શાંતિની અપીલ કરી ટ્રમ્પે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા ટાળી

Official portrait of President Donald J. Trump, Friday, October 6, 2017. (Official White House photo by Shealah Craighead)

વોશિંગટનઃ કુધ્સ ફોર્સના પ્રુમખ મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન સાથે વધેલા વિવાદ અને તણાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું.
વ્હાઇટ હાઉસથી જ્યારે ટ્રમ્પે સંબોધન શરૂ કર્યું તો એવું લાગ્યું કે તેઓ ઈરાનને લઈ મોટી જાહેરાત કરી શકે છે. જોકે એવું કંઈ જ ન થયું. સંબોધન દરમિયાન ટ્રમ્પ ખૂબ શાંત દેખાયા. તેમણે ઈરાનની સાથે શાંતિથી રજૂઆત કરીને દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા. ઈરાનને શાંતિની અપીલ કરી ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા ટાળી છે.
ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઈરાનના હુમલાનો જવાબ આપવાને બદલે કોઈ બીજા વિકલ્પ વિશે વિચારી રહ્યા છીએ. ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદીને દંડ કરીશું. ટ્રમ્પના આ નિવેદનથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ત્રીજા વિશ્વયુદ્ઘની ચર્ચા હાલ શાંત થઈ ગઈ છે. તેમના આ નિવેદનને પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નેતાઓને સંદેશ આપતાં કહ્યું હતું કે અમેરિકા તમામ દેશોની સાથે શાંતિ ઇચ્છે છે, જે માટે તેઓ તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ઈરાનના નેતાઓ અને લોકો માટે અમે સારા ભવિષ્યની કામના કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આપનું ઉજ્જવળ ભવિષ્ય હોઈ જેના તમે હકદાર છો.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયેલા કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનો બદલો લેવા માટે બુધવાર સવારે ઈરાને ઈરાકમાં આવેલા અમેરિકન એરબેઝ પર ૨૨ મિસાઇલોથી હુમલો કર્યો હતો. ઈરાને દાવો કર્યો હતો કે આ હુમલામાં ૮૦ અમેરિકન સૈનિકોનાં મોત થયાં છે. જોકે, અમેરિકાએ ઈરાનના આ દાવાને ફગાવી દીધો છે.