શિવ એટલે શું? પરમાત્માનું ધ્યાન કરતાં પ્રાર્થના કરીએ

વન્દે દેવઉમાપતિ સુરગુરં વન્દે જગત્કારણં
વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશુનાં પતિમ્
વન્દે સૂર્ય-શશાંક-વહ્રિ નયનં વન્દે મુકુન્દપ્રિયમ્
વન્દે ભક્તજનાશ્રયં ચ વરંદ વન્દે શિવં શંકરમ્
દેવી ઉમાના – બ્રહ્મવિદ્યાના સ્વામી, દેવોના પણ ગુરુ, જગતના અધિષ્ઠાનરૂપી, કારણરૂપ, સર્પરૂપી અલંકારોથી વિભૂષિત, યજ્ઞસ્વરૂપ, મૃગને ધારણ કરનાર, જીવોને પાશથી છોડાવી તેમનું પાલન કરનાર પશુપતિ, સૂર્ય, ચંદ્ર, અગ્નિરૂપી ત્રણ નેત્ર ધારણ કરનાર, ત્ર્યબંક, વિષ્ણુના પ્રિય, ભક્તજનોના આશ્રય, સ્વયં કલ્યાણરૂપ, ભક્તોને કલ્યાણકારી એવા ભગવાન શંકરને હું વંદન કરું છું.
આવી પૂજા કરતાં, આરાધના કરતાં લલકારવું જોઈએઃ
આરાધયામિ મણિસન્નિભમાત્મભિષ્ઠા
માયાપુરીમ્ હૃદયપકજંસન્નિવિષ્ટમ
શ્રદ્ધાનદીવિમલચિત્તજલાભિષેક
નિત્ય સમાધિકુસુમૈરપુનર્ભવાય
મણિતુલ્ય આત્મારૂપ (શિવલિંગ દેહરૂપ), માયાની નગરીમાં હૃદયરૂપ કમળ વિશે સ્થપાયેલા છે. તેનું હું ફરી જન્મ ન થાય તે માટે, મોક્ષ માટે, શ્રદ્ધારૂપ નદીના ચિત્તરૂપી જળ વડે અભિષેક કરી સમાધિરૂપી પુષ્પો વડે નિત્ય પૂજન કરું છું.
શિવલિંગની પૂજા કરતાં વિચારવુંઃ
બ્રહ્મામુરારિસુરાર્ચિતલિંગમ્ નિર્મલભાસિત શોભિત લિંગમ્
જન્મજદુઃખવિના શકલિંગમ્ તત પ્રણમામિ સદા શિવલિંગમ્
જે નિર્મળ, પ્રકાશમય અને સુશોભિત છે, જે જન્મ – જરા આદિ દુઃખોનો વિનાશ કરનાર છે, જેની બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવો અર્ચના કરે છે તે સદાશિવમય – કલ્યાણ સ્વરૂપ શિવલિંગને હું નમન કરું છું.
ભગવાન શંકરની પૂજા મનુષ્યોએ, માનવોએ નથી કરી એટલી રાવણ, પુષ્પદંત, ભસ્માસુર, હિરણ્યકશ્યપ દાનવોએ કરી છે.
જટાટવીગલજ્જલ પ્રવાહપાવિત સ્થભે
ગલેઽવલમ્ષ્ય લમ્બિતાં ભૂજઙ્ગતુઙ્ગમલિકલ્
ડમડ્મડ્મડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
ચકાર ચણ્ડતાડવં તનોતું ન શિવઃ શિવમ્
શિવજીની જટા જેવા વનપ્રદેશથી નીકળેલા જળપ્રવાહથી પાવન થયેલા, ગળામાં ભુજંગ માળાને ધારણ કરનારા તથા ડમરુના ડમ ડમ ડમ ડમ જેવા નિનાદ સાથે તાંડવ નૃત્ય કરનારા મંગળકારી શિવ અમારા કલ્યાણમાં વૃદ્ધિ કરો.
નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે
નમસ્તે નમસ્તે ચિદાનન્દમૂર્તે
નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય
નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય
હે વિશ્વમૂર્તિવ્યાપક, તમને નમસ્કાર હો, નમસ્કાર હો. હે ચિદાનંદમૂર્તિ! તમને નમસ્કાર હો, નમસ્કાર હો. હે તપ તથા યોગ વડે પ્રાપ્ત થનારા, તમને નમસ્કાર હો, નમસ્કાર હો. હે વેદના જ્ઞાન વડે પ્રાપ્ત થનારા, તમને નમસ્કાર હો, તમને નમસ્કાર હો.
