શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરેએ રામ- મંદિરના મુદા્ પરત્વે  આક્રમક વલણ અપનાવ્યું છે..

0
839

 

(Photo: IANS)

અયોધ્યામાં રામ- મંદિરના નિર્માણ બાબત શરૂઆતથી જ શિવસેના ભાજપ અને મોદી સરકાર પર દોષારોપણ કરતી રહી છે. હવે પુનઃ શિવસેનાએ સ્પષ્ટ ઘોષણા કરી છે કે, રામ- મંદિરના નિર્માણથી ઓછું  કશુંજ એમને સ્વીકાર્ય નથી. આગામી 24 અને 25મી નવેમ્બરે ઉધ્ધવ ઠાકરે ખુદ અયોધ્યાની મુલાકાતે જઈ રહયા છે. તેઓ ત્યાં ભગવાન શ્રીરામના દર્શન કરશે અને સરયૂ નદીના તટ પર પૂજા – અર્ચના કરશે.. શિવસેનાના અગ્રણી નેતાઓની ખાસ બેઠક બાદ શિવસેનાના વડાએ જણાવ્યું હતું કે,લોકસભાની આગામી ચૂંટણી પહેલાં રામ- મંદિરના નિર્માણનો માર્ગ સુનિશ્ચત થઈ જવો જોઈએ. ઉધ્ધવ ઠાકરેએ નવો નારો આપ્યો છે- હર હિંદુ કી યહી પુકાર, પહલે મંદિર- ફિર સરકાર .

25મી નવેમ્બરે અયોધ્યામાં ધર્મ- સંસદની બેઠક યોજાઈ રહી છે. જેનું આયોજન વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. લખનઉ સહિત ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં આ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રેલીઓનું આયોજન કર્યું હતું. કાર્યકર્તાઓ અને નેતાઓએ લોકોને અનુરોધ કર્યો હતો કે, રામ- મંદિરના  નિર્માણ માટે જનમતની આવશ્યકતા છે. આથી અયોધ્યામાં યોજાઈ રહેલી ધર્મ – સંસદમાં હિંદુઓએ મોટી સંખ્યામાં હાજરી આપવી જોઈએ.