શીખ એટર્ની જનરલની ટીકા બદલ ન્યુ જર્સી રેડિયો શોના હોસ્ટ સસ્પેન્ડ


તત્કાલીન ગવર્નર ફીલ મરફી દ્વારા ન્યુ જર્સીના એટર્ની જનરલ
તરીકે પસંદગી પામેલા ગુરબીર ગ્રેવાલ

ન્યુ યોર્કઃ શીખ એટર્ની જનરલ ગુરબીર ગ્રેવાલની ટીકા કરવા બદલ ન્યુ જર્સી રેડિયો શોના બે હોસ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સ્ટેટ એટર્ની જનરલ ગુરબીર ગ્રેવાલને ટર્બન મેન તરીકે ગણાવનારા બે ટોક-શોના હોસ્ટને ન્યુ જર્સી રેડિયો સ્ટેશન દ્વારા સસ્પેન્ડ કરાયા છે.
ઇવિંગમાં ડબ્લ્યુકેએક્સડબ્લ્યુ-એફએમ પર આવેલા કાર્યક્રમના હોસ્ટ ડેનિસ મેલોયે કહ્યું હતું કે ‘તેઓ ક્યારેય તેમનું પોતાનું નામ જાણવા માગતા નહોતા અને ગ્રેવાલને ટર્બન ધારણ કરનાર વ્યક્તિ તરીકે ગણાવ્યા હતા, જ્યારે કો-હોસ્ટ જુડી ફ્રાન્કોએ પણ ટર્બન મેન ગણાવ્યા હતા.
ન્યુ જર્સી 101.5 તરીકે જાણીતા સ્ટેશને પોતાની વેબસાઇટ પર જણાવ્યું હતું કે આ બન્ને હોસ્ટની ટિપ્પણી અયોગ્ય હતી અને તે બાબતની નોંધ લેવી જોઇએ. સ્ટેશને જણાવ્યું હતું કે અમે આ અંગે તાત્કાલિક પગલાં લીધાં અને બીજી નોટિસ ન મળે ત્યાં સુધી તેમને કોઈ પણ શોનું સંચાલન સોંપવામાં આવશે નહિ.