શું નેહરુ પોતાના મંત્રીમંડળમાં સરદાર પટેલને સામેલ નહોતા કરવા માગતા?

 

નવી દિલ્હીઃ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પોતાના મંત્રીમંડળમાં સરદાર પટેલને સામેલ કરવા નહોતા માગતા, એવા વિદેશમંત્રી એસ. જયશંકરના નિવેદનને કારણે રાજકીય મોરચે નવો જ વિવાદ છેડાયો છે.

વિદેશમંત્રી એસ. જયશંકરે આઝાદી બાદ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ એમ બંને નેતાઓ સાથે કામ કરી ચૂકેલા અધિકારી વી.પી. મેનનના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું હતું અને પુસ્તકનો હવાલો આપીને ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. તેમણે ટ્વીટ કરીને ‘વી.પી. મેનન’ પુસ્તકના હવાલાથી લખ્યું હતું કે રાજનીતિનો ઇતિહાસ લખવા માટે ઇમાનદાર બનવું પડે છે. જ્યારે સરદારનું નિધન થયું ત્યારે તેમની સાથે જોડાયેલી યાદોને ભૂંસી નાખવા માટે એક મોટું અભિયાન શરૂ કરાયું હતું. મેં (વી.પી. મેનન) આ જોયું હતું અને હું આ જોઈને બહુ દુઃખી થયો હતો.

દરમિયાન તેમના ટ્વીટ પર ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ સવાલ ઉઠાવીને કહ્યું હતું કે આ એક ખોટી વાત છે. આ પ્રકારના જુઠ્ઠાણાનો પ્રચાર કરવાનું કામ વિદેશમંત્રીનું નથી. આ કામ તેમણે ભાજપના આઇટી સેલ પર છોડી દેવું જોઈએ. પ્રોફેસર શ્રીનાથ રાઘવન પોતાના લેખમાં આ દાવાને ખોટો સાબિત કરી ચૂક્યા છે.

દરમિયાન નેહરુ પર પુસ્તક લખનાર વરિષ્ઠ પત્રકાર પીયૂષ બેબેલેએ વી.પી. મેનન પુસ્તકના દાવા પર સવાલ ઉઠાવીને ૧ ઓગષ્ટ, ૧૯૪૭માં લખાયેલો એક પત્ર બહાર પાડ્યો છે, જેમાં નેહરુએ સરદાર પટેલને કેબિનિટમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું હતું.