શિકાગો ધર્મપરિષદમાં વીરચંદ ગાંધી

સપ્ટેમ્બર 11, 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં 3000 શ્રોતાઓ વચ્ચે વિશ્વ ધર્મ પરિષદનો પ્રારંભ થયો હતો. આમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ હતા, જ્યારે જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ રાઘવજી ગાંધી હતા. આ ધર્મ પરિષદમાં નૂતન ભારતીય દર્શન, ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય, ભારતીય વિશ્વને ભેટ, વિશ્વમાં ભારતીય જ્ઞાનપ્રકાશ પાથરનાર ભારત વિશે અમેરિકા અને પાશ્ચાત્ય દેશોએ વિદ્વાન યુવાન બે વક્તાઓ દ્વારા પ્રથમ જાણકારી મેળવી હતી.
આ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાના વ્યક્તિત્વ અને વક્તવ્યથી વિશ્વમાં ભારતના હિન્દુ ધર્મનાં યશગાન ગાઈ ડંકો વગાડી દીધો હતો, જે અંગે આપણે સૌ ખૂબ જાણીએ છીએ, પરંતુ અત્રે આપણે તેમના સાથી જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધી વિશે વિગતે વાત કરીશું, જેઓ ગુજરાતના ગૌરવશાળી પ્રતિનિધિ હતા.
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં તેમનો જન્મ થયો હતો. પિતા રાઘવજી વ્યાપારી સાથે ધર્મપરાયણ વ્યક્તિ હતા. તેઓ જૈન ધર્મના અનુયાયી હતા. ઘરમાં ધાર્મિક વાતાવરણ હોવાથી વીરચંદ ગાંધી બાળપણથી જ જૈન ધર્મ સાથે હિન્દુ ધર્મના જ્ઞાનના અભ્યાસી થઈ ગયા હતા. ધર્મભાવના પ્રબળ થતાં શાળા-કોલેજના અભ્યાસ સાથે ધર્માભ્યાસ શીઘ્રતાથી વધવા લાગ્યો. જૈન ધર્મના સંસ્કારમાં ઊછરેલા વીરચંદભાઈ સંપૂર્ણ ભારતીય વિચારસરણી સાથે ભારતીય પોશાક અને સાદગી અપનાવી ચૂકેલા યુવાન હતા.
જ્યારે વીરચંદ ગાંધીએ અમેરિકામાં થનારી વિશ્વ ધર્મ પરિષદ અંગે જાણ્યું ત્યારે અલબત્ત, જૈન ધર્મના પ્રતિનિધિને આમંત્રણ ન હોવા છતાં – તેઓ જૈન ધર્મ અનુયાયી ગ્રુપ વડે પ્રોત્સાહિત થઈ આ પરિષદમાં જવા તૈયાર થયા. પરિષદ ટાણે ભારતીય યુવાન વિવેકાનંદનો મેળાપ અને સાથે મળતા પરિષદમાં એકના બદલે બે પ્રતિનિધિઓ ધર્માખ્યાન આપવા તૈયાર થઈ ગયા. વીરચંદ ગાંધી તે વખતે સ્વામી વિવેકાનંદની જેમ જ માત્ર 29 વર્ષના થનગનતા ભારે ઉત્સાહી દેખાવડા પ્રતિભા-સંપન્ન યુવાન હતા. પરિષદના મંચ પર બીજા ધર્મના વયોવૃદ્ધ પ્રતિનિધિઓ સાથે આ નવલોહિયા ભારતીય યુવાન બેલડી એક આગવો જ પ્રભાવ પાડી રહી હતી.
જ્યારે વીરચંદ રાઘવજી ગાંધીના વક્તવ્યનો સમય આવ્યો ત્યારે જે સ્ફૂર્તિ, ઉત્સાહ, આત્મવિશ્વાસ અને યુવા જુસ્સા સાથે વક્તવ્યસ્થાને ડગ ભરતા આવ્યા અને વંદન કરી ચારે તરફ નજર કરી ત્યારે અનેક વયસ્ક અને પ્રૌઢ પ્રેક્ષકો અને મંચસ્થ મુરબ્બીઓએ તેમની પ્રતિભા અને ગણવેશ જોઈ આશ્ચર્ય સાથે ઉત્સુક બની તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું. હર્ષોલ્લાસનું વાતાવરણ ખડું થઈ ગયું.
29 વર્ષનો આ ફૂટડો યુવાન શિકાગો ધર્મ પરિષદના મંચ પર ઊભો હતો ત્યારે એક આખા ભારતનું પ્રતિનિધિત્વ કરતો જુવાન નયનરમ્ય, આકર્ષક લાગતો હતો. ‘ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન’ જેવો જ ઘાટ અહીં થયો. કેમ? શા માટે? એવું તો એ યુવાનમાં શું હતું? નવજુવાન વીરચંદ ગાંધીના માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ખભે સફેદ ખેસ અને પગમાં દેશી આંકડિયાવાળાં પગરખાં પહેર્યાં હતાં. ઊંચું ભરાવદાર શરીર, સુદઢ બાંધો, તેજસ્વી આંખો, હસતો ચહેરો, પ્રતિભાસંપન્ન શાંત પ્રકૃતિ અને ભરચક આત્મવિશ્વાસ સાથે ઘંટડીના રણકાર જેવું ભવ્ય સંબોધન અને અને તાળીઓનો સ્નેહસેતુ!
