શૈશવનાં સ્મરણો – અતળ મનનો અખૂટ ખજાનો

0
2486

માણસની જિંદગીનો શ્રેષ્ઠ સમય કયો? એવું કોઈ પૂછે તો નિશ્ચિતપણે કહી શકાય કે બચપણ એ માણસની જિંદગીનો ઉત્તમ તબક્કો હોય છે. આ સમયની મજા એ છે કે એ ક્યારે પસાર થઈ જાય છે એની ખબર પણ પડતી નથી. આમ છતાં બચપણની યાદો એટલી બધી હોય છે કે આખી જિંદગી તેનો અહેસાસ થયા કરે છે! કાકાસાહેબ કાલેલકર જેવા લેખક ‘સ્મરણયાત્રા’ના માધ્યમ થકી પોતાના શૈશવની પળોને જીવંત કરી શકે છે. ઉંમરલાયક વડીલો પોતાની વાતો થકી બાળકોને એમના બચપણનો વૈભવ વર્ણવે છે. પ્રત્યેક વ્યક્તિને શૈશવનો વૈભવ ગુમાવી દીધાનો રંજ રહ્યા કરે છે. એક હિન્દી ફિલ્મમાં કહેવાયું છે તેમ ‘કોઈ લૌટા દે મેરે બિતે હુએ દિન…’ તમામની વાત રજૂ કરે છે. ભગવાન રામચંદ્રના બાલ્યકાળનું વર્ણન રજૂ કરતું ગીત ‘ઠુમક ચલત રામચંદ્ર, બાજત પૈંજનિયા’ શબ્દમાધુર્યની સાથે બાળસહજ ચેષ્ટાઓનું અદ્ભુત આલેખન છે. બાળકૃષ્ણ અને તેમની લીલાઓ અપરંપાર છે. પોતાના નિર્દોષ સ્મિત અને અલ્લડપણા થકી એમણે શૈશવમાં ઘણાને મોહિત કર્યા હતા – શૈશવનો વૈભવ અખૂટ હોય છે, અખૂટ પણ.

અમાસના તારા લેખક કિશનસિંહ ચાવડા જિપ્સી ની કલમે લખાયેલો બચપણની યાદોનો અનોખો સંપુટ છે. ગાંધીવાદી લેખક તરીકેની ઇમેજ ધરાવનાર તેઓ કુતૂહલવશ શૈશવના પ્રસંગોમાં સરી પડ્યા છે. તેમના બચપણમાં બાળસહજ તોફાનમસ્તીની વાતો કે સુમધુર યાદો અચૂક છે, પરંતુ જેમ-જેમ આ પુસ્તકનાં પાનાં ફેરવતાં રહીએ છીએ ત્યારે તેમાંથી જે મુખ્ય રસ પ્રગટે છે એ છે કારુણ્ય અને દુઃખોમાંથી મળેલી જીવનસંપત્તિના વૈભવનો રસ.
‘અમૃતા’ લેખકની નાની બહેન હતી, જેને લાડથી સૌ કોઈ ‘અમુ’ કહેતા. અમુ જબરી તોફાની અને પોતે શાંત સ્વભાવના. અમુ સાથેના બાળપણના પ્રસંગો રસપ્રદ છે. તે સુંદર-તેજસ્વી આંખોવાળી છોકરી હતી. એને પાંચીકા રમવાનો ગાંડો શોખઃ એ કલાકોના કલાકો સુધી પાંચીકે રમ્યા કરતી. સતત રમીરમીને એણે પાંચીકાઓને સુંવાળા અને લીસા બનાવી દીધા હતા. એક સંબંધીએ જ્યારે એને આરસના પાંચીકા લાવી આપ્યા ત્યારે એનો આનંદ અવર્ણનીય હતો. આ કૂકા એની મોંઘેરી મૂડી સમાન હતા જે તેને દસ વર્ષ થતાં માએ સરસ મજાની મશરૂની કોથળીમાં સંભારણા માટે સાચવી રાખ્યા હતા. આટલે સુધી તો આ વાતો બાળપણનાં મધુર સ્મરણો જેવી લાગે, પરંતુ કારુણ્ય હવે ઘૂંટાય છે.

