શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટઃ ભારતે ચીનનો પ્રોજેકટ નકાર્યો

કિંગડાઓઃ ભારતે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)માં ચીનના મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને સમર્થન ન આપીને મક્કમ વલણ દર્શાવ્યું છે. જોકે આ ઓર્ગેનાઇઝેશનના અન્ય દેશો રશિયા, પાકિસ્તાન, કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાખસ્તાને ચીનને સમર્થન આપ્યું છે. ચીને આ પ્રોજેક્ટ માટે ૮૦ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સમજૂતી કરી છે, પણ ભારતે તેમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે.
એસસીઓના બે દિવસીય સંમેલનના સમાપન પછી ઘોષણાપત્ર જારી કરાયું હતું. ચીનના વન બેલ્ટ વન રોડ વિશે આડકતરી ટિપ્પણી કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોઈ પણ મોટા પ્રોજેક્ટમાં સભ્યદેશોના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સન્માન થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારત વન બેલ્ટ વન રોડનો સતત વિરોધ કરે છે, કારણ કે ચીનના પ્રમુખ શી જિનપિંગના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો એક ભાગ ૫૦ અબજ ડોલરના ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થાય છે.
દરમિયાન એસસીઓ શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પ્રમુખ મમનુન હુસેન સાથે હાથ મિલાવ્યા હતા અને ટૂંકી વાતચીત પણ કરી હતી. બન્ને નેતાઓએ ૧૮મી શિખર પરિષદમાં ભાગ લીધો હતો. આઠ સભ્યોના આ સંગઠનના સભ્યદેશો વચ્ચે વિવિધ સમજૂતી પર હસ્તાક્ષર પછી બન્ને નેતાઓએ હાથ મિલાવ્યા હતા.
આ અગાઉ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ભાગ લેવા આવેલા મોદીનું જિનપિંગે ઉમળકાથી હસ્તધૂનન કરી સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન મોદીએ અને જિનપિંગે વુહાનમાં યોજાયેલી અનૌપચારિક બેઠકમાં લીધેલા નિર્ણયની ચર્ચા કરી હતી. બન્ને નેતાઓની ચાર વર્ષમાં આ ૧૪મી મુલાકાત છે.
મોદી અને જિનપિંગે બ્રહ્મપુત્રા નદીના ડેટાની આપલે કરતા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે આ બેઠકને સફળ ગણાવતાં કહ્યું કે ભારત અને ચીનની બેઠક ઘણી હકારાત્મક રહી છે. મોદી અને જિનપિંગે અફઘાનિસ્તાનમાં નવી યોજનાની શક્યતાઓ શોધી એ દિશામાં સંયુક્તપણે આગળ વધવાની સંમતિ દર્શાવી હતી. જિનપિંગે મોદીને ૨૦૨૦ સુધી ૧૦૦ અબજ ડોલરના દ્વિપક્ષી વેપારનું લક્ષ્ય રાખવાનું સૂચવ્યું હતું.