વક્તવ્યનો પ્રારંભ થયો, એક ભારતીય અવાજ અને બુલંદીના જાણે રણશિંગાથી! ભારતીય શાસ્ત્રગ્રંથોમાં રહેલી વૈચારિક અને આધ્યાત્મિક જ્ઞાનસમૃદ્ધિના સુવિચાર વાણીથી વહેવા શરૂ થયા. ભારતીય પ્રજા અત્યંત સમર્થ, શક્તિશાળી, સંસ્કૃતિ સમૃદ્ધ સાથે જ ધર્મપરાયણ છે. ભારતમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા ચાલતી વટાળપ્રવૃત્તિ અંગે તેમણે નિર્ભયતાથી વાત કરી. સાથે જ જણાવ્યું કે, ભારત પાસે સત્ય અને અહિંસાનું બળ છે અને મહાવીરની અહિંસાની શક્તિથી તે સ્વતંત્રતા મેળવશે જ!
વીરચંદ ગાંધીની વિદ્ધતા, અભ્યાસ-શીલતા, તટસ્થ વૃત્તિ, અનેકાંત દષ્ટિ, ભારતીય ઇતિહાસ અને સમાજ અંગેનું ઊંડું જ્ઞાન તથા અઘરા ધાર્મિક સિદ્ધાંતોને વિદેશીઓ સમજી શકે તેવી રજૂઆતની કૌશલ્યતાથી વિદેશી શ્રોતાગણ અને આયોજકો મંત્રમુગ્ધ થઈ ગયા. એક અમેરિકન અખબારે લખ્યુંઃ ‘પૂર્વના વિદ્વાનોમાં રોચકતા સાથે જૈન યુવકનું જૈન દર્શન અને ચરિત્ર સંબંધી વ્યાખ્યાનથી શ્રોતાગણ રસ તરબોળ થઈ ગયો, જે અન્ય વક્તાથી અનોખું હતું.’ કેટલાંક અખબારોએ તેમનું વક્તવ્ય અક્ષરશઃ પ્રગટ કર્યું. તેમની વાણીમાં જૈન ધર્મ, વૈદિક ધર્મ, હિન્દુ ધર્મ, ઉત્સવોની તરફદારી વગેરે દાખલા-દલીલો દ્વારા ખુમારીથી રજૂ થતા. અમેરિકાને ભારત પાસેથી કેટલીક વૈચારિક, આધ્યાત્મિક અને જીવનઘડતર કરવાની સમૃદ્ધિ મળી શકે તેમ છે.
ભારત વિશ્વધર્મોની જનની છે અને વિશ્વમાં જ્ઞાનદીપ પ્રકાશ ફેલાવનાર સસ્કૃતિ છે, એમ દઢતાથી તેઓ કહેતા. સાથે જ ધર્મસભાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે એક અન્ય ધર્મીને આપ શાંતિ અને પ્રેમથી સંદેશો આપવાની અનુમતિ આપો છો એ અનન્ય અને ધાર્મિક વિશ્વવિકાસનું દ્યોતક છે.
સભામાં વીરચંદભાઈને યશસ્વી કામગીરી માટે રૌપ્ય ચંદ્રક અર્પણ થયો. પછી તો તેમણે ઇંગ્લેન્ડ, અમેરિકામાં 650 જેટલાં વક્તવ્યો વિવિધ વિષયો પર આપ્યાં. તેમણે સપ્ટેમ્બર, 1993થી માર્ચ, 1995 સુધી ઇંગ્લેન્ડ, અમેરિકાનાં અનેક શહેરોમાં ધમધમાટી બોલાવી દીધી. 29 વર્ષનો જૈનધર્મી યુવાન આટઆટલા વિષયો પર સતત અંગ્રેજીમાં વક્તવ્યો આપી શકે, તે જોઈ ત્યાંના રસિક સંસ્કારી જનો અહોભાવ, આનંદથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
સ્વામી વિવેકાનંદને વીરચંદ ગાંધીની શક્તિ પર ઘણો વિશ્વાસ હતો. તેઓ એક પત્રમાં લખે છેઃ ‘વીરચંદ ગાંધી એક શહેરથી બીજા શહેર વૈવિધ્યતાપૂર્ણ ભાષણો આપવાના છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમાં તેઓ વિજય મેળવશે અને ભારતનું નામ રોશન કરશે.’ છેક ઈ. સ. 1893માં વીરચંદ ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી હતી. એક સભામાં તેઓએ કહ્યું હતુંઃ ‘ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક સ્વાતંત્ર્ય ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ નહિ કરે. 1893માં ગાંધીજી માત્ર બેરિસ્ટર થયા હતા, તે સમયે વીરચંદ ગાંધીએ આ ભવિષ્ય કથન કહ્યું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ! આવા યુગપુરુષો ગુજરાત અને ભારતનું ગૌરવ છે.

લેખક કેળવણીકાર છે.