3227

એક નાનકડું ગામ હતું. એ ગામમાં નાનું બજાર આવેલું હતું. બજારમાં જેન્તીની જૂતાની દુકાન, છગનની છત્રીની દુકાન, ચંદુની ચશ્માંની દુકાન, પેથાભાઈની પર્સની દુકાન અને દામજીની દરજીકામની દુકાન આવેલી હતી. એ બજારમાં શિવાભાઈની દુકાન પણ હતી. શિવાભાઈ સ્ત્રીઓની વસ્તુઓ, જેવી કે બંગડી, જાતભાતના દાગીના અને ચાંદલા-કાજળ જેવી ચીજો વેચતા. દામજી દરજી સિવાય બીજા બધા દુકાનદારો લુચ્ચા અને સ્વાર્થી હતા. દામજી દરજી ભલો અને દયાળુ હતો. એ બીજા કોઈ દુકાનદારો સાથે પંચાતમાં પડતો નહિ. એ ભલો અને એનું કામ ભલું.
આ બજારમાં ઉંદરોનો બહુ ત્રાસ હતો. ઉંદરો બધી દુકાનોની ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડતા હતા. આથી દુકાનદારો ઉંદરોથી કંટાળી ગયા હતા. તેઓ વિચારતા હતા કે આનો કોઈ ઉપાય શોધવો પડે, પણ એમને કોઈ રસ્તો જડતો નહોતો. એક બિલાડી ફરતી ફરતી આ બજારમાં આવી ચઢી. બિલાડી ખૂબ શોખીન અને સ્વાભિમાની હતી. એ ચોખ્ખીચણાક રહેતી અને ઠસ્સાથી ફરતી. એને હંમેશાં કંઈ ને કંઈ નવું કરવાનું મન થતું. એક વાર એને ફ્રોક પહેરવાનું મન થયું. એ તો પહોંચી દામજી દરજીની દુકાને. ત્યાં જઈને બોલીઃ ‘દરજી, દરજી, મને ફ્રોક સીવી આપશે?’
દામજી તો નીચું જોઈને મશીન પર સિલાઈ કરતો હતો. એણે આશ્ચર્યથી બિલ્લી સામે જોયું અને હસતાં હસતાં બોલ્યોઃ ‘તારે ફ્રોકનું શું કરવું છે?’
‘શું કરવું છે એટલે? ફ્રોકનું શું કરાય? મારે ફ્રોક પહેરવું છે.’ ફોડ પાડતાં બિલ્લી બોલી. બિલ્લીની વાત સાંભળીને દામજીની આંખો પહોળી થઈ ગઈ. એ જોઈ બિલ્લી બોલીઃ ‘એમાં નવાઈ પામવા જેવું શું છે? સીવી દેવાનો હો તો હા કહે, નહિતર હું આ ચાલી.’
ઊંધી વળીને ચાલવા જતી બિલ્લીને દામજીએ કહ્યુંઃ ‘ઊભી તો રહે! મેં તને ક્યાં ના પાડી કે તું આમ ચાલવા લાગી? આવ, હું તને ફ્રોક સીવી આપીશ. એના માટે પહેલાં મારે તારું માપ લેવું પડશે.’ દામજી માપપટ્ટી લઈ બિલ્લીની નજીક આવી માપ લેવા જતો હતો ત્યાં જ એને અટકાવતાં બિલ્લી બોલીઃ ‘ઊભો રહે. એમ નહિ હં… કોઈની પાસે કશું મફતમાં લઉં નહિ કે કરાવું નહિ. બોલ, બદલામાં હું તારી શી સેવા કરું?’
દામજી દરજી કહેઃ ‘મને તારી કોઈ સેવાની જરૂર નથી. હું તને ફ્રોક સીવી આપીશ. બસ, તું એ પહેરીને રોજ મને મળવા આવજે, મને બહુ ગમશે.’
બિલ્લી કહેઃ ‘ના, ભાઈ, એમ મફતમાં તો હું નહિ જ સીવડાવું.’
