શબ્દ એક અર્થ અનેક, અર્થ એક શબ્દ અનેક

0
15275

ભાષા પાણીની જેમ પ્રવાહી અને પરિવર્તનશીલ હોય છે, એટલે એના શબ્દો અને એ શબ્દોના અર્થ પણ સમયે-સમયે બદલાતા રહે છે. ક્યારેક એક જ શબ્દના અનેક અર્થ થતા હોય છે. જેમ કે ‘વાર’ શબ્દના અર્થ જોઈએ તો 1. દિવસ (આજે કયો વાર છે?), 2. વિલંબ (હજી કેટલી વાર લાગશે?), 3. પ્રહાર (તલવારનો વાર), 4. લંબાઈનું જૂનું એક માપ (કાપડના એક તાકામાં કેટલા વાર કાપડ હોય?) વગેરે. ક્યારેક અનેક અર્થ માટે એક જ શબ્દ વપરાતો હોય છે, જેમ કે સૂર્ય માટે રવિ, પ્રભાકર, દિનકર, અરુણ, ભાનુ, ભાણ, ભાસ્કર, સૂરજ જેવા અનેક શબ્દો પ્રયોજાય છે. અલબત્ત, ક્યારેક એમાં એના સૂક્ષ્મ અર્થભેદ જરૂર હોય છે. જેમ કે હવા માટે પવન, વાયુ, મારુત વગેરે શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ, પરંતુ ‘હવા’ ‘પવન’ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. કુદરતી હવાને આપણે પવન કે વાયુ કહીશું, પરંતુ ઇલેક્ટ્રિક પંખા (ફેન)ની હવાને આપણે હવા જ કહીશું. પંખાનો પવન કે ફેનનો વાયુ નહિ કહીએ. આવા સૂક્ષ્મ અર્થભેદ જાણવા, સમજવા અને સમજપૂર્વક પ્રયોજવા એમાં જ ભાષાકૌશલ રહેલું છે ને!

માત્ર લેખકો અને સર્જકો કે સાહિત્યકારો માટે જ નહિ, પણ સામાન્ય વાચક માટે પણ ભાષાના સૂક્ષ્મ અર્થભેદ સમજવા આવશ્યક હોય છે, કારણ કે ભાષાનો ઉપયોગ દરેક વ્યક્તિ કોમ્યુનિકેશનના માધ્યમ તરીકે કરતી હોય છે. સામાન્ય વ્યવહાર ઉપરાંત શિક્ષણના અનેક વિષયનાં જ્ઞાન-માહિતી આપણે ભાષા દ્વારા જ મેળવતા હોઈએ છીએ!
દરેક ભાષા પાસે પોતાનું શબ્દભંડોળ હોય છે. એ શબ્દભંડોળ સાથે જે તે દેશ અને પ્રદેશની સાંસ્કૃતિક ભૂમિકા પણ જોડાયેલી હોય છે. આમ શબ્દ એ સંસ્કૃતિનો પ્રતીક પણ હોય છે, અને એ શબ્દમાં એ પ્રદેશની સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ ઝિલાયેલું હોય છે.
ભાષા શસ્ત્ર પણ છે અને શાસ્ત્ર પણ છે. જો એ શાસ્ત્ર બને તો જ્ઞાન આપે, આપણા જીવનમાં ઉજાસ પાથરે. ક્યારેક કોઈ કામ બળથી, પરાક્રમથી કે ધન-સંપત્તિથી ન થતું હોય, પણ પ્રેમપૂર્વક ભાષાના પ્રયોગથી એ કામ આસાન બની જતું હોય છે! ભાષા શસ્ત્ર પણ છે. આપણે ત્યાં કહેવાય છે કે તલવારના ઘા તો રુઝાઈ જાય છે, પણ વાણીના ઘા એટલે કે ભાષા દ્વારા થયેલા ઘા જલદી રુઝાતા નથી. શબ્દ દ્વારા સન્માન પણ થાય છે અને અપમાન પણ થાય છે. ભાષા દ્વારા માણસના સંસ્કાર પ્રગટ થતા હોય છે. કોઈ અંધ વ્યક્તિને ‘આંધળો’ કહેવો કે એને ‘પ્રજ્ઞાપુરુષ’ કહેવો એ બે શબ્દોમાં બોલનારની સંસ્કારિતા પ્રતિબિંબિત થતી હોય છે. તોછડી, કડવી અને અભદ્ર ભાષા માણસને સંસારમાં અપ્રિય બનાવે છે, જ્યારે મીઠી વાણી એને સર્વોચ્ચ સ્થાને સન્માનિત રૂપે બેસાડી શકે છે.

