શિખામણ

થોડાં વરસ પહેલાં એક વાલી બીજા વાલીને પૂછતા, તમારો દીકરો (કે દીકરી) કઈ કોલેજમાં ભણવા જાય છે? હવે સત્યના આગ્રહી વાલી પૂછે છે, તમારો દીકરો (કે દીકરી) કઈ કોલેજમાં જાય છે?કોલેજમાં જવું એટલે ભણવા જવું એવું સમીકરણ હવે જૂનું થઈ ગયું છે. ખરેખર તો કોલેજમાં જવુંનો અર્થ ભણવા, સિવાય ઘણાંઘણાં માટે જવું એવો થાય છે, આ ઘણાંઘણાંમાં શેનોશેનો સમાવેશ થાય છે તે કોલેજનો વિસ્તાર, કોલેજની સંખ્યા, પ્રિન્સિપાલની ઉદારતા અને અધ્યાપકોની સહનશક્તિ અને વિદ્યાર્થીઓની હિંમત અને સાહસિકતા પર આધાર રાખે છે.
તમે કોઈ કોલેજ પાસેથી પસાર થશો તો તમને રંગબેરંગી કપડાંવાળાં યુવક-યુવતીઓનાં ટોળાં આમતેમ ફરતાં અથવા ઊભાં-ઊભાં વાતો-મજાક- મસ્તી કરતાં દેખાશે. એક વાર હું મારા મિત્રની સાથે એક કોલેજ પાસેથી પસાર થતો હતો ત્યારે મિત્રે નિસાસો નાખીને કહ્યું, અરેરે! શું થવા બેઠું છે, આ દેશનું?
કેમ શું થયું? મેં ચિંતાતુર સ્વરે પૂછ્યું. આજ સવારનું છાપું વાંચી શકાયું નહોતું એટલે દેશ પર આવી પડેલી આફત વિશે હું અજાણ રહી ગયો હોઈશ એમ મને લાગ્યું. એક નાગરિક તરીકે મારા માટે આ સારું ન કહેવાય એવી ગુનાની લાગણી પણ મારા હૃદયમાં જન્મી.
આ છોકરા-છોકરીઓ ભણવા માટે કોલેજમાં દાખલ થાય છે, પણ આમ બહાર રખડ્યા કરે છે. આ લોકો દેશને કેવી રીતે ચલાવશે? મિત્રે ફરી પ્રલંબ નિસાસો નાખ્યો.
આઝાદી પછીનાં આટલાં વર્ષોમાં દેશનું એટલી હદે બગડી ચૂક્યું છે કે હવે કોઈ પણ માટે દેશનું વધુ બગાડવાની તકો ઘણી ઓછી છે.
તમે મારી વાત મજાકમાં ન ઉડાવી દો. તમને કંઈ થતું નથી, આ છોકરા-છોકરીઓને આમ હરતાં-ફરતાં જોઈને?
થાય છે ને! ઈર્ષા થાય છે. આપણે બહુ વહેલા જન્મી ગયા ને બોચિયાની જેમ ભણભણ કર્યું. આ સમયમાં જન્મ્યા હોત તો આપણેય આ લોકોની જેમ લહેર કરતા હોત ને? આપણે સિરિયસલી ભણ્યા તોય દેશનું બગડતું કંઈ અટકાવી શક્યા?
મિત્રે પ્રતિવાદ ન કર્યો, પણ મારી વાત એમને ગળે ઊતરી હોય એમ લાગ્યું નહિ. અમે છૂટા પડ્યા ત્યાં સુધી એમણે નિસાસા નાખ્યા કર્યા.
