વોઇસ, વોઇસ ઓફ અને વોઇસ ઓફ ‘વોઇસ ઓફ’… અને?!!!

0
1139

ગાયન-વિશ્વમાં અનુકરણનો મોટો મહિમા છે. ભારત અને અન્ય દેશોમાં વર્ષોથી ચાલી આવતી પ્રથાઓમાં અનુકરણ મોખરે છે. નવોદિત ગાયક આ દુનિયામાં પદાર્પણ કરે એટલે ગાયકનું નામ પુછાય એ પહેલાં એ કોના અવાજમાં ગાય છે એ વિશે કુતૂહલ હોય! ગાયક જેવું જાહેર કરે કે હું ગાઉં છું એટલે પહેલો પ્રશ્ન હોયઃ એમ? કોના અવાજમાં ગાઓ છો? આપણે ત્યાં ‘અનુકરણ’ નામની સોનાની લગડી ઘણા વાપરે છે.
‘વોઇસ ઓફ – રફી, કિશોર, મુકેશ, લતા, સાયગલ વગેરેના મદાર ઉપર જીવંત મનોરંજનના મોટા ભાગના ઉદ્યોગો શ્વસે છે.
એક નવ્વા-નક્કોર ગાયક પોતાની તકદીર અજમાવવા મુંબઈ સ્થાયી થયા. ખૂબ રિયાઝી અને પોતાની આગવી કેડી કંડારવાની મહેચ્છા સાથે સંગીત કાર્યક્રમોના એક આયોજકને મળવાનું થયું. પોતાની ઓળખ આપી કહ્યું કેઃ હું એક ગાયક છું. ફિલ્મી ગીતો, ગઝલ, ભજન બધું ગાઉં છું. મારે લાયક કામ હોય તો કહેજો. આયોજકઃ એમ? કોના વોઇસમાં? ગાયક બિચારા ગોટે ચડ્યા. કહે કેઃ ‘સાહેબ, હું તો મારા જ વોઇસમાં ગાઉં ને! આયોજકઃ અરે એ તો સમજ્યા, પણ આમ તમે કોના અવાજમાં ગાઓ? એટલે… આઇ મીન… તમે વોઇસ ઓફ રફી કે મુકેશ, કે કિશોર કે પછી સોનુ-શાન… કોણ છો! ગાયકઃ સાહેબ, હું કોઈનો વોઇસ નથી કે નથી કોઈના વોઇસમાં ગાતો. મારો પોતાનો જ અવાજ સારો અને મજબૂત છે એટલે કોપી કરવાની જરૂર નથી! આયોજક ઊછળી પડ્યાઃ અરે એમ તે કંઈ હોય ભાઈ? કોકનો અવાજ તો મળતો આવવો જોઈએ ને? ગાયકઃ સાહેબ, મોહમ્મદ રફીએ જ્યારે પહેલી વાર ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવેલું ત્યારે એમનો અવાજ નવો જ હતો ને?! આયોજક આ સાંભળી વિચારમાં પડી ગયો. પેલા ગાયકની વાત તો સાચી છે, પણ બજારનો વિચાર કરતાં એણે કહ્યુંઃ ભાઈ, બધું બરાબર, પણ તમારે કોઈકના અવાજમાં તો ગાવું જ પડે. તો જ લોકો સાંભળે. નહિ તો લોકો આજકાલ કોઈ નવાસવાને તો ઊભોય નથી રાખતા! માર્કેટમાં રહેવું હોય તો કોપી તો કરવી પડે. ગાયકઃ કંઈક સારું અને જુદું હોય તો એનું અનુકરણ બધા કરે છે. મારો અવાજ સારો છે તો એમ પણ બને કે મારા અવાજની કોઈ કોપી કરે!
આ ‘વોઇસ ઓફ’ની પરંપરા જીવંત સંગીતના બજારમાં એટલી બધી હાવી થઈ ગઈ છે કે પોતાની આગવી શૈલી ધરાવતા ઓરિજિનલ ગાયકોને સાંભળવાનું જોખમ ખેડવા લોકો તૈયાર નથી હોતા. અનુકરણ સાંભળવું સહેલું અને સારું છે એઓને મન. આપણે સોનુ-શાન નાઇટ સંભાળીએ તો રફી કે કિશોરનું સ્મરણ તો થાય જ. આ પ્રક્રિયામાં પ્રસિદ્ધિ પામેલી પ્રમાણમાં સબળી કહી શકાય એવી પ્રતોની પણ નબળી અથવા અતિ નબળી પ્રતો બજારમાં આવતી-જતી રહે છે. સાંજ પડે અને ખાઈ-પીને એ.સી. ઓડિટોરિયમમાં જઈ થોડું મનોરંજન મેળવવાનું લોકોનું મુખ્ય ધ્યેય હોય છે. ગીત-ગાયકની વિગતો સાથે લેવાદેવા છે કોને?! ગીતો સાંભળતાં ઠંડી લહેરખીમાં બે’ક ઝોકાંય આવી ગયાં તોય કોણ પૂછે?!
