શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત છે, તેની સેવા પોથીમાં કોઈ અસર નહીં પડે

ગાંધીનગરઃ રાજ્યભરમાં એક તરફ શિક્ષકો દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે રાજ્યના શિક્ષણના હિતમાં આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરાઈ રહ્યું છે. તે રાજ્યના શિક્ષણનની ગુણવત્તા ચકાસવા માટે આ કસોટી કરાઈ રહી છે. એટલું જ નહીં શિક્ષકોના બંને સંઘોને વિશ્વાસમાં લઈને જ આ કસોટી લેવામાં આવી રહી છે. સોમવારે લેવાનાર આ કસોટીમાં રાજ્યના ૧.૮૦ લાખ શિક્ષકો જોડાઈ રહ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ કસોટી માટે તંત્ર ગોઠવવામાં આવ્યું છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વ્રારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. બંને સંઘો સાથે ચર્ચા બાદ તેને ફરજીયાતના બદલે મરજીયાત કરાઈ છે. આ કસોટી મરજીયાત છે, તેની શિક્ષકોની કારકિર્દી પર કોઈ અસર થવાની નથી. એટલું જ નહીં તેની સેવા પોથી પર પણ કોઈ નોંધ થવાની નથી અથવા તો શિક્ષકોને પાસ કે નાપાસ કરવાનો પણ કોઈ પ્રશ્ન નથી.
એક પ્રશ્નના જવાબમાં ચુડાસમાએ કહ્યું હતું કે પહેલાથી ચર્ચા કર્યા બાદ આટલો હોબાળો કરવો યોગ્ય નથી, આ બાબત દુઃખદ છે. તેમણે કહ્યું હતું કે મને આ બદનામ કરવાનું કોઈ કાવતરૂ હોય તેવુ માનતો નથી. બાકી મારી સામે જે આક્ષેપો થયા છે તેની તપાસ મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવી શકે છે.
આ કસોટીમાં શિક્ષકો જે વિષય ભણાવે છે તે વિષયમાં શિક્ષકની સજ્જતાની ચકાસણી કરાશે. શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું હતું કે જેમ રોગના નિદાન માટે જુદા જુદા ટેસ્ટ કરવા પડે છે તેવી જ રીતે આ ટેસ્ટ છે. એટલે આ ટેસ્ટ તાલીમનો ભાગ રહેશે. ચુડાસમાએ કહ્યું હતું કે રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ ગયો છે. તેના માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ પણ આવી રહ્યો છે, તે મુજબ પગલા લેવાઈ રહ્યા છે