શાંતિ, સંવાદિતા અને એકતા એ દેશના વિકાસ માટેની પૂર્વશરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હીઃ દેશના વિકાસ માટે શાંતિ, સંવાદિતા અને એકતા એ દેશના વિકાસ માટેની પૂર્વશરત છે, એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપના સાંસદોને કહ્યું હતું કે તેઓ શબ્દો, મન અને કાર્યોથી સમાજમાં સોહાર્દ-મિત્રતા સુનિશ્ચિત કરવા માટે આગેવાની લે. તેમની આ ટિપ્પણી વિપક્ષ દ્વારા દિલ્હી હિંસા બાબતે સતત ટીકા બાદ આવી છે.

ભાજપના સંસદીય પક્ષની બેઠકને સંબોધન કરતાં તેમણે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહની પણ નિંદા કરી હતી અને કહ્યું હતું કે પૂર્વ વડા પ્રધાનને ‘ભારત માતા કી જય’ જેવા નારામાં પણ ગંધ આવે છે અને એને શંકાની નજરે જુએ છે.

તાજેતરમાં એક કાર્યક્રમમાં ડો. મનમોહન સિંહે કહ્યું હતું કે ‘ભારત માતા કી જય’ના નારાનો ભારતના આતંકવાદી અને સંપૂર્ણ ભાવનાત્મક વિચારના નિર્માણ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં લાખો લોકો અને નાગરિકોને બાકાત રાખવાનો વિચાર છે.

ડો. મનમોહન સિંહની ટિપ્પણીનો ઉપયોગ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંધબારણે થયેલી મીટિંગમાં કહ્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ‘વંદે માતરમ્’ પર સમાન વિવાદો ઊભા થયા હતા અને એને ગાવાને ગુનો માનવામાં આવતું હતું, જેમાં ઘણા લોકોએ કોંગ્રેસની બેઠકો છોડી દીધી હતી. 

આ કમનસીબ અને દુઃખની વાત છે કે આઝાદીનાં ૭૦ વર્ષ બાદ ‘ભારત માતા કી જય’ જેવા નારા લગાવવાને ગુના તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે વડા પ્રધાનપદ સંભાળનારી વ્યક્તિ આમ કહી રહ્યા છે એમ મોદીએ કહ્યું હતું.