શિવાજી અને સરદાર વલ્લભભાઈ પટેલ યુવાઓના આદર્શ

 

ભુજઃ અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયેલા વિભાજીત દેશ ભારતના રજવાડાંને એક કરનાર સરદાર વલ્લભાઇ પટેલ એકતા અને અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ યુવાઓના આદર્શ છે જ્યારે ૭૦૦ વર્ષની મુઘલાઇને નેસ્તનાબૂદ કરી ‘અખંડ હિન્દુસ્તાનના નિર્માણ માટે શિવાજી મહારાજ અમારા આદર્શ છે તેવા’ હુંકાર સાથે રવિવારે એકતા પદ-સાઇકલ યાત્રાએ ભુજ શહેરમાં આકર્ષણ જગાવ્યું હતું. 

‘રાષ્ટ્રના સરદાર’ની કચ્છ મુલાકાત વિશે બોદ્ધિક વકતવ્ય યોજાયું હતું. કચ્છી લેવા પટેલ યુવક સંઘ દ્વારા કણબી ચોવીસીના યુવક-યુવતીઓને સરદાર પટેલ જયંતીના એકતાયાત્રા માટે અપીલ કરાઇ હતી. જેમાં મિરઝાપર-માધાપર ખાતેથી પદયાત્રા જ્યારે સરદાર પટેલ સંકુલ ખાતેથી ભુજ રીંગરોડ વાયા એરપોર્ટ રોડ, નળ સર્કલ માધાપર ભુજીયાને આંટો મારી જ્યુબીલી સર્કલ થઇ લેવા પટેલ સમાજમાં ત્રિવેણી સંગમ રચાયો ત્યારે સરદાર પટેલ સાથે શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઇ, શહીદ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદનો જયઘોષ ગાજ્યો હતો. સફેદ ટી-શર્ટમાં સજ્જ યુવક-યુવતીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વહેલી સવારે ૭ વાગ્યે આરંભાયેલ યાત્રા ધનબાઇ ગાંગજી કોમ્યુનિટી હોલમાં સભારૂપે ફેરવાઇ હતી. જ્યાં જાણીતા સંશોધક નરેશ અંતાણી દ્વારા સરદાર પટેલની કચ્છયાત્રાનાં વણલખાયેલાં પૃષ્ઠને જીવંત કરાયા હતા અને એક નવો વિષય યુવાશ્રોતા સમક્ષ મુકયો હતો. 

જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન રમેશભાઇ કારા અને છાત્ર ધ્રુવ પટેલે વલ્લભભાઇ પટેલના જીવન પ્રસંગ વર્ણવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન હરીશ ભંડેરી, ભીમજી જોધાણી, જીતુભાઇ માધાપરીયા, અરજણભાઇ ભુડિયા, કૌશલ્યાબેન માધાપરીયા, જાદુભાઇ પાધરા સહિતના અગ્રણીઓ, દાતાઓ રવજીભાઇ ગોરસીયા તથા અન્યો જોડાયા હતા. એકતા યાત્રામાં ૭ વર્ષથી ૭૦ વર્ષના વયજૂથના સભ્યો જોડાયા હતા, જેમાં ચોવીસીની લેવા પટેલ સમાજની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી. 

એકતા રથના શણગાર, સરદાર સાહેબના ગીતે માહોલ જમાવ્યો હતો. સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈની પ્રતિમાને હારારોપણ કરાયા હતા. કચ્છી લેવા પટેલ સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરીયાની આગેવાનીમાં એજ્યુ. મેડિ. ટ્રસ્ટ પ્રમુખ ગોપાલભાઇ ગોરસીયા, યુવક સંઘ પ્રમુખ મનજીભાઇ પિંડોરીયા તથા ત્રણેય પાંખોના સભ્યોએ આયોજન-વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટી કાંતાબેન વેકરીયાએ આર્ટ ગેલેરી, યુવક સંઘે દિપાવલી સ્નેહમિલન તા. ૭-૧૧ના કન્યા રતનધામ સૂરજ શિક્ષણધામ ખાતે યોજવાની વાત મુકી હતી. 

૧૯૭૧, ભુજનો રન-વે રિપેર કરનાર પૈકી સુખપરના રામજીભાઇ વાઘાણી અને રાષ્ટ્રીય હેન્ડ બોલ સ્પર્ધા ખેલાડી જિનલ ખેતાણીના હસ્તે યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. માનકુવા, મિરઝાપર અને સુખપરના બહેનોએ પણ માધાપરના વિરાંગના બહેનો સાથે અદમ્ય પુરુષાર્થ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો. તેને ઉજાગર કરવામાં પ્રેરક સુખપરના રામજીભાઇ વેલાણી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોની મહેનત રંગ લાવી હતી. અને વાત સામાજીક મંચ પરથી ઉલ્લેખાઇ હતી. સમાજ મંત્રી ગોપાલભાઇ વેકરીયા, ટ્રસ્ટ મંત્રી કેશરાભાઇ પિંડોરીયા, રામજીભાઇ સેંઘાણી સહિતનાએ કુમાર-કન્યા છાત્રોની મદદથી સંકલન કર્યું હતું.