દામજીને થયું, આ બિલાડી એમ માને એવી નથી. ત્યાં જ એના મગજમાં ઝબકાર થયો. એ બોલ્યોઃ ‘સારું, તું માનતી જ નથી તો તારા જેવું એક કામ છે. અહીં ઉંદરોનો બહુ જ ત્રાસ છે. ઉંદરોથી બચવા મારે મારી દુકાનનાં બધાં કપડાં બહુ સંભાળીને લોખંડની પેટીમાં મૂકવાં પડે છે. જો ક્યારેક ભૂલથી કોઈ કપડું બહાર રહી ગયું હોય તો બીજે દિવસે દુકાન ખોલું ત્યારે કપડું આખું ચાળણી બની ગયું હોય. કપડાંનો ગ્રાહક મારા પર ગુસ્સે થઈ ઝઘડી જાય અને એનું નુકસાન મારે ભોગવવું પડે એ વધારામાં. એથી જો તું ચોકી કરી, આ ઉંદરોને મારી દુકાનથી દૂર રાખી શકે તો તારો મોટો ઉપકાર થશે.’
દામજીની વાત સાંભળીને બિલ્લી બોલીઃ ‘બસ, આટલી જ વાત છે ને? આ તો મારા ડાબા હાથનો ખેલ છે.’
દામજીએ બિલ્લીને ફ્રોક સીવી આપ્યું. બિલ્લી તો ફ્રોક પહેરી વટ મારતી ફટ ફટ ફરવા લાગી. દામજીની દુકાનની ચોકી કરતી બિલ્લીને જોઈ ઉંદરો ત્યાંથી તો રફુચક્કર થઈ ગયા, પણ બીજા બધાની દુકાનોમાં એમની આવનજાવન ચાલુ રહી. ઉંદરોની ચિંતા મટી તેથી દામજી રાજી રાજી થઈ ગયો. હવે જ્યારે બધા દુકાનદારો ભેગા મળી ઉંદરોના ત્રાસની વાત કરતા ત્યારે દામજી નીચી મૂંડીએ બધું સાંભળતો, પણ કશું બોલતો નહિ. તેથી બીજા દુકાનદારોને નવાઈ લાગી. કપડું કાતરવું એ ઉંદરોનો સૌથી પ્રિય શોખ. એ કારણે સૌથી વધારે ત્રાસેલો દામજી હવે કેમ કંઈ બોલતો નથી? બધાએ એનું કારણ જાણવાનું મનોમન નક્કી કર્યું. છેવટે એ બધાને એક બિલાડી દામજીની દુકાનની ચોકી કરે છે એ વાતની ખબર પડી ગઈ.
બીજા દિવસે બિલાડી જેન્તી જૂતાવાળાની દુકાન પાસેથી પસાર થતી હતી ત્યારે જેન્તીએ કોઈને ખબર ન પડે એમ એને એક બાજુ બોલાવીને કહ્યુંઃ ‘વાહ બિલ્લીબહેન, તમે ફ્રોકમાં તો બહુ સુંદર લાગો છો!’ એ સાંભળી બિલ્લી ફુલાઈ. જેન્તી ફરી બોલ્યો, ‘પણ જો ફ્રોકની નીચે પગમાં સરસ મજાનાં સેન્ડલ પહેર્યાં હોય તો તમે ઓર શોભો! જુઓ, આ રહ્યાં તમારા ફ્રોકને મેચિંગનાં સેન્ડલ!’ એમ કહી જેન્તીએ સેન્ડલ બિલ્લી સામે મૂક્યાં. બિલ્લીને સેન્ડલ બહુ ગમ્યાં. એ સેન્ડલમાં પગ નાખવા જતી હતી ત્યાં જ જેન્તીએ એને અટકાવી અને હસતાં હસતાં કહ્યુંઃ ‘એમ નહિ! હું તમને સેન્ડલ આપું તો તમારે પણ બદલામાં મને કંઈ આપવું તો પડેને? તમે દામજીની દુકાનની જેમ મારી દુકાનની પણ ચોકી કરો અને મને પણ ઉંદરોના ત્રાસમાંથી બચાવો તો હું તમને આ સેન્ડલ આપું.’ બિલ્લી હોશિયાર હતી. એ બધું સમજી ગઈ. પહેલાં તો એને ના પાડવાનું મન થયું, પણ એ હતી શોખીન અને એને સેન્ડલ ગમતાં હતાં. એને થયું, મને શો ફરક પડે છે. એક દુકાનની ચોકી કરું કે આખી બજારની! એણે જેન્તીની વાત સ્વીકારી અને સેન્ડલ પહેરીને ચાલતી થઈ.
