
ન્યુ યોર્કઃ તાજેતરમાં 16મી જૂને અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કેપિટોલ હિલની વેસ્ટ લોનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે 2500થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને આયુષના રાજ્યમંત્રી શ્રીપદ નાયકના ઓડિયો સંદેશાઓ રજૂ કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન મોદીએ દુનિયાભરના યોગપ્રેમીઓને અભિનંદન પાઠવતાં નાગરિકોના જીવનમાં આરોગ્યની તંદુરસ્તી માટે યોગાની મહત્ત્વની ભૂમિકા રજૂ કરી હતી.
અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત નવતેજ સરનાએ યોગમાં ભાગ લેનારા નાગરિકોને આવકાર્યા હતા અને કહ્યું હતું કે યોગને અમેરિકી નાગરિકો દ્વારા આવકારવામાં આવ્યો છે અને અમેરિકામાં 36.7 મિલિયન યોગા પ્રેક્ટિશનરો છે.
યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટના સત્તાવાળાઓ – પ્રતિનિધિઓ, સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન્સ, વર્લ્ડ બેન્ક, એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ, થિન્ક ટેન્ક્સ, વિવિધ દૂતાવાસોના પ્રતિનિધિઓ, ભારતીય ન્યુઝ મિડિયાના સ્થાનિક પ્રતિનિધિઓ, ચાવીરૂપ સ્થાનિક સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માનમાં અને યોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સના વિવિધ અગ્રણીઓએ પ્રશસ્તિપત્રો અને સન્માન બહાર પાડ્યાં હતાં, જેમાં વર્જિનિયાના ગવર્નર રાલ્ફ નોર્ધામ, સેનેટર ટિમોથી કેઇન અને કોંગ્રેસમેન ડોન બેયર, રાજા કૃષ્ણમૂર્તિ અને ગેરાલ્ડ કોનોલીનો સમાવેશ થતો હતો.
ભારત સરકાર દ્વારા સર્જિત ‘કોમન યોગા પ્રોટોકોલ’ પર આધારિત ગાઇડેડ યોગા સેશન યોગા નિદર્શકોની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્કૃતના શ્લોકો અને શાંતિપાઠ સાથે યોગા સત્રનું સમાપન થયું હતું.
ભારતીય દૂતાવાસ દ્વારા યોગા ઓર્ગેનાઇઝેશનો અને યોગા સ્ટુડિયોઝ સાથે સહયોગમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલ, જોહન હોપકિન્સ યુનિવર્સિટી, હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિચમંડ વર્જિનિયા, શ્રી શિવા વિષ્ણુ ટેમ્પલ લેનહામ, ચિન્મય મિશન, દુર્ગા ટેમ્પલ વર્જિનિયા, નોર્થ પોટોમેક કોમ્યુનિટી સેન્ટરમાં કર્ટેન રેઇઝર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
એમ્બેસી દ્વારા સંગઠનોના જૂથ ફ્રેન્ડ્સ ઓફ યોગા દ્વારા આપવામાં આવેલા સહકાર બદલ પ્રશંસા કરવામાં આવી હતી, જે જૂથ આ પ્રદેશમાં યોગાને ઉત્તેજન આપે છે.

દરમિયાન ચોથા આંતરરાષ્ટરીય યોગ દિવસની ન્યુ યોકમાં 16મી જૂને ઐતિહાસિક ગવર્નર્સ આઇલેન્ડમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા થયું હતું, જેમાં તમામ વયજૂથના નાગરિકોએ ભાગ લીધો હતો.
11મી ડિસેમ્બર, 2014ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 193 સભ્યો અને 177 દેશોએ કન્સેસસ દ્વારા દરખાસ્તને મંજૂરી આપી હતી. આ રીતે 21મી જૂન ઇન્ટરનેશનલ યોગ ડેની ઉજવણીની શરૂઆત દર વર્ષે કરાય છે. ન્યુ યોર્ક સિટીમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણી વિવિધ તબક્કે ઐતિહાસિક હતી. ગવર્નર્સ આઇલેન્ડ ન્યુ યોર્ક હાર્બરમાં આવેલો 72 એકરનો આઇલેન્ડ છે.
યુએસ કોંગ્રેસવુમન કેરોલીન મેલોની આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન હતાં, જેમણે હાલની લાઇફસ્ટાઇલમાં યોગાના લાભો વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ ટેમ્પલ, ઇન્ડિયન કલ્ચરલ એસોસિયેશન, મલ્લકુંભ ફેડરેશન, સામ કેટ્ઝ, આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન, ઈશા ફાઉન્ડેશન, વર્લ્ડ યોગા કોમ્યુનિટી, બેટરી ડાન્સ કંપનીએ પરફોર્મન્સ આપ્યું હતું.
પરફોર્મન્સમાં યોગા મુદ્રા, સલામી, સમાન યોગા પ્રોટોકોલ, યોગાસન, ડેસ્કટોપ યોગા, યોગિક મ્યુઝિક, મ્યુઝિકલ પરફોર્મન્સ, ડાન્સ પરફોર્મન્સનો સમાવેશ થતો હતો.