અમુનાં લગ્ન ધામધૂમથી થયાં. ઘર સૂમસામ થઈ ગયું. લેખક પાસે હવે પેલી કોથળી તેની યાદરૂપ સ્મૃતિ હતી. લગ્નના થોડાક જ દિવસોમાં અમુને ગંભીર બીમારી લાગુ પડી. મસ્તીખોર આંખોવાળી નાનકડી અમુ કુશકાય ગૃહિણી બની ગઈ હતી! અને એક દિવસ તે બિચારી મૃત્યુને ભેટી હતી. લેખક વિષાદની આ ક્ષણોને કઠોરતાપૂર્વક આલેખે છે. અમુનાં અસ્થિ સાથે તેના પાંચીકાની કોથળી પણ નદીના જલપ્રવાહમાં પધરાવતા લેખકનું ચિત્ર કારુણ્યસભર બની રહે છે.

બાળપણનાં સ્મરણોમાં સુખદ અનુભવો જ હોય એવું હોતું નથી, પરંતુ સુખદ અને દુઃખદ બન્ને પ્રસંગોની જે યાદ બાળમાનસ ઉપર અંકિત થાય છે એ હંમેશાં રહે છે. મંગળસૂત્ર વેચી પોતાના માટે સાઇકલ લાવી આપતી માતાના ઉદાત્ત ચરિત્રવાળો પ્રસંગ પણ લેખક મર્મવેધક રીતે આલેખે છે. જીવનમાં મોટા માણસ થઈ ગયેલા કિશનસિંહ ત્યાર પછી અનેક સાઇકલો ખરીદે છે, પરંતુ પોતાની બાએ મંગળસૂત્ર વેચીને અપાવેલી સાઇકલનું સ્મરણ હંમેશાં તેમની આંખો ભીની કરી જાય છે – સાથે જ આપણી પણ!

હમ ભી અગર બચ્ચે હોતે – નામ હમારા હોતા અબલુ-બબલુ – ખાને કો મિલતા લડ્ડુ’ બાળકોને પ્રતીક્ષા રહે છે અવનવી મીઠાઈઓની, ચોકલેટની કે મનગમતી વાનગીની. બાળપણમાં માણેલી આ ચીજવસ્તુઓનો સ્વાદ તેની જીભ ઉપરથી ક્યારેય જતો નથી. બચપણના મિત્રો – તોફાનો કે શાળાના વાતાવરણમાંથી છૂટવાના અખતરાઓ એ હંમેશાં યાદ કરે છે. શૈશવની મૂડી આગળ એ ગમે તેટલી સંપત્તિનો માલિક બન્યો હોય તો પણ બધું તુત્છ લાગે છે. કોઈક ઊંચા પદ ઉપર બિરાજમાન મહાનુભાવ કે પ્રતિષ્ઠિત વ્યક્તિને ‘તું’કારે બોલાવનારા બાળપણના મિત્રની તલાશ રહે છે – જ્યારે તમને તુંકારે બોલાવનારાઓની સંખ્યા ઘટતી જાય ત્યારે સમજવું કે તમે બહુ જ મોટી વ્યક્તિ બની ગયા છો અથવા તમારી બાળમંડળીનો કોઈ મિત્ર હવે બચ્યો નહિ હોય! શૈશવનાં સ્મરણોનો અખૂટ ખજાનો માણસના અતળ મનમાં અકબંધ સચવાયેલો પડ્યો રહે છે, જેના માટેનો વ્યક્તિનો અહોભાવ ક્યારેય ઓછો થતો નથી!

લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્યસર્જક છે.