શબ્દને કોઈ તિજોરી કે કબાટમાં રાખવાની જરૂર હોતી નથી…’

0
1868

છે શબ્દ તો શબ્દનેય હાથપગ હશે…‘ એવી કવિ કલ્પના પછી તો ઘણી આગળ ચાલે છે. દરેક શબ્દને એનો આત્મા હોય છે. અરે, આપણાં શાસ્ત્રોમાં તો શબ્દ એટલે ‘બ્રહ્મ’ – આ રીતે જોઈએ તો શબ્દ સ્વયં ભગવાન ગણી શકાય. અલબત્ત, ડિક્શનરીના અર્થમાં જોઈએ તો શબ્દની વ્યાખ્યા મુજબ શબ્દ એટલે અવાજ અથવા ધ્વનિ, વચન અથવા બોલ કે રવ એવા અર્થ થયા છે. આ તમામ શબ્દોની અર્થછાયા વિશાળ છે. દરેક શબ્દની વ્યુત્પતિ હોય છે, દરેક શબ્દનાં મૂળિયાં હોય છે અને પ્રત્યેક શબ્દની વિકાસયાત્રા હોય છે. આ થકી શબ્દનું એક વટવૃક્ષ આકાર લેતું હોય છે જે ભાષાને સમૃદ્ધ કરે છે, ભાષાને નવું જોમ આપે છે. અવ્યાખ્યાયિત લાગતી બાબતોને ચોક્કસ આકાર કે ઘાટ આપવાનું કામ કરે છે.
પરંપરાગત રીતે આપણા ગુજરાતી સમાજમાં વૈભવ એટલે શું? ધન, કીર્તિ કે ભૌતિક સુખસગવડો, માલમિલ્કત એના સમૂહ કે જથ્થાને આપણે વૈભવ કહીએ છીએ, પરંતુ આપણે જે ભાષા બોલીએ છીએ એ અનેક શબ્દોની બનેલી હોય છે. શબ્દનો વૈભવ એ પણ કંઈ નાનીસૂની બાબત નથી. બલ્કે શબ્દના વૈભવમાં મહાલવું એ પણ સુખ અને આનંદની અનુભૂતિ કરાવતું પરિબળ છે.
શબ્દ લેખિત સ્વરૂપમાં કોઈ લિપિ કે આકાર સ્વરૂપે હોઈ શકે, વાણી કે બોલી સ્વરૂપે પણ વ્યક્ત થઈ શકે. ટાઇપરાઇટર કે કોમ્પ્યુટર થકી પણ એનું અવતરણ થઈ શકે. આજના જમાનામાં ‘એસએમએસ’ કે ‘ઈ-મેઇલ’ થકી પણ શબ્દનો વ્યવહાર ચાલતો રહે છે. આમ શબ્દની લીલા પણ ‘જૂજવે રૂપે અનંત ભાસે’ એ પંક્તિની માફક વિવિધ આયામો અને અવનવી અભિવ્યક્તિઓ થકી વ્યક્ત થતી રહે છે. શબ્દની સફર નિરાળી છે. શબ્દ સ્વયં વિહરી શકે છે, શબ્દની સાથે ચાલવું કે શબ્દ થકી જીવવું એ પણ એક આગવી જીવનકલા હોય છે.
આપણે ત્યાં ‘બાર ગાઉએ બોલી બદલાય’ એવી ઉક્તિ પ્રચલિત છે એ શબ્દનો વૈભવ કેટલો વ્યાપક છે એની ખાતરી કરાવે છે. શુદ્ધ ગુજરાતીમાં સામાન્ય રીતે કોઈ પણ માણસને આપણે પૂછીએ કે ‘કેમ છો?’ તો એ કહેશે ‘મજામાં.’
આ જ પ્રશ્ન સૌરાષ્ટ્ર બાજુના કોઈ જણને પૂછીએ કે ‘ભાઈ શું હાલે?’
