શેલ્બી હોસ્પિટલ દ્વારા સેન્ટર ફોર લીવર ડિસીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનનો આરંભ

અમદાવાદઃ દેશભરમાં મલ્ટિસ્પેશિયલિટી હોસ્પિટલોનું સંચાલન કરતી શેલ્બી હોસ્પિટલે તેના એસ. જી. રોડ અમદાવાદના એકમમાં જરૂરિયાત ધરાવતા લોકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી જીવ બચાવી શકાય તે માટે સેન્ટર ફોર લીવર ડિસીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન સ્થાપ્યાની જાહેરાત કરી છે. હોસ્પિટલ હવે મૃત દાતા, જીવંત ડોનર તથા પુખ્ત તેમ જ બાળકોને તાકીદની સ્થિતિમાં તમામ પ્રકારનાં લીવર ટ્રાન્સપ્લાન્ટની નિપુણતા ધરાવે છે. શેલ્બીની ટીમે તાજેતરમાં સુરતની 80 વર્ષની ઉંમરની સૌથી વૃદ્ધ બ્રેઇન ડેડ વ્યક્તિના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. આ લીવર ગ્રીન કોરિડોર મારફતે સુરતથી અમદાવાદ લાવવામાં આવ્યું હતુ, જેના કારણે અમદાવાદમાં વસતા લીવરની ગંભીર હાલત ધરાવતા દરદીને જીવનદાન મળ્યું છે. બીજી તરફ ઉદેપુરના કલ્યાણસિંહને આ સેન્ટરમાં લીવરદાતાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
આ સર્જરીની આગેવાની ડો. આનંદ કે. ખખ્ખર અને ડો. વિનય કુમારન તથા ડો. ભાવિન વસાવડા તથા ડો. હાર્દિક પટેલ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે 2,00,000 લોકો લીવરના રોગને કારણે મોતને ભેટે છે. તેમાંથી 25 હજારથી 30 હજાર લોકોના જીવ લીવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બચાવી શકાયા હોત. આમ છતાં ભારતમાં દર વર્ષે થતાં લીવર ટ્રાન્સપ્લાન્ટ્સની સંખ્યા તેના 10મા ભાગ જેટલી જ છે.
લીવર ટ્રાન્સપ્લાન્ટેશન એ ભારતમાં પ્રમાણમાં નવી ગતિવિધિ છે અને છેલ્લાં 10 વર્ષમાં ભરોસાપાત્ર પરિણામોને કારણે હવે તે નિયમિત પ્રક્રિયા બની રહી છે. દાતાઓની અછતને કારણે મોટા ભાગના લીવર ટ્રાન્સપ્લાન્ટ જીવંત દાતાઓ પાસેથી લીવરનો હિસ્સો લઈને કરવામાં આવે છે. તેમાંના મોટા ભાગના દરદીના પરિવારના સભ્ય હોય છે.
ડો. આનંદ કે. ખખ્ખરે જણાવ્યું હતું કે તાલીમ પામેલા ટ્રાન્સપ્લાન્ટ સર્જન્સના અભાવને કારણે ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયા ધીમી છે. અમદાવાદનાં જૂજ કેન્દ્રોમાં પ્રસંગોપાત્ત લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, જેમાં મૃત્યુ પામેલા ડોનરના લીવરનો સમાવેશ થતો હોય છે (આ સરળ ઓપરેશન છે) અથવા તો દિલ્હી અને ચેન્નાઈ જેવાં કેન્દ્રોમાંથી સર્જન્સ આવીને ઓપરેશન કરી જાય છે. આવી પરિસ્થિતિમાં શેલ્બીની આ પહેલ ગુજરાતના લીવરના દરદીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.
અગાઉ જે દરદીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેમણે મુંબઈ, દિલ્હી અથવા ચેન્નઈ જવું પડતું હતું. રાજ્યમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની અપૂરતી સર્વિસીસને કારણે ઘણા ઓછા સાહસિક દરદીએ મૃત્યુનો ભોગ બનવું પડતું હતું. આરોગ્ય ક્ષેત્રે આ અભાવનો અંત લાવવા માટે શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા અમદાવાદના એસ. જી. રોડ પરના એકમમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ વિકસાવવાનો નિર્ણય કરાયો છે.
સમય જતાં આ પ્રોગ્રામને શેલ્બી હોસ્પિટલ્સની અન્ય શાખાઓમાં પણ વિકસાવવાનું તેમનું આયોજન છે. તેમાંથી એક શાખા નજીકના ભવિષ્યમાં જયપુર, રાજસ્થાનમાં શરૂ કરાશે.