શહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન


મરણોત્તર શહીદોની સેવાની અનોખી પહેલ કરનાર સાક્ષરભૂમિની દીકરી વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આપણા સમાજમાં એવી કેટલીય વ્યક્તિઓ છે, જે કોઈ પણ જાતના ભેદભાવ વિના નિઃસ્વાર્થભાવે સમાજ અને દેશની સેવા કરતી હોય છે. આવી જ નડિયાદની દીકરી વિધિ જાદવ છે, જે દેશમાં કોઈ પણ રાજ્યમાં સરહદ ઉપર સૈનિક શહીદ થાય ત્યારે તેના ઘેર પહોંચી તેના કુટુંબીજનોને સાંત્વન આપી તેઓને આર્થિક સહયોગ આપવાની પ્રવૃતિ છેલ્લાં ચાર વર્ષથી કરે છે. તે ખરેખર સરાહની અને અભિનંદનીય કાર્ય છે.
નડિયાદમાં ધોરણ ૧૧મા અભ્યાસ કરતી વિધિ જાદવ જ્યારે ધોરણ છમાં અભ્યાસ કરતી હતી ત્યારથી આ પ્રવૃત્તિ કરી રહી છે. દેશના દરેક રાજ્યમાં શહીદોની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં તે રાજ્યના મુખ્યમંત્રી કે રાજ્યપાલ સાથે વિધિ જાદવને અવશ્ય બોલાવવામાં આવે છે.
વિધિના પિતાએ જણાવ્યું હતું કે વિધિ છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે ટીવી પર એક કુટુંબના સભ્યો, સ્ત્રીઓ અને બાળકોને આક્રંદ કરતાં જોઇ પોતાના મને પ્રશ્ન કર્યો કે આ લોકો કેમ રડે છે. ત્યારે મે તેને જવાબ આપ્યો કે બેટા, તેમના પિતા શહીદ થઈ ગયા છે.
વિધિ જાદવે પૂછ્યું કે પપ્પા શહીદ એટલે શું? મે દિકરીને વિસ્તારથી સમજાવ્યું. દેશની રક્ષા માટે મૃત્યું પામનાર વિરને શહીદ કહેવામાં આવે છે.
માત્ર અગિયાર વર્ષની આ દીકરીએ ત્યારથી મનોમન નક્કી કરી નાખ્યું કે મારે શહીદો માટે કંઈક કરવું જોઈએ. તે સમયથી આજદિન સુધીમાં વિધિએ એક હજાર કરતાં પણ વધારે શહીદ કુટુંબોની મુલાકાત લઈ તેમને આર્થિક સહયોગ કર્યો છે.
પોતાનાં માતા-પિતાની સહાય અને સમાજના લોકો દ્વારા પણ તેને સહયોગ મળી રહે છે. રૂણ કન્યા છાત્રાલયમાં વિધિનું સંસ્થાના પ્રમુખ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના અગ્રણીઓ, અસ્મિતા અભિવાદન સમિતિના પ્રમુખ ગૌતમ બ્રહ્મભટ્ટ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.