તો લહેકાથી એ જવાબ આપશે કે ‘બસ ટહુકા છે!’ આમાં ભાષાની નજાકત છે. હવે આ જ પ્રશ્ન આપણે કોઈક સુરતી લાલાને પૂછીએ કે ‘કેમનું ચાલે છે?’ તે એ હસીને કહેશે ‘કોઈ ટેન્શન ની મલે…’ આવો જ પ્રશ્ન અમદાવાદીને એની અદામાં પૂછીએ કે ‘શું ચાલે છે?’ તો એ કહેશે ‘જલસા છે બોસ.’ – આવો જ અખતરો કોઈક ઉત્તર ગુજરાતના ગામડામાં જઈને કરીએ અને પૂછી કે ‘કેવું ચાલે છે’ તો ઉત્સાહથી એ કહેશે ‘બસ ધુબાકા છે.’ દરેક પ્રદેશને એની ભાષા છે. ભાષાનું જોમ છે, એનું વૈવિધ્ય છે અને જિવાતી જિંદગીનું એમાં પ્રતિબિંબ છે. પ્રત્યેક પ્રત્યુત્તરની પાછળ કોઈક સંસ્કૃતિનો પડઘો પડે છે. જે તે પ્રદેશની લાક્ષણિકતા પ્રગટતી જોવા મળે છે.
શબ્દનો કારોબાર આમ જોઈએ તો દરેકે કરવો પડે છે. દરેક વ્યવસાયને અનુરૂપ આવી શબ્દાવલિ હોય છે. દરેક ભાષાને પોતાનો ઇતિહાસ હોય છે. વિકાસની રૂપરેખા હોય છે. આપણી માતૃભાષા ગુજરાતીની પણ એક વિકાસયાત્રા છે. એ મૂળ સંસ્કૃતમાંથી અવતરેલી એક હજાર વર્ષનો સુદીર્ઘ ઇતિહાસ ધરાવતી ગૌરવશાળી ભાષા છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત… એ પછી ગૌજર અપભ્રંશ, જૂની પશ્ચિમી રાજસ્થાની, જૂની ગુજરાતી અને ક્રમશઃ આજની આધુનિક ગુજરાતી ભાષામાં તેનું અવતરણ એક રોમાંચક સફર છે. પ્રેમાનંદ થકી એ ઠરીઠામ થઈ અને નરસિંહ, અખાની ભક્તિધારામાં ભીનાશ પામી, શબ્દ થકી ભાષાનો પિંડ ઘડાય છે. ભાષા કેવી હોવી જોઈએ એનું પ્રથમ વાર આપણને ભાન કરાવ્યું મહાત્મા ગાંધીએ. એમણે કહ્યું કે, કોશિયો પણ સમજી શકે એવી સરળતા હોવી જોઈએ.’ અર્થાત્ સરળ શબ્દાવલિ એ ભાષા માટે અનિવાર્ય બાબત ગણી શકાય.
ગુજરાતી ભાષામાં બે પ્રકારના શબ્દો મુખ્યત્વે જોવા મળે છે, જેમાં પ્રથમ કક્ષાએ સંસ્કૃતમાંથી સીધા જ આવેલા શબ્દો એટલે કે ‘તત્સમ’ શબ્દોનો વૈભવ જોવા મળે છે… તો અન્ય શાસનપ્રણાલી કે ભાષાઓની સંગતિથી મળેલા શબ્દોને ‘તદ્ભવ’ શબ્દો કહેવાય છે. દરેક શબ્દનું મૂળ હોય છે જેને વ્યુત્પતિ કહીએ છીએ. ભાષાનું વ્યાકરણ હોય છે, બંધારણ પણ હોય છે, જેમ કે આપણે આર્યપ્રજા છીએ. આ આર્ય શબ્દનું મૂળ ‘અર’ છે. જેનો અર્થ થાય છે ‘ખેડવું’. એટલે ખબર પડે કે આર્યસંસ્કૃતિ એટલે ખેતીપ્રધાન કે ગોપાલક સંસ્કૃતિ. કેટલાક શબ્દો મૂળ સ્વરૂપે સ્વીકૃત ના બને અને તળપદા ફેરફાર સાથે પ્રચલિત થાય તેને અપભ્રંશ શબ્દો કહેવાય, જેમ કે, કર્મનું કરમ, કઠિનનું કઠણ, મધનું મધ, ઉપવાસનું અપવાસ.
