

.વોશિંગ્ટનઃ અમેરિકાની વિવિધ શાળાઓમાં ગન વાયોલન્સના વિરોધમાં ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યાં હતાં. 14મી માર્ચે ન્યુ યોર્ક સિટીમાં ક્વીન્સ બરોમાં નેશનલ સ્કૂલ વોકઆઉટના સમર્થનમાં યોજાયેલી કૂચમાં વિદ્યાર્થીઓએ બેનરો સાથે ભાગ લીધો હતો, જ્યારે 14મી માર્ચ વોશિંગ્ટનમાં યુએસ કેપિટલમાં વિદ્યાર્થીઓ દ્વારા વોકઆઉટ દરમિયાન વોશિંગ્ટન ડીસી એરિયા સ્કૂલોના વિદ્યાર્થીઓએ દેખાવ – પ્રદર્શન કર્યાં હતાં.
ફલોરિડા હાઈ સ્કૂલમાં પાર્કડેલમાં થયેલા હત્યાકંડમાં 17 નાગરિકોનાં મોત થયાં હતાં. આ હત્યાકાંડને એક માસ પૂર્ણ થવા નિમિત્તે ઠેર ઠેર વિવિધ શહેરોમાં શ્રદ્ધાંજલિ અને વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં. આ દિવસે 14મી માર્ચે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ યોજાયેલી કૂચમાં ભાગ લીધો હતો. ન્યુ યોર્કમાં ક્વીન્સમાં એમહર્સ્ટમાં વોલ્ટર એચ. ક્રાઉલી મિડલ સ્કૂલના હોલમાં યોજાયેલા ડિસપ્લેમાં વિવિધ પોસ્ટરો પ્રદર્શિત કરાયાં હતાં, જેમાં એક સ્લોગન હતું ,

‘ગન યુઝ શુડ સીઝ, પ્રમોટ પીસ’. આ પોસ્ટર 13 વર્ષની કૃષ્ણા શાહ અને તેના પાંચ સાથીઓએ બનાવ્યું હતું.
ન્યુ યોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના ભૂતપૂર્વ યુએસ એટર્ની પ્રીત ભરારાએ જણાવ્યું હતું કે મારાં ત્રણ સંતાનોએ આજે યોજાયેલા નેશનલ સ્ટુડન્ટ વોકઆઉટમાં ભાગ લીધો હતો. આ તેઓના શિક્ષણનો એક હિસ્સો હતો.
વિદ્યાર્થીઓના સમર્થનમાં બહાર આવેલા દેશભરના વિવિધ ભારતીય-અમેરિકન અગ્રણીઓમાંના એક અગ્રણી પ્રીત ભરારા છે. ફલોરિડામાં માર્યા ગયેલા 17 નાગરિકોના માનમાં સ્કૂલમાં 17 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
ભારતીય-અમેરિકી વિદ્યાર્થિની કૃષ્ણા શાહે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે મને લાગે છે કે આ ખૂબ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ગન વાયોલન્સ દેશભરમાં થઈ શકે છે અને આપણે પણ તેનો ભોગ બની શકવાની સંભાવના છે. આપણે તે વિશે માહિતગાર રહેવું જોઈએ. આપણે કાયદાનું જ્ઞાન મેળવવું જોઈએ. આ માટે અભિપ્રાય લેવા હું મારા સાથીમિત્રોને જણાવીશ.
ક્વીન્સમાં જમૈકામાં સેન્ટ જોન્સ યુનિવર્સિટીમાં કૃષ્ણાની બહેન સ્નેહી શાહે જણાવ્યું હતું કે ગન વાયોલન્સ એક્ટમાં સુધારો કરવો જોઈએ.

