
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમ પર આઈડીૃ સીબીઆઈ દ્વારા સકંજો કસવામાં આવ્યો, વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી , હાલમાં ચિદંબરમ સીબીઆઈની કસ્ટડીમાં છે. ચિદંબરમે પોતાના હોદા્નો દુરુપયોગ કર્યો,ભ્રષ્ટાચારથી નાણાં મેળવી વિદેશોમાં મિલકતો વસાવી એવા અનેક આરોપો તેમના પર મૂકવામાં આવ્યા છે. હવે મહારાષ્ટ્રના વગદાર- પીઢ નેતા શરદ પવાર ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે. મુંબઈ હાઈકોર્ટે પેલીસને મહારાષ્ટ્ર સ્ટેટ કો. ઓ. બેન્કમાં થયેલા રૂા. 1000 કરોડના કૌભાંડ સંદર્ભે એનસીપીના પ્રમુખ શરદ પવાર , તેમના ભત્રીજા અજીત પવાર સહિત કુલ 70 જણાની વિરુધ્ધ પાંચ દિવસની અંદર એફઆઈઆર નોંધવાનો આદેશ આપતાં મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશના રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. જસ્ટીસ એસ. સી. ધર્માધિકારી અને જસ્ટીસ એસ. કે. શિંદેની બેન્ચે પ્રથમ દ્રષ્ટિએ તેમની વિરુધ્ધ પુરાવા હોવાનું નોંધ્યું છે. તેના આધારે જ સંબંધિત કાનૂન હેઠળ તેમણે પોલીસને આગળની કાર્યવાહી માટે આદેશ કર્યો હતો.
મુંબઈના એક કાર્યકર સુરિન્દર એમ. અરોરાએ કરેલી જનહિતની અરજીમાં બન્ને પવાર તેમજ એનસીપીના અધ્યક્ષ જયંત પાટીલ સહિત અનેક જાણીતા નેતાઓ, રાજકીય સરકારી તેમજ બેન્કના અધિકારીઓના નામ શામેલ છે. ઉપરોક્ત તમામ વ્યક્તિઓ પર 2007થી 2011ના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ કો. ઓ. બેન્કને 1000 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે. આ અગાઉ એક મહારાષ્ટ્ર કો. ઓ. સોસાયટી એકટ હેઠળ સેમી- જયુડિશિયલ ઈન્કવાયરી કમિટીએ આ નુકસાન માટે પવાર તેમજ અન્ય લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.
નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ( નાબાર્ડ) દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ ખુલાસો થયો હતો કે, કાંડની મિલો અને કપાસની જીનિંગને બેન્કીંગ તેમજ રિઝર્વ બેન્કના નિયમોનું ઉલ્લંઘન કરીને લોનની વહેંચણી કરવામાં આવી હતી. આ લોનો પરત કરવામાં આવી નથી.