મૂળ સંસ્કૃત ભાષાના શબ્દો જોઈએ તો કર્ણ, કર્મ, પર્ણ, નીતિ, નૃત્ય વગેરે. તદ્ભવમાં પણ અપાર વૈવિધ્ય છે. જેમાં જુદી-જુદી શાસનવ્યવસ્થા અને વેપાર-વણજના કારણે થયેલા આદાનપ્રદાનના કારણે નવા શબ્દો ઉમેરાયા છે.
જેમ કે મુસ્લિમ શાસન અને તેના આગમન થકી અરબી, ફારસી શબ્દો આવ્યા, જેવા કે, તાલુકો, જિલ્લો, ઇલાકો, મુકદ્દમો, કારભાર, ફરમાન, કારકુન, શિરસ્તેદાર, અત્તર, જલેબી, કલગી, રકાબી, તાજગી, તંદુરસ્તી, હવા, યાદ વગેરે.
પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓના સંસર્ગથી મળેલા શબ્દોમાં કોફી, કપ્તાન, આફૂસ, બટાટા, મોસંબી, પાદરી, ચાવી, પિસ્તોલ. અંગ્રેજોએ આપણને વિશાળ શબ્દભંડોળ આપ્યું, જેમ કે સ્ટેશન, ટેબલ, પરમિટ, ઓફિસ, ટ્રેઇન, ટ્રસ્ટ, થિયેટર, સિનેમા. હિન્દી ભાષામાંથી આબાદી, આસાની, બાદલ, જિંદગી, તમન્ના, હમદર્દી વગેરે. મરાઠા શાસને પણ ભાષાને સમૃદ્ધિ આપતા શબ્દો આપ્યા છેઃ અટકળ, ફુટકળ, ચળવળ, તાબડતોબ, નિમણૂક, વાટાઘાટ, પ્હાણીપત્રક, માનધન, લવચીક વગેરે. આ ઉપરાંત તળપદી બોલીઓ કે જાનપદી પરિવેશમાંથી પણ વૈવિધ્યસભર શબ્દોનો વૈભવ પ્રાપ્ત થયો છે, જેમાં મુખદુર્બળ, મોઢાના મોળા, મનેખ, જણ, મોટિયાર, હાકલા, પડકારા, શબદ, પાઘલડી, ફૂમતું વગેરે. ભગવાન બુદ્ધના અનુયાયીઓ ધર્મચિંતન માટે જે ખેપો કરતા તેના માટે શબ્દ પ્રયોજાયો છે ‘સંક્રમણ’. ‘આક્રમણ’ની પ્રતિકૃતિ જેવો આ કેવો સરસ પ્રાસાનુપ્રાસ!
એક રાજાના દરબારમાં સભા બરાબર જામી હતી. ત્યાં જ દીવાઓ અચાનક ઓલવાઈ ગયા. આ ઘટના જોઈ ચતુર રાજકવિએ રાજા સામે જોઈ કવિત લલકાર્યું, ‘દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર…!’ આમાં દીવા અને નથી વચ્ચેની જગ્યા રાખીને બોલીએ તો વાસ્તવિક ચિત્ર ઊપસે, પરંતુ ‘દીવાનથી’ શબ્દ મૂકી કવિએ શબ્દ થકી રાજાને ફરિયાદ પણ કરી દીધી. આવા શ્લેષ થકી પણ ભાષા સમૃદ્ધ બનતી હોય છે.
પ્રત્યેક ભાષાને તેના પોતીકા શબ્દો હોય છે, એનું માધુર્ય હોય છે, જેમ કે સાઢુભાઈ માટે ઉર્દૂમાં શબ્દ છે હમઝૂલ્ફ.
