શામળાજી સંગ્રહાલય

0
1863

અમદાવાદથી 125 કિ.મી. દૂર નેશનલ હાઈવે નં. આઠ ઉપર ભીલોડાથી 25 કિ.મી. અને મોડાસાથી 29 કિ.મી. દૂર શામળાજીનું તીર્થસ્થળ આવેલું છે. અરવલ્લી ગિરિમાળા અને ખીણપ્રદેશની વચ્ચે આવેલું આ સ્થળ સાબરકાંઠા જિલ્લાના ભીલોડા તાલુકામાં આવેલું છે.
આ તીર્થસ્થળનું પ્રખ્યાત શામળાજીનું મંદિર ભગવાન વિષ્ણુનું મંદિર છે. મેશ્વો નદીને કાંઠે આવેલા આ સ્થળ માટે એવું કહેવાય છે કે બ્રહ્માજી પૃથ્વી ઉપર તીર્થસ્થળ માટે યોગ્ય જગ્યા શોધવા નીકળ્યા ત્યારે ઘણી જગ્યાઓ ફર્યા પછી આ સ્થળ તેમને ખૂબ જ ગમી ગયું. અહીં બ્રહ્માજીએ વર્ષો સુધી તપ કર્યું, જેનાથી શિવજી પ્રભાવિત થયા અને યજ્ઞ કરવા કહ્યું. યજ્ઞ કરતાં પહેલાં ભગવાન વિષ્ણુએ શામળાજીનું રૂપ ધારણ કર્યું અને કાયમી આ જગ્યાએ સ્થાપિત થઈ ગયા.
અદ્ભુત કોતરણી ધરાવતા આ શામળાજી મંદિરની બાજુમાં જ શામળાજી સંગ્રહાલય આવેલું છે.
સ્થાપનાઃ ગુજરાત સરકારના સંગ્રહાલય ખાતા દ્વારા સંચાલિત આ સંગ્રહસ્થાનની સ્થાપના 1992માં થઈ છે. મેશ્વો નદીને કાંઠે દેવની મોરી ગામ પાસે વર્ષ 1950-60માં ઉત્ખનન કરતાં 60 હજાર વર્ષ પૂર્વેનાં પાષાણયુગનાં ઓજારો મળી આવ્યાં. વળી, ખેડબ્રહ્માનાં પોશીના, બાયડ તથા પાટણ, ખેડચાંદરણી અને બનાસકાંઠા-મહેસાણા જિલ્લાના પ્રાચીન નમૂનાઓનો પણ સમાવેશ થાય છે.
સંગ્રહઃ અહીં સંગ્રહિત નમૂનાઓને કુલ ચાર વિભાગોમાં વહેંચીને પ્રદર્શિત કરવામાં આવ્યા છેઃ (1) હિન્દુ ગેલેરી (2) જૈન ગેલેરી (3) નૃવંશશાસ્ત્ર વિભાગ (4) દેવની મોરી વિભાગ.
હિન્દુ ગેલેરીમાં ચોથી, પાંચમી, સાતમી, આઠમી, બારમી, તેરમી, સત્તરમી અને અઢારમી સદીમાં બનેલી દેવોની મૂર્તિઓ છે. સાતમી સદીની ખાપા ગામમાંથી (બનાસકાંઠા જિલ્લો) મળેલી શેષશાયી વિષ્ણુની મૂર્તિ અને શામળાજીમાંથી પ્રાપ્ત યક્ષની ચોથી સદીની મૂર્તિ પ્રદર્શિત છે. આ ઉપરાંત શામળાજીમાંથી મળેલી વિષ્ણુની બારમી તેરમી સદીની પ્રતિમા, કુબેરની આઠમી સદીની મૂર્તિ તથા કાર્તિકેયની ચોથી સદીની મૂર્તિ હિન્દુ ગેલેરીમાં પ્રદર્શિત કરેલી છે.
જૈન ગેલેરી વિભાગમાં વૃષભદેવ, પાર્શ્વનાથ, નેમીનાથ, કુન્થુુનાથ જેવા તીર્થંકરો તથા વડાલીમાંથી મળેલા ચંદ્રપ્રભુ, રાજવી, વાસુપૂજ્ય, શ્રીવત્સ વગેરે મૂર્તિઓનો સમાવેશ થાય છે.
નૃવંશશાસ્ત્ર વિભાગમાં સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારના આદિવાસી લોકોનાં ચાંદીનાં, લાખનાં તથા મોતીનાં હાથ, પગ, કમર, ડોક અને માથામાં પહેરવાનાં પરંપરાગત ઘરેણાંઓના નમૂનાઓ છે. વળી કેટલાંક વાદ્યો તથા સાધનો ઉપરાંત તીરકામઠાં, દળવાની ઘંટીઓ પણ પ્રદર્શિત કરેલાં છે.
શામળાજીથી બે કિ.મી. દૂર આવેલા દેવની મોરીમાં ઉત્ખનનમાંથી પ્રાપ્ત નમૂનાઓ
દેવની મોરી વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવેલા છે. આ ઉપરાંત તેને લગતાં ચિત્રો કે મોડેલો બનાવીને પણ મૂકવામાં આવ્યાં છે. અહીં બુદ્ધની ધ્યાનની મુદ્રાની મૂર્તિ, બુદ્ધના અવશેષોમાં બ્રાહ્મી લિપિમાં લખેલા દાબડાઓ ઉપરાંત અસલ સોનાના નમૂનાઓ, ચાંદી, તાંબાના સિક્કાઓ તથા જસત અને સીસાના નમૂનાઓ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ સંગ્રહાલય કલાના ઐતિહાસિક મહત્ત્વની દષ્ટિએ કેટલાક અતિમૂલ્યવાન નમૂના, પથ્થરનાં શિલ્પો, પાષાણયુગના નમૂનાઓ, પ્રાચીન માટીના નમૂનાઓનો સંગ્રહ ધરાવે છે. આદિવાસી પ્રજાની સંસ્કૃતિની ઝાંખી પણ પ્રાપ્ત થાય છે. આ સંગ્રહાલય સાબરકાંઠા તથા બનાસકાંઠા વિસ્તારની પુરાવસ્તુકીય, ઐતિહાસિક, સામાજિક તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રની માહિતી આપતું શિક્ષાકેન્દ્ર બની રહ્યું છે.
સંપર્કઃ શામળાજી સંગ્રહાલય, તા. ભીલોડા, જિ. સાબરકાંઠા, પીનકોડ – 383355
ફોનઃ 02771-240202
સમયઃ 10.30થી 5.30. બુધવારે રજા તથા
બીજા-ચોથા શનિવાર અને સરકારી જાહેર રજાએ બંધ.
પ્રવેશ ફીઃ 1/-

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.