શિકાગોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં હજારો નાગરિકોની હાજરી


શિકાગોઃ શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા સિટી ઓફ શિકાગો અને દિલ્હી કમિટી ઓફ શિકાગો સિસ્ટર સિટીઝ ઇન્ટરનેશનલ સાથેના સહયોગથી 16મી જૂને ડાઉનટાઉન શિકાગોમાં મિલેનિયમ પાર્કમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપપ્રાગટ્ય સમારંભ અને ભારત-અમેરિકાના રાષ્ટ્રગીતના ગાન પછી યોગા વિશેની સમજ આપવામાં આવી હતી.
શિકાગોમાં યોજાયેલી આ ઉજવણી અનેકવિધ મેગા ઇવેન્ટમાંની એક મેગા ઇવેન્ટ હતી, જેમાં 100 કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરો અને એક હજારથી વધુ ભારતીય-અમેરિકનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમના પરિવારજનો અને મિત્રોનો પણ સમાવેશ થતો હતો તેમ શિકાગોસ્થિત ભારતીય દૂતાવાસે અખબારી યાદીમાં જણાવ્યું હતું. બ્રહ્માકુમારીઝ ઓફ શિકાગોનાં સિસ્ટર ટીનાએ શ્વાસોચ્છ્વાસની ટેક્નિક દર્શાવી હતી અને સૂર્યા ડાન્સ સ્કૂલના વિદ્યાર્થીઓેએ નૃત્ય રજૂ કર્યાં હતાં.
કોમન યોગા પ્રોટોકોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાંતિમંત્રો સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.
શિકાગોસ્થિત ભારતીય કોન્સલ જનલ નીતા ભૂષણે આપેલા પ્રવચનમાં યોગાના લાભની માહિતી આપી હતી અને શિકાગોના મેયરની ઓફિસનો કોન્સ્યુલેટ સાથેની ભાગીદારી બદલ અને મિલેનિયમ પાર્કનો ઉપયોગ કરવા દેવા બદલ આભાર માન્યો હતો.
સમારંભમાં કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ (ડી-ઇલિનોઇસ), વર્લ્ડ બિઝનેસ શિકાગોના પ્રેસિડન્ટ-સીઈઓ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ઓફ શિકાગો અન્દ્રિયા ઝોપ, દિલ્હી કમિટી ઓફ શિકાગો સિસ્ટર સિટીઝ ઇન્ટરનેશનલનાં ચેર સ્મિતા શાહ, બર રીજના મેયર મિકી સ્ટ્રોબ, ઇલિનોઇસ ગવર્નર્સ ઓફિસના ભૂતપૂર્વ ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર હાર્દિક ભટ્ટ, ડિસ્ટ્રિક્ટ આઠના ઇલિનોઇસ સેનેટના ઉમેદવાર રામ વિલિવાલામ, એલ્ડરમેન જો મુરે હાજર રહ્યા હતા.
ભારતીય કોન્સલ અને ચાન્સેરીના હેડ ડી. બી. ભાટીએ કાર્યક્રમનું સંચાલન કરી આભારવિધિ કરી હતી.