મારા એક મિત્રનો દીકરો કોલેજમાં પ્રોફેસર થયો. પ્રોફેસરનાં ઊંચા પગારધોરણો જોઈ એ આકર્ષાયેલો. કોલેજના પ્રોફેસરોનાં ઊંચા પગારધોરણની ઘણી ટીકા થાય છે. વરસમાં અમુક દિવસ કલાક-બે કલાક કામ કરવાનો આટલો બધો પગાર? એવો પ્રશ્ન ઘણાને થાય છે, પણ હું એમ નથી માનતો. પ્રોફેસરોને યુ.જી.સી.ના પગારધોરણ કરતાં પણ વધુ પગાર રાજ્ય સરકારે આપવો જોઈએ એવી મારી લાગણી છે. પ્રોફેસરોને માત્ર ભણાવવા માટે જ પગાર નથી મળતો. કોલેજોમાં તોફાન થાય છે, પ્રોફેસરોને કેટલીક વાર માર પડે છે. આ માર ખાવાનું સ્પેશિયલ એલાઉન્સ મેળવવાનો પણ પ્રોફેસરનો નોકરીસિદ્ધ અધિકાર છે. ઉમાશંકર જોશી કહેતા કે, અમારે અધ્યાપકોને મન વર્ગ એ જ સ્વર્ગ છે.’ પણ હવે તો વર્ગમાંથી જ સીધા સ્વર્ગમાં જતા રહેવું પડે એવું જોખમ ઊભું થયું છે. એટલે પ્રોફેસરોને જે પગાર મળે છે તેમાં પચાસ ટકા પગાર આ જોખમ અંગે મળે છે; ચાળીસ ટકા પગાર કોલેજમાં નિયમિત જવા માટે મળે છે, (સરકારી કર્મચારીઓને ઓફિસે જવા માટે મળે છે એ રીતે) અને દસ ટકા પગાર એને ક્યારેક-ક્યારેક ભણાવવાની તક મળે અને એ વખતે એનો ભણાવવાનો મૂડ હોય તો એને માટે એટલે કે ભણાવવા માટે મળે છે.
મેં પ્રોફેસર થયેલા મિત્રપુત્રને પૂછ્યું, ‘તારી કોલેજમાં ડિસિપ્લિન કેવી છે?
બહુ સારી તો નથી, પણ અમને કશી તકલીફ નથી પડતી.
કેમ? વિદ્યાર્થીઓ વર્ગમાં તોફાન કરે તો તકલીફ તો પડે જ ને?
મોટા ભાગના વિદ્યાર્થીઓ વર્ગમાં આવતા જ નથી. કોઈ વાર ચેન્જ ખાતર એ લોકો વર્ગમાં આવે છે ત્યારે તોફાન કરે છે, પણ એ વખતે અમે પ્રોફેસરો વર્ગમાં નથી જતા!
વિદ્યાર્થીઓ વર્ગમાં જવાને બદલે બહાર ચોગાનમાં હરેફરે એના ઘણા લાભો છે. એક તો ખુલ્લી હવામાં ફરવાને લીધે, સ્કૂટર પર બેસી શિયાળાની સવારનો તડકો માણવાને કારણે આરોગ્ય તો સારું રહે જ છે, પણ ઝાઝો સમય બહાર ચોગાનમાં ગાળવાને કારણે યુવક-યુવતીઓ એકબીજાના નિકટના પરિચયમાં આવે છે અને એને પરિણામે એમના જીવનનો મહત્ત્વનો પ્રશ્ન લગ્નનો પ્રશ્ન ઊકલી જાય છે. જોકે આ કારણે કેટલાંકનાં જીવનમાં એટલા બધા પ્રશ્નો ઊભા થાય છે કે પછી તેઓ જીવનભર એ પ્રશ્નોમાં જ અટવાયેલાં રહે છે!
એક વખત એક કોલેજ પર પથ્થરમારો થયો. પથ્થરમારો કરનારાઓમાંથી કેટલાક પકડાયા. એમાં પંચાવન વરસની ઉંમરના એક પ્રૌઢ સદ્ગૃહસ્થ પણ હતા! પોલીસ ઇન્સ્પેક્ટરને બહુ નવાઈ લાગી. એમણે પેલા સદ્ગૃહસ્થને પૂછ્યું, તમે આ ઉંમરે પથ્થરમારામાં શું કામ જોડાયા?