ઉંદરોની ચિંતા દૂર થતાં હવે જેન્તી પણ દામજીની જેમ શાંતિથી જીવવા લાગ્યો. ધીરે ધીરે આખી બજારમાં વાત ફેલાઈ ગઈ. બધા દુકાનદારો બીજાને ખબર પડે નહિ એમ બિલ્લીને બોલાવતા ગયા. છગન છત્રીવાળાએ બિલ્લીને છત્રી, ચંદુ ચશ્માંવાળાએ ગોગલ્સ, પેથાભાઈ પર્સવાળાએ પર્સ અને શિવાભાઈએ તો વળી બંગડી, ગળાનો હાર, કાનનાં એરિંગ-પાઉડર-કાજળ બધું જ આપ્યું. એ બધી ભેટની સામે બધા જ દુકાનદારોએ બિલ્લી આગળ પોતાની દુકાનમાં આવતા ઉંદરોને રોકવા માટે ચોકી કરવાની શરત મૂકી. બિલ્લીએ બધાની શરત મંજૂર રાખી. એ સોળે શણગાર સજી, આંખે ગોગલ્સ ચઢાવી, હાથમાં પર્સ લટકાવી, માથે છત્રી ઓઢી, સેન્ડલના ટપ ટપ અવાજ કરતી આખા ગામમાં ફરવા લાગી અને વટ પાડવા લાગી. બજારના બધા જ દુકાનદારો હવે ઉંદરોનો ત્રાસ રહ્યો નહિ તેથી ચિંતા વગર રહેવા લાગ્યા.
આ રીતે બિલ્લી એક પછી એક બજારની બધી જ દુકાનોની ચોકી કરવા લાગી તેથી ઉંદરો મૂંઝાયા. એમણે વિચાર્યું, જો આમ થશે તો આપણે ભૂખે મરી જઈશું, હવે શું કરવું? બધા ઉંદરો કપાળે આંગળી મૂકી ગંભીરતાથી વિચારવા લાગ્યા. ત્યાં એક જુવાન ઉંદરને યુક્તિ સૂઝી. એણે બધા ઉંદરોને નજીક બોલાવી, કોઈ સાંભળી ન જાય એમ ધીમેથી કહ્યુંઃ ‘એક સરસ રસ્તો છે. જુઓ, બિલ્લી જ્યારે પહેલી દુકાનની ચોકી કરે ત્યારે આપણે છેલ્લી દુકાનમાં ઘૂસી જઈ ઝડપથી આપણું કામ પતાવી લેવું. આ રીતે એ જે દુકાનની ચોકી કરતી હોય તેનાથી વધારેમાં વધારે દૂર આવેલી દુકાનમાં આપણે જવું. ફરક એટલો જ પડશે કે પહેલાં આપણે દુકાનોમાં નિરાંતે બેસીને કામ પતાવતા, પણ હવે બહુ ઝડપથી કામ પતાવવું પડશે.’ બધા ઉંદરોને પણ આ યોજના યોગ્ય લાગી. બીજા દિવસથી ઉંદરો તે પ્રમાણે કરવા લાગ્યા. પરિણામે બિલ્લી બધી દુકાનોની ચોકી કરતી હતી છતાં ફરીથી દુકાનોમાં નુકસાન થવા લાગ્યું. એથી દુકાનદારો ગુસ્સે થયા. એક દામજી દરજી સિવાય બધા બિલ્લીને દબડાવવા લાગ્યા. જેન્તી જૂતાવાળો ઉદ્ધતાઈથી બોલ્યોઃ ‘મેં તને આમ ટપ ટપ ચાલવા માટે સેન્ડલ નથી આપ્યાં, તું ઉંદરોની ચોકી કરે એ શરતે મેં તને સેન્ડલ આપ્યાં છે.’
