શાહીનબાગમાં થઈ રહેલું પ્રદર્શન માત્ર એક પ્રયોગ છે, દેશને તોડવાનું ષડયંત્રઃ મોદી

 

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણીપ્રચારની જાહેરસભામાં સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ને લઈને ‘કોંગ્રેસ’ અને ‘આપ’ પર જોરદાર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાજધાનીના શાહીનબાગ વિસ્તારમાં થઈ રહેલું વિરોધપ્રદર્શન માત્ર યોગાનુયોગ નથી, પરંતુ એક પ્રયોગ છે અને એ દેશના ભાઈચારાને તોડવા માટે કરવામાં આવ્યો છે. 

દિલ્હીના શાહદરાક્ષેત્રમાં ભાજપની ચૂંટણીરેલીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આપ બંધારણ અને ત્રિરંગાની આડમાં વિરોધપ્રદર્શન કરીને દેશમાં કોમી એખલાસ અને ભાઈચારાને તોડવાનું કાવતરું કરી રહ્યા છે. ન્યાય અને અદાલતને નહિ માનનારાઓ આજે બંધારણની વાતો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દિલ્હીને અરાજકતામાં ધકેલી શકાય નહિ. આવી પરિસ્થિતિમાં દિલ્હીની આમજનતાને ભારે ‘પરેશાની’ અને અગવડતાનો સામનો કરવો પડે છે અને એનો ન્યાય દિલ્હીની જનતા ૮ ફેબ્રુઆરીના મતદાન કરીને અપાશે. 

તેમણે આમ આદમી પાર્ટી પર દિલ્હીની આમજનતાની રોજિંદી જરૂરિયાતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે દિલ્હીની આપ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના અને દિલ્હી મેટ્રો પર રાજકારણ રમીને લોકોને આ સુવિધાઓના લાભથી વંચિત રાખ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને દિલ્હી સરકારે લાગુ નહિ કરતાં લાખો ગરીબ અને બેઘર લોકો પાકાં મકાનોથી વંચિત રહી ગયા છે અને દિલ્હીની જનતાને માત્ર વોટના રાજકારણનો ભોગ બનવું પડે છે. 

તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૨ સુધી પાકાં મકાનો આપવાનું અમે વચન આપ્યું છે અને અમારી સરકાર આ લક્ષને સામે રાખીને ચાલી રહી છે. કોંગ્રેસની છેલ્લાં ૭૦ વર્ષથી નિર્ણયોને ટાળવાની નીતિ પર હુમલો કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે કલમ ૩૭૦, રામમંદિર, નાગરિકતા સંશોધન કાનૂન, વન રેન્ક વન પેન્શન વગેરે મુદ્દાઓ પર કોઈ નિર્ણય લીધો નહોતો આજે દેશમાં લોકપાલ કાયદો બની ગયો છે, પરંતુ દિલ્હી સરકારે તેના રાજ્યમાં લોકપાલ કાનૂન પસાર કર્યો નથી. લોકપાલની નિમણૂક પણ નથી કરી. કેજરીવાલ દેશના ભાગલા કરવા માગતી ટુકડે-ટુકડે ગેંગનું સમર્થન કરી રહ્યા છે. કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇક પર અને સેનાના જવાનો પર શક કર્યો હતો અને સૈનિકોની શહીદી સામે સવાલ કર્યો હતો!