હિન્દીમાં એક સરસ કહેવત છે જે ટાંકવાનું મન થાય છે. ‘અરહર કી ટટિયા ઔર ગુજરાતી તાલા’ અર્થાત્ ઘાસફૂસની ઝૂંપડી અને ગુજરાતી તાળું? આને અનુરૂપ ગુજરાતી ભાષામાં પણ કહેવત છે. ‘ચકલી નાની ને ફૈડકો મોટો’.
આપણે વેપારી પ્રજા છીએ. આપણી જીવનશૈલી અને રહેણીકરણીમાં ઘણા બધા શબ્દોમાં જાણે અજાણે એની અસર દેખાઈ આવે છે. જેમ કે કોઈને પૂછીએ કે ‘ધંધો કેમ ચાલે છે?’ તો એ કહેશે ‘ટાંટિયા મળતા નથી.’ અર્થાત્ જમા ઉધારનો મેળ પડતો નથી. કોઈ અણગમતો મહેમાન આવી ચડે તો કહીએ કે ‘માથે પડેલો છે.’ એટલે ગોડાઉનમાં આવેલો વધારાનો સામાન! આપણી દેવી પણ ‘વૈભવલક્ષ્મી’ હોય. હનુમાનજી જેવા સાતિ્ત્વક સેવકને પણ આપણે નામ આપીએ ‘રોકડિયા હનુમાન!’ સર્વત્ર રોકડની જ બોલબાલા.
શબ્દો નવા આવે છે અને લુપ્ત થતા જાય છે. સમયાંતરે નવસંસ્કરણ પણ પામે છે.
ઢાળિયાવાળું ઘર, પછીત, મજિયારું, ચીલો, ચાસ, પોસ્ટકાર્ડ, ટેલિફોન, ગાડામારગ, પગદંડી, પાદર, ભાગોળ જેવા શબ્દો લુપ્ત થતા જાય તો સામા પક્ષે એસએમએસ, નેટ, સર્ફિંગ, મિસ કોલ, સીએનજી, એક્સપ્રેસ વે, ડાયેટફુડ, સેલ્ફ ડ્રાઇવિંગ, ઇએમઆઈ, લોનપેપર્સ, વેસ્ટર્ન ટોઇલેટ જેવા શબ્દો પ્રચલિત થતા જાય છે.
શાસનમાં રાજવીઓ, નવાબો, ઠાકોરો, ભાયાતો લુપ્ત થયા તો પી.એમ., સી.એમ. અને પ્રેસિડન્ટોની બોલબાલા છે. અશોકના શિલાલેખોમાં રાજવી માટે મજેદાર શબ્દ ‘રાજુક’નો ઉલ્લેખ થયેલો જોવા મળે છે, જે અંગ્રેજી શાસનમાં વાઇસરોય, રેસિડેન્ટ કે ગવર્નરો હતા. આજે સી.ઈ.ઓ., એમ.ડી. અને ચેરમેન કે ચેરપર્સનની બોલબાલા વધી રહી છે.
વ્હોરાઓ ‘ત’ને બદલે ‘ટ’ અને ‘ધ’ ને બદલે ‘ઢ’ બોલે ત્યારે એમાં નજાકત જોવા મળે છે, જેમ કે ‘ટમે બઢા આવ્યા એ ખૂબ ગમ્યું.’ નાગરો મોટા ભાગે સરકારી નોકરી કરતા જોવા મળે. એક નાગર સજ્જને આ વાતને મજાકમાં લેતાં કહ્યું, ‘અમને રેવન્યુ સ્ટેમ્પ બહુ ગમે.’ જમાઈને માટે નાગરોમાં મૌલિક શબ્દ છે ‘રાયજી’. આમ શબ્દનો વૈભવ એ કોઈ રાજામહારાજાના ખજાના કે તોશાખાના કરતાં પણ અનેકગણો કીમતી અને મૂલ્યવાન હોવાનું પ્રતીત થાય છે.

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.