વ્યભિચારિણી સ્ત્રીની હત્યા પાપ ન ગણાતું

0
1009

નારદે આ પ્રકારની વ્યભિચારિણીઓ માટે સ્વૈરિણી શબ્દપ્રયોગ કર્યો છે. સ્વૈરિણી એટલે સ્વૈરવિહારી. તેમણે ચાર પ્રકારની સ્વૈરિણી કહી છે, જે સ્ત્રીને બાળક હોય કે ન હોય અને તેનો પતિ હયાત હોય છતાં કામવશ થઈ તે બીજા પુરુષ પાસે જતી રહે તો તે પ્રથમ પ્રકારની સ્વૈરિણી કહેવાય. પરણેલા પતિને છોડીને જે પરપુરુષ પાસે જતી રહે અને તેને પણ છોડીને પાછી પતિને ઘેર આવે તો તે બીજા પ્રકારની સ્વૈરિણી કહેવાય. પતિના મૃત્યુ પછી દિયરને છોડીને પરપુરુષ પાસે જાય તે ત્રીજા પ્રકારની સ્વૈરિણી કહેવાય. તથા જે સ્ત્રી બીજે દેશથી આવી હોય, ધન આપીને ખરીદાયેલી હોય અને ખાવાપીવાનું ન મળતું હોવાથી ‘હું તમારી છું’ એમ કહીને આવી હોય તે ચોથા પ્રકારની સ્વૈરિણી કહેવાય છે. આ ચાર પ્રકારની સ્ત્રીઓની વ્યાખ્યા કરીને નારદ કહે છે કે વ્યભિચારિણીનું મૂંડન કરવું. તેને નિકૃષ્ટ ભોજન આપવું. વસ્ત્રો આપવાં. તેણે પતિનું ઘર સાફસૂથરું ને ચોખ્ખુંચણક રાખવું તથા જમીન પર સૂવું.
અન્ય સ્મૃતિકારોની જેમ પરાશરે પણ વ્યભિચારિણીઓ માટે પ્રાયશ્ચિત્ત અને દંડનું વિધાન કર્યું છે. તેમણે વિવિધ વર્ણની વ્યભિચારિણીઓ માટે જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત અને દંડ કહ્યાં છે. સૌપ્રથમ તેમણે શૂદ્ર સાથેના સંયોગનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. એ કહે છે કે, ધાડું પડ્યું હોય એ સમયે, યુદ્ધ સમયે, દુકાળ સમયે, મરકીના સમયમાં, શત્રુ રાજા દેશ પર ચડી આવ્યો હોય અને લોકોને કેદ કરીને ગુલામ બનાવતો હોય તેવા સમયે અથવા ચોર-ડાકુ વગેરેનો ભય હોય
ત્યારે પુરુષે સદા સ્ત્રીનું રક્ષણ કરવું, પણ આવા સમયમાં સ્ત્રીને ચંડાળ સાથે સમાગમ થઈ જાય તો દસ બ્રાહ્મણની સભા ભરીને તેમની સમક્ષ દોષની કબૂલાત કરવી. પછી ગળા સુધીનો ખાડો ખોદી તેમાં ગાયનું છાણ અને પાણી ભરવું. એક દિવસ તથા એક રાત્રિ તે ખાડામાં નિરાહાર ઊભાં રહેવું. બીજે દિવસે તેમાંથી બહાર નીકળવું. માથાના વાળની બે આંગળ લટ કાપવી અને ચોખાની ખીચડી ખાવી. ત્રણ દિવસ ઉપવાસ કરવો. છઠ્ઠે દિવસે પહેલાંની જેમ ગળા સુધીના ખાડામાં એક દિવસ માત્ર પાણીમાં ઊભાં રહેવું. સાતમે દિવસે ખાડામાંથી બહાર નીકળવું. શંખાવતીનાં મૂળ, પાંદડાં, ફૂલ અથવા ફળ તથા સુવર્ણને પંચગવ્યમાં ભેળવી તેનો ઉકાળો કરવો. રજસ્વલા થતાં સુધી એક વખત ઉકાળો પીવો. ઘરનું કામકાજ ન કરવું ને ઘરની બહાર રહેવું. આ રીતે પ્રાયશ્ચિત્ત કર્યા પછી બે બ્રાહ્મણ જમાડવા. તેમને એક એક ગાય દાનમાં આપવી. આટલું કર્યા પછી શૂદ્રનો સમાગમ કરનારી વ્યભિચારિણી શુદ્ધ થાય છે. એ જ રીતે શૂદ્ર સિવાયના વર્ણવાળા પુરુષ સાથે વ્યભિાચર કરનાર બ્રાહ્મણી, ક્ષત્રિયાણી અને વૈશ્યા વિવિધ વ્રતો કરીને શુદ્ધ થાય છે, પરંતુ પતિ મૃત્યુ પામ્યો હોય અથવા પરદેશ ગયો હોય અને તેના સમાચાર ન મળતા હોય એવા સંજોગોમાં ઉચ્ચ વર્ણની સ્ત્રી શૂદ્ર પુરુષ સાથે વ્યભિચાર કરે અને ગર્ભધારણ કરે તો તેને દેશપાર કરવી. ઉપરાંત બ્રાહ્મણી પરાયા પુરુષ સાથે પરગામ જતી રહે તો તેનો બહિષ્કાર કરવો. તેને જાતિની બહાર કાઢી મૂકવી અને કોઈ પણ સંજોગોમાં ઘેર ન આવવા દેવી, કારણ કે આ રીતે નાસી ગયેલી વ્યભિચારિણી પોતાના પતિના ઘરમાં અથવા પોતાનાં માતાપિતાના ઘરમાં આવીને રહે તો તેમનું ઘર પણ અશુદ્ધ થાય છે. એટલે જ વ્યભિચારિણીને ઘરમાંથી કાઢી મૂકવી અને તેના ગયા પછી ઘરની શુદ્ધિ માટે આ વિધિ કરવી.
વ્યભિચારિણી જે ઘરમાં આવીને રહી હોય તેને તેના ગયા પછી ખોદી નાખવું. પંચગવ્ય છાંટીને શુદ્ધ કરવું. માટીનાં વાસણો ફેંકી દેવાં. તાંબાનાં વાસણો પંચગવ્યથી શુદ્ધ કરવાં. કાંસાનાં વાસણો દસ વાર રાખથી શુદ્ધ કરવાં. વસ્ત્રોને અને લાકડાંનાં પાત્રોને ધોળીને શુદ્ધ કરવાં. નાળિયેર, તુંબડા, બીલી અને કોંઠ વગેરે ફળનાં પાત્રોને ગાયના વાળની પીંછીથી ધોઈને સાફ કરવાં, ઘરધણીએ બ્રાહ્મણો કહે તે પ્રાયશ્ચિત્ત કરવું. બે ગાય દક્ષિણામાં આપવી… આટલું કરવાથી ઘર પવિત્ર અને શુદ્ધ થાય છે.
ઘર પવિત્ર થતું, પણ વ્યભિચારિણી તો અપવિત્ર જ રહેતી. એટલે જ તેની હત્યા કરવી એ મહાપાપ ન ગણાતું. તેની હત્યા કરનાર નજીવું પ્રાયશ્ચિત્ત કરીને પાપમુક્ત થઈ જતા. મનુ કહે છે કે, ચારે વર્ણની વ્યભિચારિણીઓની હત્યા કરનાર વર્ણના અનુક્રમે મૃગચર્મ, ધનુષ્ય, બકરો અને ઘેટું દાનમાં દે તો તેનું પ્રાયશ્ચિત્ત થઈ જાય છે અને તે શુદ્ધ પણ થઈ જાય છે.
એનો અર્થ એવો થયો કે સ્મૃતિકાલીન વ્યભિચારિણીઓની કિંમત કોડીની… ના, ઘેટાંબકરાં જેટલી જ હતી!

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.