શાશ્વત ભાવના સંદેશક દુહા

0
1061

જે જ્ઞાન ઉપનિષદ કે પુરાણમાંથી પ્રાપ્ત થાય છે એ કક્ષાનું શાશ્વત ભાવનું દુહામાંથી જ્ઞાન નીતરતું હોય છે. વેદ અને ઉપનિષદના સારભૂત સત્યને દુહાને અનુષંગે સમાજમાં પ્રચલિત કરવામાં આવે છે. સમાજઘડતર, માનવીનું રુચિઘડતર અને માણસે પોતાની સામે શું લક્ષ્ય રાખવાનું એ માટે ઉપદેશાત્મક સંદેશ દુહા દ્વારા પ્રસારિત થતો રહ્યો છે. લોક એટલે એકાદ માનવ નહિ, પણ સમાજનો એક બહુ મોટો વર્ગ – ભાગ. આ લોકનું ઘડતર કેવી રીતે થયું? કેવી રીતે એણે આદર્શ વ્યક્તિમતા ધારણ કરી પ્રાપ્ત કરી? એમનું ઘડતર-ચણતર કરનારી જંગમ વિદ્યાપીઠ છે દુહા. એક દુહો સાંભળે અને એનું જીવન પલટાઈ જાય. એનું ઘડતર થઈ જાય. એને સમજણ-જ્ઞાન પ્રાપ્ત થઈ જાય.
માણસે કેવી રીતે શું કરવાનું હોય અને કેવા થવાનું હોય એની આંકણી – માપણી રૂપ એક દુહો સમાજમાં પ્રચલિત છે.
માળા તો કરમેં ફિરે, ફિરે જીભ મુખ માંહીં;
મનવો તો ચહુદિશ ફિરે, એસા સુમિરન નાહીં.
હાથમાં માળા ફરતી હોય અને સાથોસાથ વાતચીત – અન્ય સાથે બોલચાલ – વડછડ કે સંવાદ ચાલુ હોય. વળી મન-ચિત્ત અનેક વિચારોમાં ભટકતું હોય એ પ્રકારની માળા ફેરવણનો-નામસ્મરણનો કોઈ અર્થ નથી. અહીં શું ન કરવું, એટલું જ કહીને દુહાકવિ અટકી ગયા છે. શું કરવું એ નથી કહ્યું, પણ પ્રભુનામસ્મરણ વેળાએ શું ત્યજી દેવું, શેનો ત્યાગ કરવો એનો નિર્દેશ કરીને એકચિત્તે ધ્યાન કરવા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. ઘણું ન કહીને, ઘણું બધું કહી દેવાની આવડત દુહાકવિને હાથવગી હોય છે. એટલે માનવસ્વભાવના ભારે જાણકાર દુહાકવિ આવા કારણે સમાજમાં બહુ મોટી સ્વીકૃતિ પ્રાપ્ત કરતા રહ્યા છે. એમણે કથેલા દુહા હૈયે અને હોઠે કાયમ રહેતા હોય છે.
ગુણ વિણ ઠાકર ઠીકરો, ગુણ વિણ મિત્ર ગમાર;
ગુણ વિણ ચંદન લાકડી, ગુણ વિના નાર કુનાર.
સદ્ગુણનો મહિમા ગાતા દુહાકવિ ગાય છે કે ઠાકર-ઈશ્વર પણ ગુણવાન ન હોય તો ઠીકરા સમાન છે. સામાન્ય પથ્થર ગણાય. મિત્ર પણ જો ગુણવાન ન હોય તો ગમાર-મૂર્ખ ગણાય. એની સોબતનો કશો અર્થ નહિ. સુગંધના ગુણ વગરનું ચંદન સામાન્ય લાકડી ગણાય છે અને ગુણ વગરની ભાર્યા-સ્ત્રી-કુભાર્યા ગણાય છે. મહત્ત્વ ગુણનું – સદ્ગુણ-સદાચારનું છે. એને કારણે જ માનવનું, દેવનું કે સ્થૂળ પદાર્થનું માહાત્મ્ય છે. ગુણનું મૂલ્ય, ગુણવાનની મહત્તા અને ગુણસંપન્ન થવા માટે આવા દુહા ભારે પ્રેરક રહ્યા છે.
આમ તો સાખી ગણાતા બીજા એક દુહામાં બોલવાના-વાણીના મહિમાને સ્થાન મળ્યું છે. કવિ ગાય છે કે –
