
આ વખતના નોબેલ પારિતોષિક માટે અનેક રાષ્ટ્રોના નેતાએ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સ્પર્ધામાં છે્. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સુલેહ અને શાંતિપૂર્ણ સંબંધો સ્થાપવાની પ્રક્રિયામાં મદદ કરનારા નેતા તેમજ ઈથિયોપિયા અને એરિટ્રિયા વચ્ચે શાંતિ અને સુલેહનું વાતાવરણ સ્થાપવાની કામગીરીની શરૂઆત કરનારા વિશ્વના અગ્રણીઓના નામ પણ આ લિસ્ટમાં સમાવવામાં આવ્યા છે. પુરસ્કાર માટે વ્યક્તિના નામની પસંદગી કરનારી નોર્વેની પાંચ સભ્યોની પુરસ્કાર સમિતિ સમક્ષ આ વરસે અનેક વિકલ્પો ખુલ્લા છે. આગામી શુક્રવારના દિવસે ઓસ્લોમાં જહેર થનારા નોબેલ શાંતિ પુરસ્કારના સંભવિત હકદારો- ઉમેદવારોના લિસ્ટમાં આશરે 331 વ્યક્તિઓ અને સંગઠનના નામો સામેલ છે. આ સૂચિ અંગે ખૂબ જ ગુપ્તતા જાળવવામાં આવે છે. છેલ્લા 70 વરસોમાં સૌ પ્રથમવાર સ્વીડિશ એકેડેમીએ આ વરસે સાહિત્યનું નોબેલ પારિતોષિક સ્થગિત કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી. જેને કારણે હવે લોકોને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર કોને મળશે એ જાણવામાં ઉત્સુકતા વધી રહી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન તેમજ દક્ષિણ કોરિયાના રાષ્ટપતિ મૂનમ જેઈ ઈન પણ સંભવિત દાવેદારો છે્. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના પ્રમુખ ડેન સ્મિથના જણાવ્યા અનુસાર, માનવ અધિકારને લક્ષમાં રાખીએ કિમ જોંગ ઉનનો રેકોર્ડ એમનું સમર્થન નથી કરતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક સ્તરે લીધેલા નિર્ણયો અંગે વાત કરતા ડેન સ્મિથે જણાવ્યું હતું કે, ટ્રમ્પને શાંતિ પુરસ્કાર આપવાનું યોગ્ય નહિ ગણાય કારણ કે પેરિસ જળ-વાયુ સમજૂતી અને ઈરાન સાથેની પરમાણુ સમજૂતીથી અમેરિકાને બાકાત કરવાનો ટ્રમ્પનો નિર્ણય નકારાત્મક રહયો હતો.