શિકાગોમાં પરફોર્મન્સ આપતા ‘રાગના મહારાજા’ ગણાતા સંગીતકાર ઇલ્યારાજા

શિકાગોઃ ભારતીય શાસ્ત્રીય સંગીતપ્રેમીઓનું સપનું સાકાર થયું હતું, જ્યારે વિખ્યાત સંગીતકાર ઇલ્યારાજાએ 24મી માર્ચે નેપરવિલે યાર્ડ સેન્ટરમાં હંગેરીના બુડાપેસ્ટ સિમ્ફની ઓર્કેસ્ટ્રા અને ભારતીય શાસ્ત્રીય સંગીતકારો સાથે લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું.
ઇલ્યારાજા સાથે અદ્ભુત અને યાદગાર પરફોર્મન્સ આપવા માટે 55 સંગીતકારો અને 10 ગાયકોને સાંભળવા માટે ચાર હજારથી વધુ નાગરિકો હાજર રહ્યા હતા.
તમિલ અને તેલુગુમાં 39 ગીતો રજૂ કરવામાં આવ્યાં હતાં. ગાયકોમાં ચિત્રા, મનો, હરિચરન અને રાહુલ નામ્બિયારનો સમાવેશ થતો હતો.
ઇલ્યારાજા બહુમુખી પ્રતિભા ધરાવે છે અને તેમણે 6000થી વધુ ગીતો કંપોઝ કરેલાં છે. તેમણે 1000થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે.
‘રાજા’ તરીકે તે લોકપ્રિય થયેલા છે. તેઓ સંગીતકારોના પરિવારમાંથી આવે છે. તેમણે પાંચ ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ જીત્યા છે, જેમાં બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન માટે ત્રણ એવોર્ડ અને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર માટે બે એવોર્ડનો સમાવેશ થાય છે.
સન 2010માં તેમને ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ મળ્યો હતો. 2018માં તેમને ભારત સરકારનો દ્વિતીય સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મવિભૂષણનો ખિતાબ મળ્યો હતો.
આ કાર્યક્રમમાં રજૂ થયેલાં વિવિધ ગીતોમાં ‘જનાની જનાની-થાઈ મુકામ્બીગાઈ-ઓમ શિવોહમ- નાન કાવાડુલ, જગાધાનાન્ધા કારાકા-તેલુગુ, રામ રામ સલામે રામ રામ-હે રામ, મલાઇયિલ યારો-ક્ષત્રિયન, નિનુકોરી વારનામ ગરશાના-તેલુગુ, યેન ઇનિયા પોન નિલા-મોડુ પાની, મડાઇ થિરાન્ધુ-નિઝાલગાલ, અબ્બાની થીયાની-તેલુગુ અને સેન્ધુરા પૂવે-શ્રીમાલે પુવે-તેલુગુનો સમાવેશ થતો હતો.
ઇલ્યારાજા સાથે વિવિધ કલાકારોએ પણ અદ્ભુત પરફોર્મન્સ આપ્યું હતું. ચિત્રા (કે. એસ. ચિત્રા) ભારતીય પ્લેબેક સિંગર છે જે કેરળથી આવે છે અને ભારતીય શાસ્ત્રીય-ભક્તિગીત ગાય છે અને લોકપ્રિય સંગીત રજૂ કરે છે, તેમણે વિવિધ ભાષાઓમાં ગીતો ગાયાં છે, જેમાં ઉર્દુ, લેટીન, અરેબિક, સિંહાલી, અંગ્રેજીનો સમાવેશ થાય છે. ચિત્રાએ વિવિધ ફિલ્મો અને મ્યુઝિક આલબમો માટે 25 હજારથી વધુ ગીતો ગાયેલાં છે.
લોકપ્રિય પ્લેબેક સિંગર નાગુર બાબુ ‘મનો’ના નામથી જાણીતા છે તેઓ વોઇસ-ઓવર આર્ટિસ્ટ, અભિનેતા, નિર્માતા, એન્કર, મ્યુઝિક કંપોઝર છે.
હરિચરન સંગીતપ્રેમી પરિવારમાંથી આવે છે અને સાત વર્ષની વયે સંગીત સાંભળવાની શરૂઆત કરી હતી. નામ્બિયાર પ્લેબેક સિંગર છે અને લાઇવ પરફોર્મર છે તેમણે વિવિધ એડવર્ટાઇઝમેન્ટ જિંગલ્સ માટે પોતાનો સ્વર આપ્યો છે.
ક્લાઉડનાઇન ઇવેન્ટ્સે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે ભારતીય સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો યોજે છે.