વૈષ્ણવ સમાજ ઓફ મીડવેસ્ટ, શ્રીજીદ્વાર હવેલી દ્વારા દસમો પાટોત્સવ ઉજવાયો

0
936

શિકાગોઃ શિકાગોઃ ઇલિનોઇસમાં એડિસનમાં ધ વૈષ્ણવ સમાજ ઓફ મિડવેસ્ટ, શ્રીજીદ્વાર હવેલી દ્વારા ત્રણ દિવસ દરમિયાન દસમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં છપ્પન ભોગ મનોરથના આયોજનનો પણ સમાવેશ થતો હતો. મિડવેસ્ટમાં આ પ્રથમ હવેલી છે, જેણે દસ વર્ષ પૂર્ણ કર્યાં છે.
અમેરિકા અને ભારતમાંથી આ પ્રસંગે મહાનુભાવો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વભરમાં જાણીતા યુવાવૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી આ પ્રસંગે હાજર રહ્યા હતા અને વિવિધ ધાર્મિક પ્રવચનો રજૂ કર્યાં હતાં.
પૂજ્ય જેજેશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે વૈષ્ણવ સંપ્રદાય ફક્ત ધર્મ નથી, પરંતુ જીવન જીવવાનો માર્ગ છે. તેમણે કહ્યું કે પુષ્ટિમાર્ગ વૈષ્ણવવાદ છે, જે કૃપામાર્ગ બન્યો છે.
આ સમારંભમાં રિપ. રાજા કૃષ્ણમૂર્તિ (ડી-ઇલિનોઇસ), ઇલિનોઇસ સ્ટેટ જીઓપી ચેરમેન ટીમ સ્નેઇડર, સ્કાઉમ્બર્ગ ટાઉનશિપ ટ્રસ્ટી નિમિષ જાની વગેરે હાજર રહ્યા હતા.
ત્રણ દિવસ દરમિયાન ધાર્મિક પ્રવચનો-સત્રો ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક-મનોરંજન કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
છેલ્લા બે માસથી ઉજવણીનું આયોજન ચાલતું હતું, જેમાં 100 સ્વયંસેવકોએ સેવા આપી હતી.
રાસ-ગરબા પરફોર્મન્સ, છપ્પન ભોગ મનોરથનું 16મી જૂને આયોજન કરાયું હતું, જેમાં 100 કિલોની 56 વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવી હતી, જે માટે 16 ફૂટ લાંબું અને 28 ફૂટ પહોળું સ્ટેજ તૈયાર કરાયું હતું.
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન-એજ્યુકેશને પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ચિલ્ડ્રન્સ દશાવતાર મ્યુઝિકલ શોનું આયોજન કર્યું હતું. આ શોમાં 70 વિદ્યાર્થીઓએ ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો બે હજાર દર્શકો સમક્ષ રજૂ કર્યા હતા. 17મી જૂને વીવાયઓઇ દ્વારા 100થી વધુ વિદ્યાર્થીઓનો સ્નાતક સમારંભ યોજાયો હતો.
સંસ્થાના અગ્રણી ચેરમેન ડો. ઉમંગ પટેલ અને પ્રેસિડન્ટ જયોતિન પરીખે આ કાર્યક્રમને ખૂબ સફળ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે વૈષ્ણવોની એકતા અને સ્વયંસેવકોના સમર્પણના કારણે આ મહોત્સવને સફળતા મળી છે.
શ્રીજીદ્વાર હવેલી નોન-પ્રોફિટ ધાર્મિક ઓર્ગેનાઇઝેશન છે, જે 2008થી હિન્દુ સમુદાયની ધાર્મિક-સાંસ્કૃતિક જરૂરિયાતો સંતોષે છે.
લીડરશિપ પ્રેસિડન્ટ પરાગી પટેલ અને ડો. વિવેક શાહ કાર્યક્રમના અગ્રણી કો-ઓર્ડિનેટર રહ્યાં હતાં.