અનુકરણ-પ્રથાનું વ્યાવસાયિક સમીકરણ જોઈએ તો ‘વોઇસ ઓફ’ અને ‘ફલાણા નાઇટ’ જેવી સામગ્રીઓએ જ આજના બજારમાં અડ્ડો જમાવ્યો છે.
આ સમીકરણનાં બેમાંનું એક પલ્લું વાણિજ્યિક પરિમાણને પોષતું હોય તો એ સામાન્ય રીતે કલાકારની મૂળ ઓળખના ભોગે. શાસ્ત્રીય, સુગમ કે લોકસંગીત હોય, શિષ્ય જ્યારે ગુરુનો કંઠ કે ગાયકીનું અનુકરણ કરે એ તો સહજ છે. ગુરુની નબળી કે સબળી પ્રત બનવું કોઈ અઘરું કામ નથી. અનુકરણ માટે આમ જુઓ તો ગુરુની પણ જરૂર નથી હોતી. એક સી.ડી. વગાડો કે કામ પત્યું! પણ એ પ્રત બનવાના પંથે એમાંથી પોતાની આગવી કેડી કંડારવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ગાયાકોદ્યોગમાં આવા પણ અનેક દાખલાઓ છે. પ્રત કડી મૂળ આવૃત્તિની જગ્યા ન લઈ શકે. જેઓ પ્રત બનવાનું પસંદ કરે છે એઓ પોતાની આગવી ઓળખ ક્યારેય પ્રસ્થાપિત નથી કરી શકતા. પ્રસિદ્ધિના માપદંડ અને આગવી ઓળખ વચ્ચે ઝાઝો સંબંધ નથી હોતો. શીઘ્ર પ્રસિદ્ધિ મેળવવાના અનેક રસ્તાઓ છે. આગવી ઓળખ પ્રાપ્ત કરવાનો એકમાત્ર કાચો, કઠણ અને કપરો રસ્તો છે જેની ઉપર ચાલનારા મોટા ભાગે વિજયી બને છે. તો ચાલો અનુકરણને થોડી વેળા ખીંટીએ ટીંગાડી જઈએ ‘સ્વ’ની ખોજમાં. પ્રત, એની નબળી પ્રત અને એની અતિ નબળી પ્રતની હારમાળા તો ચાલ્યા જ કરવાની. જે સો ટચનું સોનું છે એ જ ટકે છે.
ચલતે ચલતેઃ અનુકરણના નેજા હેઠળ પોતાનું ગુજરાન ચલાવતા કલાકારો મૂળ અવાજની આબેહૂબ નકલ કરવામાં માહેર છે. પણ એ મૂળ ગાયકની ગાયકી અને રૂહને આત્મસાત્ ભાગ્યે જ કોઈ કરતું જણાય. મુકેશના નાસિકાયુક્ત ભીના અવાજની નકલ થાય, પણ એના કંઠમાં રહેલું દર્દ ભાગ્યે જ કોઈ પોતાની ગાયકીમાં દર્શાવે છે. અનુકરણ ગાયક કલાકારનું પેટ તો ભરે શકે છે, પણ કલાકારની પોતાની ઓળખ હંમેશાં એક પડછાયામાં જ રાખે છે એ પણ હકીકત છે. કલાકાર સતર્ક હશે તો એક તબક્કે અનુકરણની ઓથ છોડી પોતાની આગવી કેડી કંડારશે. એ ચાર બાય ચારના ચોકઠામાંથી બહાર પગ મૂકી એકસરખાં રટાતાં ગીતોમાં પોતાનો રંગ અને મહેક ઉમેરશે ત્યારે સંભળાશે એક નવો અવાજ અને ત્યારે એ ‘વોઇસ ઓફ’ મટી એ પોતાના અવાજમાં ગાશે. સ્વરોના એક નવા આકાશને આલિંગશે અને ગર્વથી કહેશે કેઃ હું મારા જ અવાજમાં ગાઉં છું!

લેખક મુંબઈસ્થિત જાણીતા સંગીતજ્ઞ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here