અન્ય એક વિદ્યાર્થી 15 વર્ષના નિમય શુક્લાએ કહ્યું કે એસોલ્ટ રાઇફલ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જ્યારે બમ્પ સ્ટોક પર પણ પ્રતિબંધ આવવો જોઈએ. બંદૂકની ગોળી છોડતી વખતે અવાજ ઓછો કરતાં સાધનોને પણ ગેરકાયદે કરી દેવા જોઈએ. નિમય શુક્લાએ કહ્યું હતું કે બંદૂક પરનો પ્રતિબંધ ‘અવાસ્તવિક’ છે.
દેશભરમાં ભારતીય-અમેરિકન સાંસદો અને ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોએ તેમ જ વિવિધ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા વડાઓએ પણ વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
કેલિફોર્નિયાના કોંગ્રેસમેન એમી બેરા (ડેમોક્રેટ)એ 14મી માર્ચે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે ગન વાયોલન્સના રક્ષણ માટે કડક પગલાં લેવાં જોઈએ, કારણ કે સ્કૂલમાં આપણાં બાળકોની સલામતી રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ દ્વારા દેશભરમાં નીકળેલી કૂચ અને વિરોધ પ્રદર્શનના કારણે હું પ્રભાવિત થયો છું અને આશા છે કે તેઓની આ કાર્યવાહીની અસર થશે.
સેનેટર કમલા હેરિસ (ડી-કેલિફોર્નિયા)એ કહ્યું હતું કે માર્ટિન લ્યુથર કિંગ જ્યારે 26 વર્ષના હતા ત્યારે તેમણે મોન્ટગોમેરી બસ બોયકોટનું નેતૃત્વ કર્યું હતું. જોહન લુઇસ 21 વર્ષના હતા ત્યારે સ્વાતંત્ર્યસેનાની તરીકે મિસિસિપી ગયા હતા. ડાયન નેશ 22 વર્ષના હતા ત્યારે તેમણે નેશવિલેની આગેવાની લીધી હતી. રિપબ્લિકન ચળવળકર્તા અને વર્જિનિયાના બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ પુનિત આહલુવાલિયાએ કહ્યું કે હવે હદ થાય છે, અત્યાર સુધીમાં 14 હજાર બાળકોનાં મોત થયાં છે. તેમણે ગન વાયોલન્સથી મોતને ભેટેલી વ્યક્તિઓનો આંકડો આપ્યો હતો.
આહલુવાલિયા હાઈ સ્કૂલ જતી વિદ્યાર્થિનીના પિતા છે. તેમણે કહ્યું હતું કે આપણે કાયદામાં સુધારા કરવાની માગ સાથે બહાર આવવું જોઈએ. કોંગ્રેસમેન પ્રમીલા જયપાલ (ડી-વોશિંગ્ટન)એ સ્થાનિક વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે બેલાર્ડ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાનો અવાજ બુલંદ કરવા માટે ભેગા થયા હતા. આપણે બહાર આવીને તેમને સાંભળવા જોઈએ. નેશનલ વોકઆઉટ ડે, એન્ડ ગન વાયોલન્સ. એરીઝોનાનાં કોંગ્રેસનાં ઉમેદવાર હીરલ ટિપિરનેનીએ કહ્યું કે ગન વાયોલન્સ પબ્લિક હેલ્થ ઇશ્યુ છે અને તેનો ઉકેલ લાવવો જોઈએ.

ભૂતપૂર્વ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સિવિલ રાઇટ્સ ડિવિઝન ચીફ વનિતા ગુપ્તા હાલમાં વિશાળ સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનન પ્રેસિડન્ટ છે. તેમણે ગન સેફટી લેજિસ્લેશન પસાર કરવા માટે કોંગ્રેસને અનુરોધ કર્યો હતો. મોન્ટગોમેરી કાઉન્ટી કાઉન્સિલમાં એટ-લાર્જ સીટના ઉમેદવાર અશ્વની જૈન ‘નેવર અગેઇન સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝિંગ વર્કશોપ’ પોસ્ટલ લઈને ઊભા હતા. આ કૂચ 18મી માર્ચે મિડલ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી.
(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)