કાગા કાકું લેત હૈ, કોયલ કીનકું દેત;
મધુરી વાણી બોલ કર, સબકો મન હર લેત.
કાગડો શું લઈ લે છે અને કોયલ શું દઈ દે છે. પણ મધુર વાણીથી – વાતચીતથી, બધાનું મન હરી લે છે. કાગડો કર્કશ અવાજ કરે છે આપણને એ સાંભળવું ગમતું નથી, પરંતુ કોયલનો મીઠો ટહુકાર આપણા હૃદયને જીતી લે છે. કોઈ કંઈ દેતા કે લેતા નથી છતાં એક ગમે છે અને બીજું નથી ગમતું. મીઠી વાણીનો અને વાતચીતનો મહિમા અહીં પ્રગટ થાય છે.
ઊણ રસમેં સબરસ કિયો, હરિરસ સમો ન કોઈ;
એક રતી તનમેં સંચરે, સબ તન હરિમય હોય.
આ સાખીમાં કવિએ હરિરસ-હરિગુણગાન-પ્રવૃત્તિનો મહિમા રજૂ કર્યો છે. હરિરસ એવો રસ છે કે એમાં બધા રસ સમાવિષ્ટ છે. થોડોક પણ જો એ શરીરમાં પ્રવેશે તો આખું શરીર હરિમય-હરિરસપૂર્ણ થઈ જાય. ઈશ્વરનામસ્મરણમાં રસમય થવાનું અને રસલીન થવાનું સૂચવીને કવિ એને કારણે જીવનમાં આવી જતા પરિવર્તનની સૂક્ષ્મ અસરને વર્ણવે છે.
દુહા અને સાખી આમ તો એકસરખા ગણાય છે. સાખીમાં હિન્દીની અવધી, વ્રજ, માગધી-માળવી કે રાજસ્થાનીનો સ્પર્શ થાય છે. બહુધા ખડીબોલી જેવી અનેક બોલીઓમાં સાખી રચાઈ છે, જ્યારે ગુજરાતીમાં એને દુહા તરીકેની ઓળખ પ્રાપ્ત થયેલી છે. આવી એક અન્ય સાખી આસ્વાદીએ.
મિત્તર ઐસા કીજિયે, ઢાલ સરીખા હોય;
સુખમેં પીછે પડે રહે, દુઃખમેં આગુ હોય.
મિત્ર એવો રાખવો કે જે ઢાલની સમાન હોય. સુખના દિવસોમાં પાછળ રહે અને દુઃખના દિવસોમાં આગળના ભાગમાં રહે, અને વિપત્તિને ઝીલે. દુઃખના ઘાવ પોતે સહન કરે. મિત્ર માટે પ્રયોજાયેલી ઉપમા ઢાલની છે. એ ઘણી સૂચક છે. એનો રચયિતા યોદ્ઘો છે. અથવા તો યુદ્ઘની રીતિ-નીતિથી પરિચિત છે. ઢાલ એક એવું યુદ્ઘમાં વપરાતું સાધન છે કે જે આડા ઘાવ ઝીલે અને વીર પુરુષનું રક્ષણ કરે. આથી વ્યક્તિ બમણા બળથી યુદ્ઘમાં ક્રિયાશીલ રહીને વિજય પ્રાપ્ત કરે. આવા પ્રકારના મિત્રો રાખવાના હોય એવી શિખામણ દુહા દ્વારા પ્રાપ્ત થાય છે.
દુહાને જે વચનને-વાણીને કાળનો કાટ ન ચઢે એવી વાણી દુહા દ્વારા પ્રચલિત બની રહે છે. સંદેશ ખરો, પણ જે ક્યારે જુનવાણી ન બને, પ્રત્યેક સમયે પ્રસ્તુત બની રહે એવા શાશ્વત ભાવોનો સંદેશ દુહા દ્વારા પરંપરામાં જીવંત રૂપે વહેતો રહે છે. એટલે શાશ્વત ભાવના સંદેશક તરીકેની ઓળખ પ્રાપ્ત થયેલી છે.

લેખક લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યના જાણીતા વિદ્વાન છે. તેમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે પણ ખૂબ કામ કર્યું છે.