પેથાભાઈ પર્સવાળા પગ પછાડતાં બોલ્યાઃ ‘આમ પર્સ લટકાવી ફરવાથી કંઈ ન વળે! તારે ઉંદરોની ચોકી તો કરવી જ પડે.’ છગન તો આગળ વધી બિલ્લીના હાથમાંથી છત્રી ઝૂંટવી લેતો ગુસ્સાભર્યા અવાજે બોલ્યોઃ ‘છત્રી હાથમાં લઈને ચાલે છે ત્યારે કેવી હરખાય છે! પણ શરત મુજબના કામમાં ઢીલ કરતાં શરમ નથી આવતી?’ છેલ્લે શિવાભાઈ જાણે રહી ગયા હતા. એ તો આંખો ફાડી બિલ્લીની સામે જોતાં બોલ્યાઃ ‘આ સોળે શણગાર મેં તને એમ ને એમ નથી આપ્યા. એનું વળતર વાળવાનું તું ભૂલી જાય તે કેમ ચાલે?’
બિલ્લી સ્વાભિમાની તો હતી જ, એ બધા દુકાનદારોને બરાબર ઓળખતી પણ હતી. વળી, એના બધા શોખ પણ પૂરા થઈ ગયા હતા. એથી પોતાના શરીર પરની એક પછી એક વસ્તુઓ ઉતારીને દુકાનદારો તરફ ફેંકતાં એ બોલીઃ ‘સ્વાર્થી, લુચ્ચાઓ! લો તમારી આ વસ્તુઓ. મને તમારી કોઈ વસ્તુ જોઈતી નથી. તમે બધા તો ઉંદરના ત્રાસથી દુઃખ ભોગવો એ જ લાગના છો. લો, ઉપાડો તમારી વસ્તુઓ અને જઈને ઉંદરોની પૂજા કરો.’ બિલ્લી ત્યાંથી નીકળી સીધી દામજી દરજીની દુકાને આવી. દામજીએ તો એને હંમેશ જેમ વહાલ અને પ્રેમથી બોલાવી. બિલ્લીએ વિચાર્યું, ક્યાં પેલા બદમાશો અને ક્યાં આ ભલો દરજી! કેટલો સરસ માણસ છે! બિલ્લીએ જે બન્યું હતું તે વિશે દામજીને વાત કરી. બિલ્લીની વાત સાંભળીને દામજીને એવું લાગ્યું કે બધી વસ્તુઓ ઊતરી જવાથી બિલ્લી દુઃખી છે. તેથી એણે કહ્યુંઃ ‘તું દુઃખી ન થા, જોઈતી હશે તો એ બધી જ વસ્તુઓ હું તને લાવી આપીશ.’
બિલ્લી તરત જ બોલીઃ ‘ના રે ના! મારા તો બધા જ શોખ પૂરા થઈ ગયા છે. મને હવે કશું જ જોઈતું નથી. અને સાચું કહું? મેં જ્યારે એ બધું પહેર્યું ત્યારે જ મને ખબર પડી કે બધું કેટલું બંધનવાળું હતું. આજે એ બધું ઉતારીને હું હળવીફૂલ થઈ ગઈ છું. હવે હું આ ફ્રોક પણ ઉતારી નાખીશ અને સાચી બિલ્લી બની જઈશ.’ બિલ્લીની વાત સાંભળીને દામજી ઉદાસ થઈ ગયો. એ બોલ્યોઃ ‘તો તું અમને છોડીને ચાલી જઈશ?’
બિલ્લી બોલીઃ ‘હા, હું બધાને છોડીને આવી છું, પણ તને છોડીને કેમ જાઉં? તેં તો મને કેટલા પ્રેમથી રાખી છે. હું અહીં તારી પાસે જ રહીશ. તારી દુકાનની ચોકી કરીશ અને ઉંદરોના ત્રાસથી તને બચાવીશ.’
બિલ્લીની વાત સાંભળી દામજી ગળગળો થઈ ગયો. એ ઊભો થઈ બિલ્લી પાસે ગયો અને એના શરીર પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. બિલ્લી આંખો બંધ કરી ઝીણું ઝીણું મ્યાઉં મ્યાઉં બોલતી એના ખોળામાં બેસી ગઈ.

લેખિકાને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા 2016ના વર્ષનો રાષ્ટ્રીય બાળસાહિત્યકાર પુરસ્કાર એનાયત થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here