આજે અહીં મારે એક જ શબ્દના વિવિધ અર્થ વિશે સંક્ષેપમાં થોડીક વિગત રજૂ કરવી છે.
ગુજરાતી ભાષામાં એક શબ્દ છે ‘કાળ’ અથવા ‘કાલ’. આ એક જ શબ્દ અનેક અર્થચ્છાયાઓ ધરાવે છે. જેમ કે કાળ એટલે સમય. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ.
એ જ રીતે કાળ – કાલ એટલે દિવસ. ગઈ કાલ અને આવતી કાલ માટે પણ કાલ શબ્દ વપરાય છે. અહીં વીતેલા દિવસ અને આવનારા દિવસ માટે અનુક્રમે ‘ગઈ કાલ’ અને ‘આવતી કાલ’ શબ્દ પ્રયોજાયો છે.
કાલ એટલે મૃત્યુ એવો અર્થ પણ ખાસ સંદર્ભમાં આપણને જોવા મળે છે. ‘રસ્તે જતા રાહદારીને એક ધસમસતી ટ્રક અથવા બસ ‘કાળ’ બનીને ભરખી ગઈ’ એમ કહેવામાં આવે છે ત્યારે ‘કાળ’ એટલે મૃત્યુ કે યમદૂત એવો અર્થ સમજવાનો હોય છે.
જૈન ધર્મમાં કોઈ સાધુ મહારાજ કે સાધ્વીજી મહારાજ મૃત્યુ પામે ત્યારે તેઓ કાળધર્મ પામ્યાં એમ કહેવાય છે. આ ‘કાળધર્મ’ મારો અત્યંત પ્રિય શબ્દ છે. સમયનો પણ એક ધર્મ હોય છે અને જીવનનો અંત એ સમયનો ધર્મ છે. એને કાળધર્મ કહેવાય છે
તો ક્યારેક કાલ એટલે ‘ક્યારેય નહિ’ એવો અર્થ પણ સમજવાનો હોય છે, જેમ કે કોઈ દુકાન પર બોર્ડ માર્યું હોય કે ‘આજે રોકડા કાલે ઉધાર!’ તો એનો અર્થ સ્પષ્ટ છે કે આજે ખરીદી કરવી હોય તો રોકડા પૈસા આપો. ઉધાર અહીં ક્યારેય મળશે નહિ, કારણ કે આવતી કાલ ક્યારેય આવતી નથી. આવતી કાલ જ્યારે આવે છે ત્યારે ત ે‘આજ’ બનીને જ આવતી હોય છે.
કાળ અને કાલ વિશે ગુજરાતી ભાષામાં કેટલીક માર્મિક કહેવતો પણ છે, જેમ કે ‘કાળ જાય, પણ કલંક ન જાય’, ‘કાળ જાય અને કહેણી રહી જાય’, ‘કાળના કોદરાય ભાવે!’, ‘કાલ કોણે દીઠી છે?’, ‘કાલનું કામ આજે કરો, આજનું કામ અત્યારે જ!’
તો કવિ નિરંજન ભગત જેવા કવિ કાવ્ય લખે છે કે ‘કાળની કેડીએ ઘડીક આપણો સંગ…’
એક જાણીતો શબ્દપ્રયોગ છે, ‘કાળમુખું’. કાળમુખું એટલે અશુભ અથવા અપશુકનિયાળ ચહેરાવાળું.
કાળનો એક અર્થ ‘સમય’ આપણે જાણ્યો. માણસે સમયનાં પણ ચોસલાં પાડ્યાં અને ચોઘડિયાં બનાવ્યાં. દિવસનાં ચોઘડિયાં જુદાં અને રાતનાં ચોઘડિયાં જુદાં! એમાં એક ચોઘડિયું એટલે કાળ ચોઘડિયું. કાળ ચોઘડિયું અશુભનો સંકેત દર્શાવનારું ચોઘડિયું છે. ‘અશુભ’ નામનું એક ચોઘડિયું પણ છે, પરંતુ કાળ ચોઘડિયું પણ અશુભ મનાય છે! કોઈ મંગલ કે સારું કામ લોકો કાળ ચોઘડિયામાં કરવાનું ટાળે છે.

ક્યારેક કાળ શબ્દનો અર્થ ભયાનક અથવા ખતરનાક એવો પણ થતો હોય છે, જેમ કે કાળરાત્રિ. ‘કાળભૈરવ’ નામનો એક ખતરનાક રાક્ષસ પણ હતો. ઉનાળાની ‘કાળઝાળ ગરમી’ એ પ્રયોગમાં પણ ખતરનાક અને દાહક વાતાવરણનો અર્થ છુપાયેલો છે.
આમ શબ્દો સાથે રમવાનું આપણને ખૂબ ગમે છે, જોકે કોઈને એ નથી સમજાતું કે શબ્દો આપણને રમાડે છે કે આપણે શબ્દોને રમાડી છીએ!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.