

સાંઈબાબાની સમાધિના શતાબ્દિ પ્રસંગની ઉજવણીમાં હાજરી આપવા ખાસ પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંઈ બાબાની વિશેષ પૂજા કરી હતી. તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ બાબાની પુનિત સ્મૃતિમાં વિશેષ ચાંદીના સિક્કા જારી કર્યા હતા. આ ઉપરાંત તેમંણે વડાપ્રધાન આવાસયોજનાના લાભાર્થીઓને તેમના નિવાસની – ઘરની ચાવી સુપરત કરી હતી. વડાપ્રધાને કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. પૂજા- અર્ચનાના કાર્યક્રમમાં શ્રધ્ધાપૂર્વક ભાગ લીધા પછી તેઓએ શિરડી ખાચે આયોજિત જનરેલીને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના વકતવ્યની જાહેરાત મરાઠી ભાષામાં કરી હતી. વડાપ્રધાને તમામ દેશવાસીઓને વિજયાદસમીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક તહેવાર કે ઉત્સવ દેશવાસીઓ સાથે મળીને મનાવવાનો હું પ્રયાસ કરું છું. સાંઈના દર્શન કરીને મને લોકોની સેવા કરવાનું બળ પ્રાપ્ત થાય છે. જન- કલ્યાણના કાર્યો કરવાની પ્રેરણા મળે છે. સાંઈબાબાનો એક જ મંત્ર હતો- સબ કા માલિક એક. સાંઈબાબા સમાજના સહુ કોઈને ચાહતા. તેઓ સહુને પોતાના ગણતા અને , આથી જ સહુ લોકો સાંઈને ચાહતા, તેમની ભક્તિ કરતાહતા.સાંઈના ચરણોમાં બેસીને ગરીબો માટે કામ કરવું એ સૌભાગ્યની વાત છે.
તેમણે કહયું હતું કે, વિજયાદસમીના આ પવિત્ર અવસરે મને મહારાષ્ટ્રના અઢી લાખ ભાઈ- બહેનોને પોતાનું ઘર સોંપવાની તક મળી. પવિત્ર તીર્થસ્થાન શિરડી મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં આવેલું છે. સાંઈબાબાનો જીવનકાળ 1838થી 1918 સુધીનો માનવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં 159 કરોડના ખર્ચે તૈયાર થયેલા શૈક્ષણિકભવન, તારઘર, સંગ્રહાલય, સાંઈ ઉદ્યાન તેમજ થીમ પાર્કનું ભૂમિપૂજન પણ કર્યું હતું.