ભગવાન અભય વચન આપે છે.
અપિ ચેદસિ પાપભ્યઃ પાપેભ્ય સર્વેભ્યઃ પાપકૃતમ્
સર્વમ્ જ્ઞાન-પ્લવેનૈય વૃજિનં સંતરિષ્યતિ
જો તું સઘળા પાપીઓ કરતાં પણ વધારે પાપી હોય, તો પણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા બધાં જ પાપોને સારી રીતે તરી જઈશ. આમ ગોળાકાર શિવલિંગ પૂર્ણતાનું, પવિત્રતાનું જ્ઞાનનું, નિરાકારતાનું, અપરિછિન્નતાનું, પ્રકાશસ્વરૂપનું સૂચક છે, પ્રતીક છે.
શિવલિંગને નિરાકાર, પરમાત્માનું પ્રતીક માનીને પૂજા, આરાધના, અર્ચના કરવી જોઈએ.
શિવલિંગ ઉપર ઘી, દૂધ, દહીં, મધ, સાકર એમ પંચામૃત ચઢાવી સ્નાન કરાવીએ છીએ. પંચામૃત અર્પણ કરતાં વિચારવુંઃ દૂધ, દહીં, ઘી દેખાય છે ત્રણ અર્થાત્ ત્રિપુટી છે. વાસ્તવમાં તો દૂધ છે. એક જ છે. એમ પ્રાર્થના કરવાની, પરમાત્મા તમામ ત્રિપુટીનો બાધ કરો.
જ્ઞાન જ્ઞાતા જ્ઞેય, બ્રહ્મા વિષ્ણુ મહેશ, સ્થૂળ સૂક્ષ્મ કારણ, ઉપાસના ઉપાસક ઉપાસ્યદેવ, ધ્યાન ધ્યાતા, ધ્યેય, પૂજારી, પૂજા, પૂજ્ય, જીવ, જગત, ઈશ્વર, સત્ય, રજસ્, તમસ્, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, દષ્ટા, દશ્ય, દષ્ટિ, આધિ, વ્યાધિ, ઉપાધિ, અવિદ્યા, કામ, કર્મ, સચિંત આગામી પ્રારબ્ધકર્મમાં મળ વિક્ષેપ આવરણ, આધ્યાત્મિક દુઃખ, આધિભૌતિક દુઃખ, આધિદૈવિક દુઃખ આવી તમામ ત્રિપુટીનો બાધ કરો.
ખાંડ-મધઃ દ્વૈતનો બાધ, દ્વંદ્વનો બાધ, ઠંડી-ગરમી, જન્મ-મરણ, રાગ-દ્વેષ, સુખ-દુઃખ, સદ્ગતિ-અવગતિ, લોભ-મોહ, કામ-ક્રોધ, વેર-ઝેર.
પંચામૃત પંચમહાભૂતઃ હે પરમાત્મા, તમામ પ્રપંચનો બાધ કરો. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ વિષયો – શબ્દાદિ પાંચ પ્રાણ, આવા વિચાર કે ચિંતન કરતાં કરતાં પૂજા કરવાથી પૂજા સાર્થક થાય. તમામ અમંગળને ધારણ કરે છે છતાં મંગળ છે. ડમરુ ત્રિશૂલ ધારણ કર્યાં છે. સ્મશાનમાં – નિવાસસ્થાન. દિશાઓ – વસ્ત્ર છે. ચિતાની ભસ્મ – અંગરાગ છે. સર્પ આભૂષણ છે. મનુષ્યની ખોપરી ગળામાં છે. કંઠમાં વિષ ધારણ કર્યું છે. મોટી મોટી જટાઓ છે. વાઘનું ચામડું પહેરલા છે. ચંદ્ર જે કલંકિત છે છતાં મસ્તકની કલગી છે. આવું સર્વ અમંગળનો આશ્રય છતાં પવિત્ર છે – સદા-સર્વદા પોતાનામાં જ સ્થિત છે, સ્વત્માનંદમાં મગ્ન છે.
સર્પ અહીં ચાર પ્રકારના લોકોના પ્રતીકરૂપે છે.
