શરિયા કાયદો નહીં, સત્તામાં ભાગ આપો : પંજશીરના જાંબાઝ યોદ્ધાઓ

 

કાબુલઃ અફઘાનિસ્તાન પર કબ્જો કરી લેનાર તાલિબાનને પંજશીર પ્રાંત હજુ પણ હંફાવી રહ્યો છે. પંજશીરના જાંબાઝ યોદ્ધાઓએ શરિયા કાયદો નહીં થોપવા સહિતની શરતોએ સંવાદની તૈયારી બતાવી હોવાનું જાણવા મળે છે. તાલિબાન સામે માથું ભરાવતા જંગ લડી રહેલા પંજશીર પ્રાંતના નોર્ધન એલાયન્સના  યોદ્ધાઓએ સત્તામાં ભાગીદારીની શરત પણ રાખી છે. એક અહેવાલ અનુસાર, બંને વચ્ચે સત્તાની વહેંચણી અંગે વાતચીતનો દોર શરૂ પણ થઈ ગયો છે. પંજશીરનું નોર્ધન એલાયન્સ અફઘાનમાં લોકતંત્ર સ્થાપવાના પ્રયાસ કરી રહ્યું છે. ‘પંજશીરના શેર’ ગણાતા અહમદશાહ મસૂદના ભાઈ અહમદવલી મસૂદે કહ્યું હતું કે, અમે સત્તાની વહેંચણીની સમજૂતી ઈચ્છીએ છીએ. સત્તામાં ભાગીદારીથી માત્ર તાલિબાનનું જ વર્ચસ્વ નહીં રહે અને તમામ વર્ગોને સન્માન મળી શકશે. મસૂદના મત મુજબ, તાલિબાન શરિયા કાયદો લાવવા માગે છે, તો ભલે લાવે, પરંતુ બળજબરીપૂર્વક કોઈ પર થોપી નહીં શકે.