સાહેબ! સાચું કહું? હું આ કોલેજમાં ભણ્યો છું. મારી પત્ની મને આ કોલેજમાંથી મળી હતી. એણે મને જે અનુભવ કરાવ્યો છે એનાથી મને મારી આ કોલેજ પર બહુ ગુસ્સો આવે છે. હું મારી પત્નીને તો કંઈ કરી શકું એમ નથી, પણ આજે હું અહીંથી નીકળ્યો એ વખતે છોકરાઓ કોલેજ પર પથ્થરમારો કરી રહ્યા હતા. એ જોઈ હુંય ઉશ્કેરાયો. બાકી આ લોકો શેને માટે પથ્થરમારો કરતા હતા તેય હું નથી જાણતો.
આવું જોકે જૂજ કિસ્સામાં બનતું હશે. કોલેજના કારણે પરણ્યાં હશે એવાં કેટલાંક સુખી પણ હશે.
ચારેક વરસ અગાઉ કોલેજોમાં કેમ્પસ-ફી દાખલ કરવામાં આવી હતી. એ વખતે કેમ્પસ-ફીનો સખત વિરોધ થયો હતો, પણ હું માનું છું કે કોલેજોમાં કેમ્પસ-ફી લેવાનું તદ્દન વાજબી છે. ખરેખર તો ટ્યુશન-ફી બંધ કરી માત્ર કેમ્પસ-ફી જ લેવી જોઈએ. ક્લાસરૂમનો ખાસ ઉપયોગ રહ્યો નથી, માટે ટ્યુશન ફી બંધ કરવી અને ચોગાનોનો ભરપૂર ઉપયોગ થાય છે તેથી કેમ્પસ-ફી લેવી એ તદ્દન વાજબી વાત છે. વિદ્યાર્થી કેમ્પસ પર હાજર થાય એટલે એની હાજરી માન્ય કરી દેવી જોઈએ. દરેક પિરિયડમાં અધ્યાપક પહેલાં મેદાન પર જઈ હાજરી પૂરે અને પછી વર્ગમાં જઈ, જે વિદ્યાર્થીઓ વર્ગમાં હોય તેમને ભણાવે. વર્ગમાં કોઈ ન હોય તો શાંતિથી કોમનરૂમમાં બેસે, શેરબજારનું સાહિત્ય વાંચે અથવા સહ-અધ્યાપકો જોડે ગપ્પાં મારે. કેમ્પસ પર હાજરી પૂરવામાં અધ્યાપકોને નાનમ લાગતી હોય તો હાજરી પૂરનારની નવી પોસ્ટ યુ.જી.સી.એ ઊભી કરવી જોઈએ અને આ કામ કરનાર માટે અંગ્રેજીમાં કોઈ સારું નામ શોધી કાઢવું જોઈએ. (આમાંથી ભવિષ્યમાં ઘેર આવીને હાજરી પૂરી જાઓ એવી માગણી ઊઠવા સંભવ છે. આવું થાય ત્યારે આ માગણી અંગે પણ સહાનુભૂતિથી વિચારી શકાશે.) ટ્યૂશન-ફી લેવાની સત્તા ફક્ત કોચિંગ ક્લાસના સંચાલકોને જ આપવી. ઉચ્ચશિક્ષણમાં આટલા ફેરફાર તાત્કાલિક કરવા જોઈએ.
નોંધઃ હજી કેટલાક પ્રિન્સિપાલો વિદ્યાર્થીએ કોલેજમાં હાજર રહેવું જોઈએ અને તે પણ વર્ગમાં હાજર રહેવું જોઈએ એવો દુરાગ્રહ રાખે છે. હજી કેટલાક અધ્યાપકો વર્ગમાં ભણાવવાનો આગ્રહ રાખે છે, હડતાળ વખતેય ભણાવવાનો આગ્રહ રાખે છે. આવા જીવોને પ્રભુ સદ્બુદ્ધિ આપે!

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક વિનોદના વૈકુંઠમાંથી સાભાર.