(1) વધુમાં વધુ પાપ કર્યાં હોય. સર્પ થાય. જોઈને મારવાનું મન થાય. (2) જીભ હંમેશાં વાંકી જ ચાલે, જેની વાણીમાં સાતત્ય ન હોય, સીધું બોલી જ ન શકે. (3) વેદોએ બતાવેલા માર્ગે ચાલે જ નહિ. (4) સાપ એક છે, જેને બે જીભ છે. કહે કંઈ અને કરે કંઈ.
ભૂજઙ્ગ સન ગચ્છતિ તત ભૂજઙ્ગ
હંમેશાં વાંકો ચાલે તે ભુજંગ કહેવાય. સાપ સીધો ન ચાલે. જીભ – વિષયોનું પ્રતીક છે. ભુજંગ સ્તોત્રમાં શંકરાચાર્યજી કહે છે
પશુ વેત્સિ ચન્મા ત્વમેવાધિરઢ
કલંકીર્તિવા મૃધ્તી ધત્સે ત્વમેવ
દ્વિજિહ પુનઃ સોઽપિ તે કણ્ઠભૂષા
ત્વદ્અંગી કૃતાઃ સર્વ અપિ ધન્યાઃ
હે સર્વસ્વરૂપ પરમાત્મા, હે શિવજી, આપ મને જો પશુ માનતા હો તો આપ જ પશુ (પોઠિયા) પર બેઠેલા છો. અને મને જો કલંકવાળો પાપી માનતા હો તો આપે જ માથે કલંકવાળો ચંદ્ર ધારણ કર્યો છે. અથવા મને બે જીભવાળો સાપ માનો તો તે બે જીભવાળા સર્પને પણ આપે જ આપના કંઠનું આભૂષણ બનાવ્યું છે. એટલે આપે સ્વીકારેલા ગમે તે હોય, પણ તે ધન્ય છે.
પરંતુ સંસારસાગરથી છૂટવા માટે જન્મ-મરણથી મુક્તિ માટે ભવાટવીના ભ્રમણમાંથી ભમવાથી, મુક્તિ માટે, આવાગમનના ફેરાથી છૂટવા સદ્ગતિ-અવગતિથી છૂટવા માટે, અનેક યોનિભ્રમણથી મુક્તિ માટે શંકરની ભક્તિ, પૂજા, આરાધના, પ્રાર્થના કરવી જોઈએ. માટે ગાઈએ છીએઃ
અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે
જ્ઞાન-વૈરાગ્ય સિદ્ધર્યર્થ ભિક્ષાં દેહીચ પાર્વતિ
હે માતા પાર્વતી, હિમાલયની પુત્રી (ગિરિજા) સદા પૂર્ણ છે. સાક્ષાત્ અન્નપૂર્ણા છે. તારા પતિ શંકર છે. અમને એવી ભિક્ષા આપો, જેના વડે અમે જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરી શકીએ. હે માતા પાર્વતી, અમને એવી બુદ્ધિ પ્રદાન કરો, અમે અમારી મતિ સુધારી શકીએ, સૂક્ષ્મ કરી શકીએ. ક્યાં જઈને?
કુમતિ નિવાર સુમતિ કે સંગી
સદ્ગુરુ, સૂક્ષ્મ બુદ્ધિ, તત્ત્વની બુદ્ધિ, શાંત બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ, અભેદ બુદ્ધિ, અદ્વૈત બુદ્ધિ, વિવેકી બુદ્ધિ, નામ-આકાર છોડી જનારી બુદ્ધિ, ઐક્યની બુદ્ધિ, સમત્વ બુદ્ધિ, સમ્યક્ બુદ્ધિ. હે સદ્ગુરુ, સૂક્ષ્મ બુદ્ધિ અમને પ્રદાન કરો. આપના સંગમાં, સાંનિધ્યમાં, સન્નિધિમાં, હાથમાં રહીએ તો બુદ્ધિ આવી થાય. આવી બુદ્ધિથી જ પરમાત્મા જણાય છે.
એષ સર્વેષુ ભૂતેનુ ગૂઢોઽઽત્મા ન પ્રકાશતે
દશ્યતે ત્યગ્રયથા બુદ્ધયા સૂક્ષ્મયા સૂ્ક્ષ્મદર્શિભ કઠશ્રૃતિ
સર્વ ભૂતોમાં રહેતો હોવા છતાંય છુપાયેલો આ આત્મા પ્રત્યક્ષ થતો નથી. આ તો કેવળ સૂક્ષ્મ તત્ત્વોને જોનારા પુરુષોથી જ પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ જોઈ શકાય છે. આવી સૂક્ષ્મબુદ્ધિ માટે જ શંકરની આરાધના, ઉપાસના જરૂરી છે. એ જ જ્ઞાન – વૈરાગ્યના દેવ છે.
ૐકાર બિન્દુ સંયુક્તં નિત્યધ્યાયન્તિ યોગિન્
કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમો નમઃ
યોગીઓ બિંદુથી સંયુક્ત ૐકારનું સર્વદા ધ્યાન કરે છે તે ૐકારરૂપ શિવજી જે સર્વ કામના પ્રદાન કરનારા છે તેમને કોટિ કોટિ વંદન છે.
ૐ (1) પરમાત્માનું પ્રતીક છે, (2) સ્વીકૃતિ વાચક છે. (3) યજ્ઞમાં મંત્રના ઉચ્ચારણ દરમિયાન થતા દોષના નિવારણ અર્થે છે. (4) સંમતિવાચક છે. માડ્ક્ય ઉપનિષદમાં છે. ૐ – અકાર – જાગૃત, ઉકાર – સ્વપ્ન, મકાર – સ્વપ્ન બિંદી છે – તુરીય. બ્રહ્માજીએ સર્જનની શરૂઆત ૐ તત્ સત્ ઇતિ.
શિવ એટલેઃ મંગળકારી, કલ્યાણકારી, જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, પવિત્રતા, અસંગતા, વૈરાગ્યનું, આત્મસંયમનું મૂર્તિમંત સ્વરૂપ એટલે જ શિવ.
સદાશિવઃ પરમાત્માનાં સગુણ અને નિર્ગુણ બન્ને સ્વરૂપનું બોધક છે.
શિવલિંગઃ એ સાકાર, નામ આકાર, સગુણનું પ્રતીક છે. આ સમગ્ર બ્રહ્માંડ, જેનો આકાર અંડ જેવો છે, નિર્ગુણ સ્વરૂપ. શિવલિંગ બ્રહ્માંડનું પ્રતીક છ, જેમાં સર્વ નામ – રૂપ આકાર સમાયેલા છે.
પરમાત્મા એક જ છે, પરંતુ જ્યારે
હરઃ સંસારના જીવોને, ભ્રમણ કરી થાકેલા જીવને વિરામ આપવા જગતને પોતાનામાં સમાવી લે છે ત્યારે હર કહેવાય. જગતનો પ્રલય કરે, સંહાર કરે ત્યારે હર કહેવાય.
ભવઃ જીવોને ભોગ ભોગવવાની ઇચ્છા થાય ત્યારે જગતનું સર્જન કરે ત્યારે ‘ભવ’ કહેવાય છે.
મૃડઃ જીવોનું સૃષ્ટિકાળ દરમિયાન પાલનપોષણ કરે ત્યારે ‘મૃડ’ કહેવાય છે.
શિવજી સગુણસ્વરૂપે ભિન્ન ભિન્ન છે. સર્વ ઉપાધિથી, વેશભૂષાથી, સગુણ રૂપોથી, નામ-આકારથી, સાકારથી પર છે. અસંગ છે. અધિષ્ઠાન છે. સર્વનું નિર્દોષ નિર્લેપ, નિઃસંગ છે. અસ્પૃશ્ય છે ત્યારે તે શિવ છે, જેને શાસ્ત્રમાં તુરીય કહે છે.
શંકર અર્થાત્ કોણ
વાસનાનું શમન કરે તે શંકર, સાક્ષાત્કાર કરાવે તે શંકર, કામનાનું કબ્રસ્તાન બનાવે શંકર, સ્વરૂપનું સ્મરણ કરાવે શંકર, સત્યનો સંગાથ કરાવે શંકર, પરમ તત્ત્વમાં પ્રસ્થાપિત કરે શંકર, જ્ઞાન-વૈરાગ્ય પ્રદાન કરે તે શંકર, સૂક્ષ્મ શરીરનો સંહાર કરે તે શંકર, સ્વરૂપમાં સ્થિતિ કરાવે તે શંકર, વ્યક્તિત્વ મિટાવી અસ્તિત્વમય કરે તે શંકર, સંસારનો જ્ઞાનરૂપી નેત્ર દ્વારા સંહાર કરે તે શંકર, શંકા-કુશંકા-સંદેહોનું શમન કરે શંકર, પદાર્થોમાં પરિભ્રમણ બંધ કરાવે શંકર, ભોગોમાં ભ્રમણ અટકાવે શંકર, અહંકાર ઓગાળે તે શંકર, શબમય જીવનથી શિવમય બનાવે શંકર.
શમ કરોતિ શંકરઃ
ભીતરની ઇચ્છા, મહેચ્છા, અપેક્ષા, તૃષ્ણા, એષ્ણા, આકાંક્ષા, મહત્ત્વાકાંક્ષાઓને ભસ્મીભૂત કરે, તેનું શમન કરે તે શંકર. ઝડપથી, જલદીથી, ત્વરાથી પ્રસન્ન થાય તે શંકર. માટે તેમને આશુતોષ કહેવાય છે.
આશુ = ઝડપથી ત્વરાથી, જલદીથી ખુશ થઈ જાય.
તોષ= આડંબરથી મુક્ત છે. તમામ અમંગળને ધારણ કરે છે છતાં મંગળકારી, કલ્યાણકારી, આનંદ સ્વરૂપ છે તે શંકર.
વેશભૂષામાં શિવ, દરિદ્ર, કંગાળ, દીન, ગરીબ, સામાન્ય, સાદાઈયુક્ત છે છતાં સર્વેશ્વર ગંગાધર, ઉત્કૃષ્ટ મહાદેવ કહેવાય છે. એમનું સ્થાપન દરવાજાથી ગર્ભદ્વારથી ન થાય. આકાશથી ઉતરાણ થાય.
આવા શંકરને પ્રાર્થના કરવાની.
એક જ દે ચિનગારી મહાનલ
એક જ દે ચિનગારી
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો
સળગી આભ અટારી
ના સળગી એક સગડી મારી
વાત વિપતની ટાળી.
માટે જ શંકરની આરાધના, પૂજા, અર્ચન, ઉપાસના, ભક્તિ, પ્રાર્થના માટે આખો શ્રાવણ મહિનો છે. બાકીના અગિયાર મહિના અન્યની ઉપાસના માટે છે.
શ્રાવણ અર્થાત્ શ્રવણ કરવાનો, સત્સંગનો મહિનો, મોક્ષ-મુક્તિ માટેનો મહિનો. અવિદ્યાના નાશનો મહિનો, જ્ઞાનના અર્ચન માટેનો, અજ્ઞાનના છેદનનો મહિનો, સાધના ચતુર્માસ મેળવવાનો મહિનો. અવિદ્યા, કામ, કર્મની ગ્રંથિના ભેદનનો છેદનનો મહિનો. વાસના, કામના દહનનો મહિનો. દાન-ધર્મનો મહિનો, સંદેહ, શંકાના શમનનો મહિનો, તીર્થયાત્રાનો મહિનો. ત્રિપુટીના ભંગનો મહિનો, ત્રિપુટીનો ભંગ થાય તો જ ભસ્માકિત કરી ત્રિપુંડ થાય. અંતઃકરણની શુદ્ધિનો મહિનો.
શંકરને પ્રિય શ્રાવણ કેમ? લોકો શ્રવણ કરતા થાય, સૂક્ષ્મ શરીર, લિંગ શરીરનું દહન કરવા પ્રયત્ન કરે. પૂજા-પાઠ, દાન-ધરમ કરતા અધિકાર પ્રમાણે ફળ મળે. ભક્તિનો માહોલ, ભક્તિસભર લોકો, દાન-દક્ષિણા આપી પુણ્ય કર્મો અચંત કરવા, અતઃકરણ શુદ્ધિ કરવા પ્રયત્ન કરે માટે શંકરની જેમ વિષ્ણુને પણ શ્રાવણ પસંદ છે. શ્રાવણમાં શ્રવણ, સત્સંગ કરવાનું. ભાદરવામાં ભજન, કીર્તન, મનન કરવાનું. આસો નવરાત્રિમાં શક્તિની ઉપાસના, ચંચળતા, વિક્ષેપોનું શમન કરવાનું, શક્તિ અર્ચન કરવાનું. ફાફડા-જલેબી ખાવાથી કલ્યાણ ન થાય, શક્તિ અર્ચન થાય. જ્ઞાન-વૈરાગ્ય દઢ થાય. જીવનમાં એક નિર્ણય થાય, દુવિધાઓનું શમન થાય, તો જ દશેરા મનાવી શકાય. તો અહંકાર અજ્ઞાનરૂપી રાવણનું દહન કરી સાચી દિવાળી મનાવી શકાય.

લેખક મહેમદાવાદસ્થિત પ્રણવ આશ્રમના સ્થાપક અને આધ્યાત્મિક બાબતોના વિશેષજ્ઞ છે.